News of Saturday, 27th June 2026
પુણે લોહગઢ કિલ્લા મર્ડર કેસમાં નવો વળાંક : મુખ્ય આરોપી ચેતન ચૌધરીના પરિવારે પોલીસ તપાસ સામે ઉઠાવ્યા સવાલો : પુત્રને ખોટી રીતે ફસાવી બલિનો બકરો બનાવ્યાનો પિતા બાબુલાલનો દાવો
રિયલ એસ્ટેટ કંપનીના યુવાન ડિરેક્ટર કેતન અગ્રવાલની હત્યાના કેસમાં મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતનની ધરપકડ બાદ પરિવાર મેદાને : કિલ્લા પરથી ધક્કો મારી ૩૫૦ ફૂટ ઊંડી ખીણમાં ફેંકી દેવાના ગંભીર આરોપો વચ્ચે ચેતનના પિતાએ સિયા સાથેના કોઈ પણ સંબંધોને નકારી કાયદાકીય લડતની આપી ચીમકી

પુણે: મહારાષ્ટ્રના લોનાવલા નજીક આવેલા ઐતિહાસિક લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ દરમિયાન ૨૫ વર્ષીય રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર કેતન અગ્રવાલના શંકાસ્પદ મોતના કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. શરૂઆતમાં અકસ્માત દેખાતી આ ઘટનામાં પુણે ગ્રામ્ય પોલીસે જ્યારે કેતનની ૨૦ વર્ષીય મંગેતર સિયા ગોયલ અને તેના ૨૨ વર્ષીય કથિત પ્રેમી ચેતન ચૌધરીની ધરપકડ કરી ત્યારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસનો દાવો છે કે સિયા કેતન સાથે લગ્ન કરવા નહોતી માંગતી, તેથી તેણે આ વ્યવસ્થિત કાવતરું ઘડીને કેતનને કિલ્લાની ઊંડી ખીણમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં હવે આરોપી ચેતન ચૌધરીનો પરિવાર પુત્રના બચાવમાં આગળ આવ્યો છે અને પોલીસની થિયરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આરોપી ચેતન ચૌધરીના પિતા બાબુલાલ ચૌધરીએ જાહેર પ્લેટફોર્મ પર આવીને પોલીસ તપાસની વિશ્વસનીયતા સામે આકરા પ્રહારો કર્યા છે. બાબુલાલ ચૌધરીનું સ્પષ્ટ કહેવું છે કે તેમના પુત્ર ચેતનને આ સમગ્ર પ્રકરણમાં ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે અને તેને માત્ર બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે તેમનો પરિવાર કે તેમનો પુત્ર સિયા ગોયલ નામની યુવતીને ઓળખતા પણ નહોતા. પોલીસે જે સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઈલ્સના આધારે ધરપકડ કરી છે તે તમામ પુરાવાઓ ઉપજાવી કાઢેલા હોવાનો આક્ષેપ પણ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. પિતાના મતે, તેમનો પુત્ર નિર્દોષ છે અને તેને કોઈ મોટા કાવતરાનો હિસ્સો બનાવી દેવાયો છે.
બીજી તરફ, પુણે ગ્રામ્ય પોલીસના સુપરિન્ટેન્ડન્ટ સંદીપસિંહ ગિલના જણાવ્યા અનુસાર, કેતન અગ્રવાલ અને સિયા ગોયલની સગાઈ ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી અને ટૂંક સમયમાં જ તેમના લગ્ન થવાના હતા. ૧૯ જૂનના રોજ સિયાનો જન્મદિવસ હતો, જે બંને પરિવારો સાથે મળીને ઉજવવાના હતા. પરંતુ સિયા આ લગ્નથી ખુશ નહોતી અને તે કેતનથી કાયમ માટે છુટકારો મેળવવા માંગતી હતી. આથી, જન્મદિવસના બરાબર એક દિવસ પહેલા એટલે કે ૧૮ જૂનના રોજ સિયાએ કેતનને બળજબરીપૂર્વક લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ માટે રાજી કર્યો હતો. સિયા સવારે સાડા આઠ વાગ્યે કેતન સાથે કિલ્લાની તળેટીમાં પહોંચી ત્યારે તેનો સાથીદાર ચેતન ચૌધરી ત્યાં પહેલેથી જ હાજર હતો અને તેણે હૂડી પહેરીને મોઢું છુપાવેલું રાખ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કિલ્લાની ટોચ પર પહોંચ્યા બાદ સિયા અને ચેતને ભેગા મળીને કેતનને ૩૫૦ ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો. કેતનને નીચે ફેંકી દીધા બાદ સિયાએ પોતે જ સ્થાનિક લોકો અને પરિવારને ફોન કરીને એવી ખોટી વાર્તા ઘડી હતી કે ફોટોગ્રાફ માટે પોઝ આપતી વખતે કેતનનો પગ લપસી ગયો હતો. એટલું જ નહીં, હત્યાના બીજા જ દિવસે પોતાના જન્મદિવસે સિયાએ સોશિયલ મીડિયા પર કેતન સાથેનો એક ઈમોશનલ વીડિયો શેર કરીને સગા-સંબંધીઓની સહાનુભૂતિ મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, કેતનના પરિવારે તે કુશળ ટ્રેકર હોવાનું કહી અકસ્માતની વાત સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું, જેમાં સિયા અને ચેતનની હાજરી લોહગઢ કિલ્લા પર હોવાનું સાબિત થયું હતું.
હાલમાં આ કેસ વધુ રોમાંચક મોડ પર પહોંચી ગયો છે કારણ કે જેલમાં ગયા બાદ સિયા ગોયલ અને ચેતન ચૌધરી એકબીજા પર કાવતરું ઘડવાનો આરોપ લગાવી રહ્યા છે. પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન બંને ઠંડા કલેજે ગુનો કબૂલ્યા બાદ હવે કોર્ટની કાર્યવાહી દરમિયાન પોતાના બચાવ માટે એકબીજાને દોષી ઠેરવી રહ્યા છે. પોલીસ વડા સંદીપસિંહ ગિલના નેતૃત્વમાં ટીમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩ (હત્યા) અને કલમ ૬૧ (ગુનાહિત કાવતરું) હેઠળ મજબૂત ચાર્જશીટ તૈયાર કરી રહી છે, જ્યારે બીજી તરફ ચેતનનો પરિવાર કાનૂની લડત લડીને પુત્રને નિર્દોષ સાબિત કરવાના દાવા કરી રહ્યો છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
