News of Sunday, 26th April 2026
ઈરાન-અમેરિકા જંગમાં નવો વળાંક: ગલ્ફમાં અમેરિકી સૈન્ય મથકોનો કચ્ચરઘાણ નીકળતા સુપરપાવરને અબજો ડોલરના નુકસાનનો અંદાજ
મધ્ય પૂર્વના યુદ્ધમાં ઈરાનની મિસાઈલ શક્તિએ અમેરિકી એર ડિફેન્સને રગદોળ્યું: પાકિસ્તાનમાં યોજાનારી શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતાં ગલ્ફ દેશોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ અને તેહરાનથી વિમાન સેવાઓ શરૂ થતા સંકટ વધુ ઘેરાયું

તેહરાન:૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલું મધ્ય પૂર્વનું મહાયુદ્ધ હવે અમેરિકા માટે અત્યંત ખર્ચાળ અને નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, ઈરાને વળતો પ્રહાર કરતા ગલ્ફ પ્રદેશમાં આવેલા અમેરિકન લશ્કરી મથકો પર ભારે તબાહી મચાવી છે. એનબીસીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી અધિકારીઓએ અગાઉ જે નુકસાનનો અંદાજ લગાવ્યો હતો, વાસ્તવિક સ્થિતિ તેનાથી પણ વધુ ભયાનક છે. ઈરાની મિસાઈલો અને F-5 ફાઈટર જેટ્સે અમેરિકાના અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમને ભેદીને અનેક સૈન્ય સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી દીધું છે. આ નુકસાનની ભરપાઈ કરવા અને મથકોના સમારકામ માટે હવે વોશિંગ્ટનને અબજો ડોલરની જરૂર પડશે, જે અમેરિકી અર્થતંત્ર માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
યુદ્ધના મેદાન બાદ હવે રાજદ્વારી મોરચે પણ મડાગાંઠ સર્જાઈ છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં શાંતિ સ્થાપવા માટે યોજાનારી બીજા રાઉન્ડની વાટાઘાટો ઈરાનના ઈનકાર બાદ પડી ભાંગી છે. ઈરાની પ્રતિનિધિમંડળે અમેરિકા સાથે સીધી વાતચીત કરવાની મનાઈ કરી દીધી છે અને પાકિસ્તાન છોડીને પરત રવાના થઈ ગયું છે. બીજી તરફ, અમેરિકા પણ નમતું જોખવા તૈયાર નથી અને ઈરાન પાસે તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરવાની માંગ પર અડગ છે. અમેરિકી પ્રતિનિધિઓએ પાકિસ્તાનને પોતાની શરતોની યાદી સોંપી છે, જેમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં સુધી ઈરાન પરમાણુ હથિયારો બનાવવાની પ્રક્રિયા અટકાવશે નહીં ત્યાં સુધી સૈન્ય કાર્યવાહીમાં કોઈ ઢીલ આપવામાં આવશે નહીં.
આ ભયાનક તણાવ વચ્ચે ઈરાન તરફથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. તેહરાનથી કોમર્શિયલ ફ્લાઈટ્સ એટલે કે વ્યાપારી વિમાનોની અવરજવર ફરી શરૂ કરવામાં આવી છે. એક તરફ યુદ્ધની જ્વાળાઓ પ્રજ્વલિત છે, ત્યારે બીજી તરફ વિમાન સેવાઓ શરૂ થવાથી વિશ્વના દેશો અસમંજસમાં છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે ઈરાન પોતાની મિસાઈલ શક્તિના આધારે આત્મવિશ્વાસમાં છે અને તે અમેરિકાને સાબિત કરવા માંગે છે કે તે લાંબા સમય સુધી આ સંઘર્ષ ખેંચવાની ક્ષમતા ધરાવે છે. યુએસ સૈન્ય મથકો પર થયેલા સફળ હુમલાઓએ મધ્ય પૂર્વમાં સત્તાના સમીકરણો બદલી નાખ્યા છે, જેના કારણે ઈઝરાયલ અને અન્ય ગલ્ફ દેશોમાં પણ ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
