<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

હિંદ મહાસાગરમાં નવું સૈન્ય સમીકરણ: માલદીવ-પાકિસ્તાન વચ્ચે 20 કરાર, ભારત માટે ચિંતાનો વિષય?

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની ઇસ્લામાબાદ મુલાકાત દરમિયાન સંરક્ષણ, સાયબર સિક્યુરિટી અને દરિયાઈ સુરક્ષા પર હસ્તાક્ષર : નિવૃત્ત નૌકાદળના કમાન્ડરને રાજદૂત બનાવી પાકિસ્તાને મોટો દાવ ખેલ્યો

નવી દિલ્હી  :  હિંદ મહાસાગરના અત્યંત વ્યૂહાત્મક વિસ્તારમાં સ્થિત માલદીવ અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી નિકટતાએ દક્ષિણ એશિયાના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની પાકિસ્તાન મુલાકાત દરમિયાન બંને દેશોએ સંરક્ષણ સહયોગ, દરિયાઈ સુરક્ષા, સાયબર સુરક્ષા અને વેપાર સહિત ૨૦ મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. 'ઇન્ડિયા આઉટ' ના નારા સાથે સત્તા પર આવેલા મુઇઝ્ઝુ અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં થયેલા આ કરારોથી બંને દેશો આગામી બે વર્ષમાં દ્વિપક્ષીય વેપારને $૨૦૦ મિલિયન સુધી પહોંચાડવા અને સુરક્ષા ક્ષેત્રે ઊંડો સહયોગ સ્થાપિત કરવા માંગે છે, જેના પર ભારત કડક નજર રાખી રહ્યું છે.

આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી ચોંકાવનારી બાબત પાકિસ્તાન દ્વારા માલદીવમાં પોતાના નવા રાજદૂત તરીકે નિવૃત્ત વાઇસ એડમિરલ ફૈઝલ રસૂલ લોધીની નિમણૂક છે. પાકિસ્તાન નૌકાદળના વરિષ્ઠ અને દરિયાઈ બાબતોના નિષ્ણાત એવા ભૂતપૂર્વ સૈન્ય અધિકારીને માલદીવમાં તૈનાત કરવાનો નિર્ણય દર્શાવે છે કે પાકિસ્તાન માત્ર રાજદ્વારી સંબંધો પૂરતું સીમિત ન રહેતા હિંદ મહાસાગરમાં પોતાની સૈન્ય અને નૌકાદળની પકડ મજબૂત કરવા માંગે છે. માલદીવ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ પર સ્થિત દેશમાં પાકિસ્તાની સૈન્યનો ચહેરો તૈનાત થવો એ ક્ષેત્રીય સુરક્ષાના દ્રષ્ટિકોણથી ભારતીય ક્ષેત્ર માટે નવી અટકળો અને ચિંતાઓને જન્મ આપી રહ્યો છે.

જોકે, કરારો પર હસ્તાક્ષર કરવા માત્રથી માલદીવ ભારત સામે સીધું પાકિસ્તાન સાથે લશ્કરી જોડાણ કરી લેશે તેમ કહી શકાય નહીં, પરંતુ આ બદલાતા સમીકરણો ભારત માટે મુત્સદ્દીગીરીના સ્તરે એલર્ટ રહેવાનો સ્પષ્ટ સંકેત છે. ભારતે હંમેશા માલદીવને વિકાસ, વેપાર અને દરિયાઈ સુરક્ષામાં સહયોગ આપ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ગેરકાયદેસર ડ્રગ હેરફેર અટકાવવા, પોલીસ તાલીમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત માહિતી શેર કરવાના નામે પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સીઓ માલદીવની ભૂમિ પર કેટલી હદ સુધી પ્રવેશ મેળવે છે અને જમીની સ્તરે આ કરારોનો અમલ કેવી રીતે થાય છે.

(6:13 PM IST)