હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એવિએશન ક્ષેત્રે નવો ઇતિહાસ રચાયો: ક્વાન્ટાસ એરલાઇન્સની ૨૪ કલાકથી વધુ સમયની નોન-સ્ટોપ ફ્લાઇટ; ૨૦ વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ તોડી વિમાને કાપ્યું ૨૩,૦૦૦ કિલોમીટરથી વધુનું અંતર
મેલબોર્નથી ઉડીને સીધું ફ્રાન્સ ઉતરી ખાસ ડિઝાઇન કરાયેલી એરબસ A350: 'પ્રોજેક્ટ સનરાઇઝ' હેઠળ ૨૦૨૭થી શરૂ થશે ઓસ્ટ્રેલિયાથી લંડન અને ન્યુ યોર્કની સીધી કોમર્શિયલ ફ્લાઇટ્સ; ૩૬ લાખથી વધુ લોકોએ ડિજિટલી આ ઐતિહાસિક ઉડાન જોઈ

નવી દિલ્હી, તા.૨૯: ઓસ્ટ્રેલિયન ફ્લેગ કેરિયર એરલાઇન 'ક્વાન્ટાસ' (Qantas) એ એરોસ્પેસની દુનિયામાં એક નવો ઐતિહાસિક સૂર્યોદય કર્યો છે. એરલાઇનના ખાસ સુધારેલા અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ એરબસ A350 વિમાને ૨૪ કલાકથી વધુ સમય સુધી આકાશમાં સતત નોન-સ્ટોપ ઉડાન ભરીને સૌથી લાંબી કોમર્શિયલ ટેસ્ટ ફ્લાઇટનો નવો વર્લ્ડ રેકોર્ડ કાયમ કર્યો છે. ૨૭ જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નથી ઉપડેલું આ વિમાન ૨૪ કલાક અને ૨૪ મિનિટની અવિરત મુસાફરી બાદ ૨૮ જુલાઈએ ફ્રાન્સના ટુલૂઝ ખાતે આવેલા એરબસ હેડક્વાર્ટર પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું.
આ ઐતિહાસિક સફર દરમિયાન વિમાને પેસિફિક મહાસાગર, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને એટલાન્ટિક મહાસાગર ઉપરથી પસાર થઈને કુલ ૨૩,૦૭૫ કિલોમીટર (૧૪,૩૩૮ માઈલ) નું અકલ્પનીય અંતર કાપ્યું હતું. આ સાથે જ ક્વાન્ટાસે વર્ષ ૨૦૦૫માં બોઇંગ ૭૭૭-૨૦૦LR દ્વારા હોંગકોંગથી લંડન વચ્ચે સ્થાપિત કરાયેલો ૨૨ કલાક અને ૪૨ મિનિટનો ૨૦ વર્ષ જૂનો રેકોર્ડ ધરાશાયી કર્યો છે. ફ્લાઇટ-ટ્રેકિંગ પ્લેટફોર્મ ફ્લાઇટરાડાર૨૪ (Flightradar24) ના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ સમયે ૧૨ લાખ લોકો લાઈવ ટ્રેકિંગ કરી રહ્યા હતા, જ્યારે આખી ફ્લાઇટને ૩૬ લાખથી વધુ લોકોએ ડિજિટલી જોઈ હતી.
શું છે ‘પ્રોજેક્ટ સનરાઇઝ’ અને વિમાનની ખાસિયતો?
આ સફળ ટેસ્ટ ફ્લાઇટ ક્વાન્ટાસના મહત્વાકાંક્ષી 'પ્રોજેક્ટ સનરાઇઝ' (Project Sunrise) નો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારાથી લંડન અને ન્યુ યોર્ક જેવા વિશ્વના દૂરના પ્રમુખ શહેરો વચ્ચે સીધી પેસેન્જર ફ્લાઇટ્સ શરૂ કરવાનો છે.
આ ટેસ્ટ ફ્લાઇટ માટે એરબસ A350-1000ULR (અલ્ટ્રા લોંગ રેન્જ) વિમાનમાં ૨૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી વધારાની ઇંધણ ટાંકી ઉમેરવામાં આવી હતી. આ ફ્લાઇટમાં ૮ એરબસ ટેસ્ટ ક્રૂ, ૨ ક્વાન્ટાસ પાઇલટ અને ૨ એન્જિનિયર સહિત ૧૨ સભ્યોની ટીમ હાજર હતી, જેમણે ફ્લાઇટ દરમિયાન કેબિન નોઈઝ, એર સર્ક્યુલેશન અને કેબિન પ્રેશર જેવા અનેક વિષયોની આંકડાકીય ચકાસણી કરી હતી.
૨૦૨૭થી બદલાઈ જશે હવાઈ મુસાફરીનો નકશો:
ક્વાન્ટાસે એરબસ પાસેથી આવા ૧૨ ખાસ વિમાનોનો ઓર્ડર આપ્યો છે, જેમાં દરેક વિમાનમાં ૨૩૮ મુસાફરો મુસાફરી કરી શકશે. પ્રથમ વિમાન એપ્રિલ ૨૦૨૭માં ડિલિવર થશે અને ઓક્ટોબર ૨૦૨૭થી સિડનીથી લંડન વચ્ચે નિયમિત સીધી ફ્લાઇટ્સ શરૂ થવાની ધારણા છે.
હાલમાં વિશ્વની સૌથી લાંબી સીધી કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટનો રેકોર્ડ સિંગાપોર એરલાઇન્સ પાસે છે, જે સિંગાપોર અને ન્યૂ યોર્ક વચ્ચે આશરે ૧૫,૩૫૦ કિમીનું અંતર ૧૮ કલાકમાં પૂરું કરે છે. પરંતુ ક્વાન્ટાસની આ સેવા શરૂ થતાં જ સિડનીથી લંડન કે ન્યુ યોર્કની મુસાફરી માત્ર ૧૯ થી ૨૧ કલાકમાં જ શક્ય બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
