<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ગુવાહાટીના ચર્ચિત 'શિરચ્છેદ કૌભાંડ'માં નવો વળાંક! પત્નીની ઘાતકી હત્યા કરનાર પતિનું પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ મોત, એન્કાઉન્ટર કે અકસ્માત?

રેફ્રિજરેટરમાંથી મળ્યું હતું ૨૫ વર્ષીય રિયાનું કપાયેલું માથું; આત્મસમર્પણ કરનાર પતિ રામાનુજ ગોસ્વામીના ભાગવાના પ્રયાસ દરમિયાન મોતથી આસામ પોલીસ, કાયદો અને વાલીપણાની ભૂમિકા સામે ઊઠ્યા ગંભીર સવાલો

ગુવાહાટી, તા.૧૫: અસમની રાજધાની ગુવાહાટીના બેલ્ટોલા વિસ્તારમાં ૨૫ વર્ષીય રિયા તાલુકદાર ગોસ્વામીની અત્યંત નિષ્ઠુર અને ભયાનક રીતે કરાયેલી હત્યાએ આખા દેશને સ્તબ્ધ કરી દીધો હતો. રિયાના જ ઘરમાંથી પોલિથીન બેગમાં વીંટાળેલું તેનું કપાયેલું માથું રેફ્રિજરેટરમાંથી અને ધડ તથા કપાયેલી આંગળીઓ પલંગ પાસેથી મળી આવ્યા હતા. આ ચકચારી કેસના મુખ્ય આરોપી અને રિયાના ૨૮ વર્ષીય પતિ રામાનુજ ગોસ્વામીએ ૬ સપ્ટેમ્બરે ડિસપુર પોલીસ સ્ટેશનમાં સમર્પણ કર્યું હતું. જોકે, ૧૫ સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે પોલીસ કસ્ટડી દરમિયાન રામાનુજનું અત્યંત શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતાં આખી ઘટનાએ નવો અને વિવાદાસ્પદ વળાંક લીધો છે.

 

પોલીસના સત્તાવાર નિવેદન મુજબ, રામાનુજે છાતીમાં અસ્વસ્થતાની ફરિયાદ કરતા તેને મધ્યરાત્રિએ તબીબી તપાસ માટે લઈ જવાઈ રહ્યો હતો. નરકાસુર હિલ નજીક પોલીસ વાહનનું ટાયર પંચર થતાં અને બાદમાં કાર ચાલુ થતાં જ રામાનુજે કોન્સ્ટેબલને લાત મારીને ચાલતા વાહનમાંથી નીચે કૂદકો માર્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતાં ગુવાહાટી મેડિકલ કોલેજ ખાતે તબીબોએ તેને 'બ્રૉટ ડેડ' જાહેર કર્યો હતો. પરંતુ આ સરકારી દાવા સામે સોશિયલ મીડિયા, માનવ અધિકાર કાર્યકરો અને મૃતકના પરિવારે ભારે અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. અડધી રાત્રે દર્દીને લઈ જવાનું કારણ અને કસ્ટડીમાંથી ભાગવાની કહાણી સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. મૃતકના પિતા તરુણ કુમાર ગોસ્વામીએ પણ આક્ષેપ કર્યો છે કે સ્વેચ્છાએ આત્મસમર્પણ કરનાર પુત્ર ભાગવાનો પ્રયાસ ન જ કરે, જેનાથી પોલીસ એન્કાઉન્ટર કે કસ્ટોડિયલ ડેથ અંગે સસ્પેન્સ ઘેરાયું છે.

 

આ ઘટનાએ માત્ર પોલીસ પ્રશાસન અને ન્યાયિક પ્રક્રિયા પર જ નહીં, પરંતુ સામાજિક માનસિકતા અને વાલીપણા (Parenting) સામે પણ કડવો અરીસો ધર્યો છે. રામાનુજ ગંભીર ડ્રગ્સના વ્યસનથી પીડાતો હતો અને તેના માતા-પિતાએ તેના વર્તનને સુધારવાના ઉપાય તરીકે અનાથ રિયા સાથે તેના લગ્ન કરાવી આપ્યા હતા. નિષ્ણાતો અને ટીકાકારોના મતે, "લગ્ન કરવાથી બધું સુધરી જશે" તેવી ગેરમાન્યતા અને પોતાના વ્યસની પુત્રની જવાબદારી અન્ય યુવતી પર ઢોળી દેવાની વાલીઓની ભૂલ આ કરૂણતાનું મુખ્ય કારણ બની છે. હાલમાં મુખ્ય શંકાસ્પદના મૃત્યુ સાથે આ હાઈ-પ્રોફાઈલ હત્યા કેસના ઘણા ઊંડા રાજ અને "શુગર ડેડી" સાથે જોડાયેલા ઘટસ્ફોટો હંમેશા માટે દફન થઈ ગયા છે.

(4:54 PM IST)