<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

સાયબર ગુનેગારોની નવી ચાલ: 'નકલી e-PAN કાર્ડ' ડાઉનલોડ કરવાના મેસેજથી સાવધાન, સરકારના PIB ફેક્ટ ચેકે જાહેર કરી મોટી ચેતવણી

"ભૂલથી પણ લિંક પર ક્લિક ન કરતા": પાન કાર્ડ ડાઉનલોડ કરવાના બહાને લોકોની સંવેદનશીલ બેંકિંગ વિગતો ચોરતું મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડ સક્રિય

નવી દિલ્હી : ડિજિટલ યુગમાં સરકારી સેવાઓ ઓનલાઈન થવાની સાથે જ સાયબર ઠગોએ પણ નિર્દોષ નાગરિકોને છેતરવા માટે નવો કિમીયો અપનાવ્યો છે. આવકવેરા વિભાગ દ્વારા જારી કરાતા અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ એવા પાન કાર્ડના (PAN Card) નામે દેશમાં એક મોટું ઓનલાઈન કૌભાંડ ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ થયો છે. ભારત સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) ના સત્તાવાર ફેક્ટ ચેક યુનિટે શનિવારે દેશભરના નાગરિકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, લોકોને 'e-PAN કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ' કરવાનું કહેતા નકલી ઇમેઇલ, એસએમએસ અને વોટ્સએપ મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જે સંપૂર્ણપણે ફેક અને ફ્રોડ છે.

PIB એ સોશિયલ મીડિયા પર પુરાવા સાથે પોલ ખોલી:

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર એક સત્તાવાર પોસ્ટ જારી કરીને PIB ફેક્ટ ચેકે આ કૌભાંડની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કર્યો છે. સંસ્થાએ એક ઇમેઇલનો સ્ક્રીનશોટ શેર કર્યો છે જેની સબ્જેક્ટ લાઇનમાં "e-PAN કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો: એક પગલું-દર-પગલાની માર્ગદર્શિકા" (e-PAN card online download: a step-by-step guide) લખેલું છે. આ નકલી મેલ પર સંસ્થાએ મોટો 'રેડ ફેક સ્ટેમ્પ' મારીને લોકોને જાગૃત કર્યા છે. પીઆઇબીએ પૂછ્યું કે, "શું તમને પણ આવો કોઈ ઇમેઇલ મળ્યો છે? જો હા, તો સાવધ થઈ જાવ, કારણ કે આ ઇમેઇલ સંપૂર્ણપણે નકલી છે."

પર્સનલ ડેટા અને બેંક ખાતા ખાલી કરવાનું ષડયંત્ર:

આ કૌભાંડ પાછળ સાયબર ગુનેગારોનો હેતુ લોકોની સંવેદનશીલ વ્યક્તિગત માહિતી અને નાણાકીય વિગતો ચોરવાનો છે. નકલી ઇમેઇલમાં પાન કાર્ડને આવકવેરા વિભાગનો સૌથી મહત્વનો દસ્તાવેજ ગણાવીને લોકોને લલચાવવામાં આવે છે અને નીચે આપેલી શંકાસ્પદ લિંક પર ક્લિક કરવા મજબૂર કરાય છે. જેવી કોઈ વ્યક્તિ આ લિંક ખોલે છે, કે તરત જ તેની ગુપ્ત નાણાકીય માહિતી, બેંકિંગ પાસવર્ડ અને અન્ય ખાનગી ડેટા હેકર્સ પાસે પહોંચી જાય છે, જેનાથી બેંક ખાતામાંથી મિનિટોમાં જ નાણાં સાફ થઈ શકે છે.

સરકારની નાગરિકોને અપીલ: સત્તાવાર સાઇટનો જ ઉપયોગ કરો:

PIB ફેક્ટ ચેક યુનિટે ભારપૂર્વક જણાવ્યું છે કે, નાગરિકોએ આવા કોઈપણ શંકાસ્પદ ઇમેઇલ, અજાણી લિંક્સ, ફોન કોલ્સ કે એસએમએસનો (SMS) ભૂલથી પણ જવાબ આપવો જોઈએ નહીં કે પોતાની કોઈ વિગતો શેર કરવી જોઈએ નહીં. પીઆઇબી ડિજિટલ પ્લેટફોર્મ પર ફરતા આવા ભ્રામક દાવાઓ અને ઓનલાઈન કૌભાંડો પર સતત નજર રાખે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પાન કાર્ડ સંબંધિત કોઈપણ કામકાજ માટે માત્ર અને માત્ર આવકવેરા વિભાગની સત્તાવાર સરકારી ચેનલો અને અધિકૃત વેબસાઇટ્સનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.

(11:19 PM IST)