<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

વારાણસીમાં રચાશે નવો ઇતિહાસ: લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટને મળશે દેશનો સૌપ્રથમ ૬-લેન રનવે અંડરપાસ; એન્જિનિયરિંગની અદ્ભુત અજાયબી સમાન પ્રોજેક્ટનું કામ શરૂ

ઉપરથી વિમાન ટેક-ઓફ અને લેન્ડિંગ કરશે અને નીચેથી દોડશે વાહનો; કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સોશિયલ મીડિયા પર આ નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિગતો શેર કરી

વારાણસી, તા.૦૮: ભારતના સૌથી પવિત્ર અને ઐતિહાસિક શહેરોમાંના એક એવા વારાણસી (બનારસ) ના નામે ટૂંક સમયમાં જ એક અનોખો વૈશ્વિક રેકોર્ડ નોંધાવા જઈ રહ્યો છે. વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દેશનો સૌપ્રથમ ૬-લેન રનવે અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે. આ અદભુત પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ વારાણસી એરપોર્ટ સક્રિય (એક્ટિવ) રનવેની નીચેથી છ લેનનો હાઇવે પસાર થતો હોય તેવું દેશનું પ્રથમ એરપોર્ટ બની જશે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી (Civil Aviation Minister) રામ મોહન નાયડુએ આજે બુધવારે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંગે સત્તાવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, વારાણસી એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના વિકાસ કાર્યો અંતર્ગત આ હાઇટેક અંડરપાસનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલના તબક્કે આ અંડરપાસના પાયાનું કામ (ફાઉન્ડેશન વર્ક) અને રાફ્ટ કન્સ્ટ્રક્શનનું કામ અત્યંત ઝડપથી આગળ વધી રહ્યું છે.
સ્માર્ટ ટ્રાફિક અને આધુનિક ભારતની નવી ઓળખ
નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ પ્રોજેક્ટને આધુનિક ભારતની 'નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર' (આગામી પેઢીની માળખાકીય સુવિધા) ગણાવ્યો છે. અંદાજે ૪૫૦ મીટર લાંબો આ અંડરપાસ સિવિલ એન્જિનિયરિંગની એક અદ્ભુત અને અજોડ અજાયબી સમાન સાબિત થશે. આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત એ હશે કે જ્યારે રનવે પર ઉપરથી વિશાળકાય વિમાનો સુરક્ષિત રીતે પસાર થતા હશે અથવા ટેક-ઓફ અને લેન્ડિંગ કરી રહ્યા હશે, બરાબર તે જ સમયે તેની બિલકુલ નીચે બનેલા આ ૬-લેન અંડરપાસમાંથી રોડ ટ્રાફિક પણ કોઈપણ અડચણ વિના સડસડાટ પસાર થઈ શકશે.
આ અંડરપાસના નિર્માણથી એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને વાહનોની અવરજવર અત્યંત સરળ બનશે. વારાણસી એરપોર્ટ પર વધી રહેલા મુસાફરોના ભારણને પહોંચી વળવા અને તેને વૈશ્વિક સ્તરનું આધુનિક હબ બનાવવા માટે કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ પર ખાસ ધ્યાન આપી રહી છે. એન્જિનિયરિંગના આ અદભુત સમન્વયથી આગામી સમયમાં ભારતીય એવિએશન સેક્ટરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવો અધ્યાય ઉમેરાશે.

(6:24 PM IST)