<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

પેટ્રોલનો નવો ભાવ પ્રતિ લિટર ૩૯૩.૩૫ રૂપિયા અને હાઈ-સ્પીડ ડીઝલનો ભાવ ૩૮૦.૧૯ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયો

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલમાં ૨૬.૭૭ રૂપિયાનો ભાવ વધારોઃ ગેસ સપ્લાય અસ્તવ્યસ્ત

ઇસ્લામાબાદ તા.૨૫: એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટ કરાવી દુનિયામાં વખાણ મેળવવાનો પ્રયાસ પાકિસ્તાન કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ત્યાંની સરકારે ફરી એક વાર જનતા પર મોંઘવારીનો 'બોમ્બ' ફોડ્યો છે. શહબાઝ સરકારે પહેલેથી જ મોંઘવારીથી પરેશાન જનતા પર વધુ એક મોટો બોજ મૂકી પેટ્રોલ અને હાઈ-સ્પીડ ડીઝલના ભાવોમાં ભારે વધારો કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી તાજી સૂચના મુજબ પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લિટર ૨૬.૭૭ રૂપિયાનો સમાન વધારો કરવામાં આવ્યો છે.

આ વધારા બાદ પેટ્રોલનો નવો ભાવ પ્રતિ લિટર ૩૯૩.૩૫ રૂપિયા અને હાઈ-સ્પીડ ડીઝલનો ભાવ ૩૮૦.૧૯ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે. આ નવી કિમતો ૨૫ એપ્રિલ (શનિવાર) મધરાતથી અમલમાં આવી ગઈ છે.

આ મોટા ફેરફારનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઊથલપાથલ અને સરકાર દ્વારા પેટ્રોલિયમ લેવીમાં કરાયેલ વધારો માનવામાં આવે છે. ખાસ કરીને ડીઝલના ભાવમાં વધારાની સીધો અસર માલવહન અને કૃષિ ક્ષેત્ર પર પડશે, જેને કારણે આવનારા દિવસોમાં ખાદ્યવસ્તુઓ અને અન્ય આવશ્યક સેવાઓના ભાવમાં વધુ વધારો થવાની આશંકા છે. મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય અને રાજદ્વારી તણાવને કારણે કાચા તેલના ભાવમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. હાલની પરિસ્થિતિમાં સૌથી મોટી ચિંતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને છે. પડોશી દેશ પાકિસ્તાન ફરી એક વાર મોટા ઊર્જા સંકટના મુખે ઊભો છે.

(4:01 PM IST)