News of Monday, 28th September 2026
મહારાષ્ટ્ર રાજકારણમાં નવો વળાંક: અજિત પવાર જૂથ સાથે વિલિનીકરણની અફવાઓ વચ્ચે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'અમારી પાર્ટીમાં કોઈનું પણ સ્વાગત છે'
NCP ના બંને જૂથો ફરી એક થવાની અટકળોએ જોર પકડ્યું: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં શરદ પવારના નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો, અજિત પવાર જૂથ માટે દરવાજા ખુલ્લા હોવાનો ઈશારો.

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના વાતાવરણ વચ્ચે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ના બંને જૂથો એક થવાની અને વિલીનીકરણ (Merger) ની ચર્ચાઓએ ફરી એકવાર રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાડી છે. એનસીપી (શરદચંદ્ર પવાર) ના સર્વોચ્ચ નેતા શરદ પવારે આ અંગે એક મહત્વપૂર્ણ અને સંકેતાત્મક પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જો કોઈ પણ પક્ષ કે નેતા તેમની પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ રાખીને જોડાવા માંગતા હોય, તો તેઓ તેમની પાર્ટીમાં ચોક્કસ આવી શકે છે. શરદ પવારના આ નિવેદન બાદ એનસીપીના ભવિષ્ય અને બંને જૂથોના ફરીથી જોડાવાની શક્યતાઓને લઈને રાજકારણ ગરમાયું છે.
છેલ્લા કેટલાક સમયથી અજિત પવાર અને શરદ પવારના જૂથો વચ્ચે પડદા પાછળ ચાલી રહેલી વાટાઘાટો અને સંભવિત વિલીનીકરણના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. જાકે, શરદ પવારે સીધી રીતે વિલીનીકરણ શબ્દનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પક્ષનો વિસ્તાર કરવા અને નવા કે જૂના સાથીઓને આવકારવા માટે તેમના દ્વાર ખુલ્લા છે. જુલાઈ ૨૦૨૩માં અજિત પવારે કરેલા બળવા બાદ પક્ષમાં જે મોટું વિભાજન પડ્યું હતું, તે પછી પ્રથમવાર આ પ્રકારનો નરમ વલણ જોવા મળી રહ્યો છે.
રાજકીય વિશ્લેષકોના મતે, મહારાષ્ટ્રની આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં બંને પક્ષો માટે પોતાની સ્થિતિ મજબૂત કરવી જરૂરી છે. જોકે, અજિત પવાર કે શરદ પવારના જૂથ તરફથી વિલીનીકરણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરનામું કે ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ શરદ પવારના આ નિવેદને સાબિત કરી દીધું છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈ પણ અશક્ય નથી અને આગામી દિવસોમાં એનસીપીના બંને જૂથો વચ્ચે કોઈ મોટો રાજકીય ઉલટફેર જોવા મળી શકે છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
