તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
યુપીની રાજનીતિમાં નવો 'માસ્ટરસ્ટ્રોક': મુસ્લિમ કાર્ડ છોડીને જયંત ચૌધરીએ કેમ રમી 'જાટ-બ્રાહ્મણ' દાવ?
દાયકાઓ જૂના પરંપરાગત જાટ-મુસ્લિમ સમીકરણને અલવિદા કહીને રાષ્ટ્રીય લોક દળ હવે 'સર્વસમાજ'ના નામે ઉચ્ચ જાતિના મતો અંકે કરવા સક્રિય બની : જેમાં સંગઠનાત્મક ફેરફારો અને ભાજપ ગઠબંધનની છાપ સ્પષ્ટપણે વર્તાઈ

લખનૌ : ઉત્તર પ્રદેશની રાજનીતિમાં વિધાનસભા ચૂંટણીઓ પહેલાં જ એક મોટો રાજકીય પલટો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય લોક દળના વડા અને કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ પોતાના પરંપરાગત વોટબેંકના ગણિતને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. દાયકાઓથી ચૌધરી ચરણ સિંહ અને ચૌધરી અજીત સિંહના જમાનાથી જે પક્ષ 'જાટ-મુસ્લિમ' અને ખેડૂત એકતાની ઓળખ ધરાવતો હતો, તે હવે 'જાટ-બ્રાહ્મણ' કેમિસ્ટ્રી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ભાજપ સાથે એનડીએ (NDA) ગઠબંધનમાં જોડાતા જ જયંત ચૌધરીની વ્યૂહરચનામાં આ મોટો ફેરફાર આવ્યો છે, જેનાથી પશ્ચિમ ઉત્તર પ્રદેશની રાજકીય હવાનો રૂખ બદલાતો દેખાઈ રહ્યો છે.
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જયંત ચૌધરીએ સંગઠન ક્ષેત્રે મોટો દાવ ખેલ્યો છે. તેમણે અનુપમ મિશ્રાને RLDના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરીને સોશિયલ એન્જિનિયરિંગનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ ઉપરાંત, કે.સી. ત્યાગીને પક્ષમાં મહત્વનું સ્થાન આપવું તથા ત્યાગી, શર્મા અને મિશ્રા જેવા બ્રાહ્મણ ચહેરાઓને સંગઠનના ટોચના સ્તરે આગળ લાવવા તે સાબિત કરે છે કે પક્ષ હવે માત્ર એક ચોક્કસ વર્ગ સુધી સીમિત રહેવા માંગતો નથી. 2013ના મુઝફ્ફરનગર રમખાણો પછી જે જૂનું સામાજિક ગણિત વિખેરાયું હતું, તેને 2022માં સમાજવાદી પાર્ટી સાથે જોડાઈને પુનર્જીવિત કરવાનો પ્રયાસ અપેક્ષા મુજબ સફળ રહ્યો નહોતો, જેના પરિણામે આ નવો વળાંક લેવાયો છે.
આ નવી વ્યૂહરચના દ્વારા RLD હવે માત્ર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પૂરતી મર્યાદિત ન રહેતાં પૂર્વાંચલ અને મધ્ય યુપી સુધી પોતાનો આધાર વિસ્તારવા માંગે છે. બ્રાહ્મણ અને ત્યાગી સમુદાયના નેતાઓને પક્ષના સંગઠનમાં મોખરે રાખીને જયંત ચૌધરી ઉચ્ચ જાતિના મતદારો તેમજ ગ્રામીણ અને શહેરી બંને વર્ગોમાં પોતાની સ્વીકાર્યતા વધારી રહ્યા છે. ભાજપના સહયોગથી આકાર લઈ રહેલું આ નવું 'જાટ-બ્રાહ્મણ' જોડાણ આવનારી ચૂંટણીમાં વિપક્ષના રાજકીય ગણિતને કેટલું પ્રભાવિત કરશે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ નવી સોશિયલ એન્જિનિયરિંગથી યુપીના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
