<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

યુરોપ પર તોળાતું કુદરતનું નવું સંકટ, WHO ની ભયાનક ચેતવણી: "આગામી દિવસો વધુ ઘાતક અને જીવલેણ બનશે, અસહ્ય ગરમી સેંકડો લોકોનો ભોગ લઈ શકે છે"; પોર્ટુગલ-સ્પેનમાં પારો ૪૩ ડિગ્રીને પાર જવાની આશંકા

એટલાન્ટિક મહાસાગર પર સર્જાયેલા નવા હીટવેવના લીધે હાહાકાર; આબોહવા પરિવર્તન (Climate Change) ના કારણે તૂટી પડ્યો ગરમીનો પ્રકોપ, હોસ્પિટલો એલર્ટ

જિનીવા : સમગ્ર વિશ્વમાં પર્યાવરણની બદલાતી કટોકટી વચ્ચે હવે યુરોપિયન દેશો પર આકાશી આફત મંડરાઈ રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ મંગળવારે એક અત્યંત ગંભીર અને ચિંતાજનક ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે એટલાન્ટિક મહાસાગર પર સર્જાયેલા એક નવા તીવ્ર ગરમીના મોજા (Heatwave) ને કારણે આગામી દિવસો યુરોપ માટે "વધુ ઘાતક અને કષ્ટદાયક અઠવાડિયા" સાબિત થઈ શકે છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, પોર્ટુગલ અને દક્ષિણ સ્પેન જેવા દેશોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સેલ્સિયસ (૧૦૯ ડિગ્રી ફેરનહીટ) સુધી પહોંચી જશે, જે સામાન્ય જનજીવનને બાનમાં લેશે.

કટોકટીની બેઠક અને કડવી વાસ્તવિકતા

આ સંભવિત વિનાશને રોકવા માટે WHO ના પ્રાદેશિક યુરોપ ડિરેક્ટર હંસ ક્લુગે તાત્કાલિક ધોરણે પ્રદેશના ૪૧ દેશો, યુરોપિયન કમિશન અને નાગરિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે એક ઇમરજન્સી કટોકટી કોલ (Emergency Meeting) યોજ્યો હતો. બેઠકમાં ક્લુગે સ્વીકાર્યું હતું કે જે દેશોએ અગાઉથી 'હીટ-હેલ્થ એક્શન પ્લાન' તૈયાર રાખ્યા હતા, તેઓ જૂન મહિનાની ગરમીમાં નાગરિકોને બચાવવામાં સફળ રહ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, યુરોપના અડધાથી વધુ સભ્ય દેશો પાસે આવી ગરમી સામે લડવાની કોઈ ચોક્કસ કે આગોતરી યોજના જ નથી, જેને કારણે જોખમ બમણું થઈ ગયું છે.

અગાઉના હીટવેવમાં ૩,૭૦૦ થી વધુ લોકોના મોત, આંકડો વધશે

નિષ્ણાતોના મતે, અગાઉ ૨૦ થી ૨૮ જૂન દરમિયાન આવેલો હીટવેવ યુરોપના ઇતિહાસનો સૌથી ભયાનક અને ગંભીર ગરમીનો પ્રકોપ હતો. તેણે વીજ ઉત્પાદન ઠપ્પ કરી દીધું, સરકારી માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું અને આરોગ્ય તંત્રની કમર તોડી નાખી હતી. માત્ર ફ્રાન્સ, નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં જ ગરમીના કારણે ૩,૭૦૦ થી વધુ લોકોના વધારાના મોત નોંધાયા છે અને અધિકારીઓનું કહેવું છે કે આ આંકડો હજુ પણ વધી શકે છે.

બેઘર અને વૃદ્ધો પર સૌથી મોટું જોખમ

WHO ના ડિરેક્ટરે ચિંતા વ્યક્ત કરી હતી કે ગરમીના આ પ્રકોપ વચ્ચે કેર હોમમાં રહેતા અસહાય લોકો, રસ્તા પર રહેતા બેઘર નાગરિકો અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધો સુધી હજુ પણ જરૂરી તબીબી મદદ પહોંચી રહી નથી. વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આ અસામાન્ય ભારે ગરમી સીધી રીતે આબોહવા પરિવર્તન (Climate Change) નું જ પરિણામ છે. હવે વૈશ્વિક સ્તરે બે મોરચે યુદ્ધના ધોરણે કામ શરૂ કરાયું છે: પહેલું, આગામી દિવસોમાં આવનારા ગરમીના નવા મોજા સામે અગાઉની ખામીઓ સુધારી લોકોને બચાવવા અને બીજું, ભવિષ્યમાં આવી ગંભીર કુદરતી આપત્તિઓનો સામનો કરી શકે તેવી મજબૂત હેલ્થ સિસ્ટમનું નિર્માણ કરવું.

(7:03 PM IST)