તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
"મોંઘવારી માનવ મોદી"ની નવી સ્ટ્રાઇક: પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારા બાદ રાહુલ ગાંધીનો પીએમ પર પ્રહાર
ચૂંટણી પૂરી થતાં જ જનતાના ખિસ્સા પર મોટો માર: બે અઠવાડિયામાં ચોથી વાર ભાવ વધારો ઝીંકાયો, જાણો શું છે લેટેસ્ટ સ્થિતિ

નવી દિલ્હી, તા. 25 મે, 2026 દેશમાં ચૂંટણીનો માહોલ શાંત પડતા જ સામાન્ય જનતા પર મોંઘવારીનો માર શરૂ થઈ ગયો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે સોમવારે ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને "મોંઘવારી માનવ મોદી" ગણાવતા કટાક્ષ કર્યો હતો કે, ચૂંટણી દરમિયાન વચનોની લહાણી કરનાર સરકાર હવે વારંવાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને સામાન્ય માણસના ખિસ્સા કાપી રહી છે.
"ચૂપચાપ ખિસ્સા કાપવાની નીતિ"
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની તીખી પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ચૂંટણી દરમિયાન જનતાનો ગુસ્સો ન ભભૂકી ઉઠે તે માટે ઇંધણના ભાવ હપ્તે-હપ્તે વધારવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, "હું મહિનાઓથી આર્થિક વાવાઝોડું આવવાની ચેતવણી આપતો હતો, પરંતુ મોદીજી ત્યારે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા અને હવે ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ ₹8 નો વધારો કરી દીધો છે."
બે અઠવાડિયામાં ચોથી વખત ભાવવધારો
વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજારોમાં અસ્થિરતા અને પશ્ચિમ એશિયામાં તણાવને કારણભૂત ગણાવીને, છેલ્લા ૧૫ દિવસોમાં ચોથી વખત ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સોમવારે થયેલા નવા ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ₹૨.૬૧ ના વધારા સાથે ₹૧૦૨.૧૨ પ્રતિ લીટર અને ડીઝલ ₹૨.૭૧ વધીને ₹૯૫.૨૦ પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે માત્ર બે અઠવાડિયાથી પણ ઓછા સમયમાં જનતા પર ₹૭ થી વધુનો વધારાનો આર્થિક બોજ નાખી દેવામાં આવ્યો છે.
શું છે ભાવ વધારાનો હિસાબ?
• ૧૫ મે: ₹૩ પ્રતિ લીટરનો ભાવ વધારો.
• ૧૯ મે: ₹૦.૯૦ પ્રતિ લીટરનો ભાવ વધારો.
• ૨૩ મે: પેટ્રોલ ₹૦.૮૭ અને ડીઝલ ₹૦.૯૧ મોંઘુ થયું.
• ૨૫ મે: ફરી એકવાર મોટા ભાવ વધારાનો ઝટકો.
રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે સરકારની આ કાર્યશૈલીમાં એક પેટર્ન છે: ચૂંટણી સમયે મીઠાં વચનો આપવા અને ત્યારબાદ નાગરિકોની કમાણી પર સીધો પ્રહાર કરવો. એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ સરકારના આર્થિક નિર્ણયો વચ્ચે, સામાન્ય નાગરિકો માટે ઘરનું બજેટ જાળવવું વધુને વધુ કઠિન બની રહ્યું છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
