તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
IIT બોમ્બે આત્મહત્યા કેસમાં નવો વળાંક: મૃતક સાહિલના આઈફોન ૧૭ એ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઊંઘ ઉડાડી, લોક ખોલવા સ્પેશિયલ ફોરેન્સિક એજન્સીની લેવાશે મદદ!
૪૭ મિનિટનું રહસ્ય, વિવાદ વચ્ચે પરીક્ષા હોલનો CCTV વીડિયો વાયરલ; જાતિગત ઉત્પીડનના ગંભીર આરોપો વચ્ચે પ્રોફેસર રજા પર

મુંબઈ, તા.૨૫: આઈઆઈટી (IIT) બોમ્બેના ૨૨ વર્ષીય તેજસ્વી વિદ્યાર્થી સાહિલ વાકોડેના શંકાસ્પદ આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ માટે મૃતકનો આઈફોન ૧૭ (iPhone 17) એક મોટો કોયડો બની ગયો છે. આઈફોનમાં સ્ટ્રોંગ પેટર્ન-લોક અને હાઈ-લેવલ એન્ક્રિપ્શન હોવાના કારણે પોલીસ તેના કોલ રેકોર્ડ્સ અને ચેટ્સ એક્સેસ કરી શકતી નથી. જૂના મોડેલ્સમાંથી ડેટા કાઢવાના સાધનો નિષ્ફળ જતાં હવે ક્રાઈમ બ્રાન્ચ આઈફોનનો ડેટા રિકવર કરવા માટે સ્પેશિયલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ્સ અને અન્ય હાઈ-ટેક એજન્સીઓની મદદ લેવાની તૈયારી કરી રહી છે.
પોલીસ હાલમાં ૧૮ સપ્ટેમ્બરના રોજ બનેલી તે ઘટનાની કડીઓ જોડી રહી છે, જેમાં સાહિલ બપોરે ૧૨:૩૮ વાગ્યે પરીક્ષા હોલ છોડીને ગયો હતો અને ૧:૨૫ વાગ્યે પોતાના હોસ્ટેલ રૂમમાં પહોંચ્યો હતો. આ વચગાળાની ૪૭ મિનિટ દરમિયાન સાહિલ સાથે શું બન્યું અને તેણે કોની સાથે વાત કરી તે અંગેનું રહસ્ય આ ફોનમાં છુપાયેલું હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત તેનો લેપટોપ, કેમ્પસના CCTV ફૂટેજ અને કોલ ડિટેલ્સની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
પરીક્ષા હોલનો વીડિયો લીક અને પરિવારના ગંભીર આરોપો
તપાસ વચ્ચે IIT બોમ્બેના પરીક્ષા હોલનો એક CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક વિદ્યાર્થી પેપર અધૂરું છોડીને બહાર જતો દેખાય છે. જોકે પોલીસે હજુ સુધી તે વિદ્યાર્થી સાહિલ જ હોવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. બીજી તરફ સાહિલના માતા-પિતાએ તેને જાતિ આધારિત ભેદભાવ અને ઉત્પીડનનો ભોગ બનાવાયો હોવાનો ગંભીર આરોપ લગાવીને ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. સંસ્થાનના દાવો છે કે સાહિલ મિડ-સેમેસ્ટર પરીક્ષા દરમિયાન ચેટજીપીટી (ChatGPT) નો ઉપયોગ કરતા પકડાયો હતો, જેના થોડા કલાકો બાદ તેણે પગલું ભર્યું હતું.
૨૦ લોકોના નિવેદનો નોંધાયા, પ્રોફેસર રજા પર
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને હોસ્ટેલ સ્ટાફ સહિત ૨૦ થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે. જાતિગત ભેદભાવ અને આત્મહત્યા માટે ઉશ્કેરણીના આરોપમાં એફઆઈઆર (FIR) માં નામઝોગ આરોપી એવા IIT બોમ્બેના પ્રોફેસર સૂર્યનારાયણ દુલાને નિષ્પક્ષ તપાસ ખાતર રજા પર મોકલી દેવામાં આવ્યા છે. કેમ્પસમાં વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓને પગલે હાલમાં મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
