<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નવો વળાંક :લોહગઢ કિલ્લામાં હૂડી પહેરેલો વ્યક્તિ કોણ ? પોલીસ હવે ગેટ એનાલિસિસ કરશે

લોહગઢ કિલ્લાના પ્રવેશદ્વાર પાસે દેખાયેલ શખ્સ ખરેખર ચેતન ચૌધરી જ છે કે કેમ. આ માટે આરોપીના ચાલવાની રીતનું વિડિયો ફૂટેજમાં દેખાતા વ્યક્તિ સાથે મેચિંગ કરવામાં આવશે.

પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડમાં તપાસ તેજ બની છે. ત્યારે હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જેમાં પોલીસ આરોપી ચેતન ચૌધરીની ચાલવાની રીતનું ફોરેન્સિક એનાલિસિસ કરાવવાની તૈયારી કરી રહી છે. ચેતન ચૌધરીના વકીલે દાવો કર્યો છે કે લોહગઢ કિલ્લામાં હૂડી પહેરેલો વ્યક્તિ અને ચેતન ચૌધરી એક જ વ્યક્તિ નથી. બચાવ પક્ષની આ દલીલને ખોટી સાબિત કરવા માટે, પોલીસ હવે ગેટ એનાલિસિસ કરવાની યોજના બનાવી રહી છે.

કેતન અગ્રવાલ હત્યાકાંડમાં આરોપી ચેતન ચૌધરીના વકીલે એક ચોંકાવનારો દાવો કર્યો છે. વકીલના જણાવ્યા અનુસાર, લોહગઢ કિલ્લા પર હુડી પહેરેલો જે વ્યક્તિ સીસીટીવી કે અન્ય ફૂટેજમાં દેખાઈ રહ્યો છે, તે ચેતન ચૌધરી પોતે નથી. બચાવ પક્ષની આ દલીલને ખોટી સાબિત કરવા અને સત્ય સુધી પહોંચવા માટે પોલીસ હવે 'ગેટ એનાલિસિસ' નો સહારો લેશે.

ગેટ એનાલિસિસ એ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જેમાં કોઈ વ્યક્તિની ચાલવાની ઢબનું ફોરેન્સિક એનાલિસિસ કરવામાં આવે છે. પોલીસ તપાસ એજન્સીઓ આ તકનીકનો ઉપયોગ કરીને તે તપાસશે કે ઘટનાના દિવસે લોહગઢ કિલ્લાના પ્રવેશદ્વાર પાસે દેખાયેલ શખ્સ ખરેખર ચેતન ચૌધરી જ છે કે કેમ. આ માટે આરોપીના ચાલવાની રીતનું વિડિયો ફૂટેજમાં દેખાતા વ્યક્તિ સાથે મેચિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, પોલીસ ફરીથી કિલ્લા પર ક્રાઈમ સીન રિક્રિએશન કરશે અને ઘટના સમયે પહેરેલા કપડાંની શોધખોળ કરશે.

 

બીજી તરફ, સિયા ગોયલ અને તેના ભાઈ સાહિલ ગોયલ વચ્ચેનો વિવાદ પણ વધ્યો છે. સિયા ગોયલે આશુતોષ શ્રીવાસ્તવને પોતાના વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. આ વકીલે સાહિલ ગોયલને 10 કરોડ રૂપિયાનો માનહાનિનો નોટિસ મોકલ્યો છે. નોટિસમાં આરોપ છે કે સાહિલે કોઈ પણ સત્તાવાર દસ્તાવેજની પુષ્ટિ કર્યા વિના સાર્વજનિક રીતે એવું જાહેર કર્યું હતું કે તેમણે પરિવાર દ્વારા અધિકૃત કર્યા નથી. આ નિવેદનોથી સિયાને માનસિક ત્રાસ, ટ્રોલિંગ અને પ્રતિષ્ઠાને નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો સાહિલ ગોયલ જાહેર માફી નહીં માંગે, તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

આ કેસની ભયાનકતાને કારણે લોહગઢ કિલ્લા પર એક વિચિત્ર પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે સ્થળેથી કેતનને નીચે ધકેલી દેવામાં આવ્યો હતો, તે જગ્યાને લોકોએ સોશિયલ મીડિયા પર અનૌપચારિક રીતે 'સિયા પોઈન્ટ' નામ આપી દીધું છે. સ્થાનિક સૂત્રો મુજબ, આ 'ડાર્ક ટુરિઝમ'ને લીધે કિલ્લા પર સહેલાણીઓની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે, જે સ્થાનિક વહીવટીતંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.

(12:53 AM IST)