<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

પુણેના ચકચારી કેતન અગ્રવાલ મર્ડર કેસમાં નવો વળાંક: "આશુતોષ શ્રીવાસ્તવ અમારા વકીલ છે જ નહીં, છેતરપિંડીથી સિગ્નેચર લીધી!" - સિયા ગોયલના ભાઈનો સનસનીખેજ આરોપ

બાલી ટ્રીપ કેન્સલ કરાવવા સિયાએ જ કેતનનો પાસપોર્ટ છુપાવ્યો હોવાનો પોલીસનો દાવો: લગ્નના બહાને ૧ કરોડ રૂપિયા પડાવી પ્રેમી ચેતનની કંપનીમાં ઇન્વેસ્ટ કરવાનું હતું કાવતરું, મર્ડર બાદ ૩ વર્ષ અલગ રહેવાનો હતો પ્લાન

પુણે : મહારાષ્ટ્રના પુણેમાં ચકચાર જગાવનારા કેતન અગ્રવાલ હત્યાકાંડમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ મર્ડર કેસમાં સોમવારે ત્યારે એક નવો નાટકીય વળાંક આવ્યો જ્યારે મુખ્ય આરોપી સિયા ગોયલના ભાઈ સાહિલ ગોયલે મીડિયા સામે આવીને મોટો બોમ્બ ફોડ્યો હતો. સાહિલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ કેસમાં સિયાનો પક્ષ રજૂ કરી રહેલા એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવ તેમના પરિવારના વકીલ છે જ નહીં અને પરિવારે ક્યારેય તેમની નિમણૂક કરી નથી!

વકીલ સામે છેતરપિંડી અને ધમકી આપવાનો ગંભીર આક્ષેપ

પત્રકારો સાથે વાતચીત કરતા સાહિલ ગોયલે આરોપ લગાવ્યો હતો કે, એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવે "છેતરપિંડી અને ખોટી રીતે" સિયાની સહીઓ મેળવી લીધી હોવાની આશંકા છે. સાહિલે વધુમાં ખુલાસો કર્યો કે આ મામલે ગોયલ પરિવારે કોર્ટમાં સત્તાવાર સોગંદનામું (Affidavit) પણ દાખલ કરી દીધું છે, જેમાં વકીલ શ્રીવાસ્તવ પર પરિવારને ધમકીઓ આપવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વકીલ શ્રીવાસ્તવ સિયાના ડિફેન્સ કાઉન્સિલ હોવાનો દાવો કરીને મીડિયામાં નિવેદનો આપી રહ્યા હતા કે, લોહગઢ કિલ્લા પર કેતનના મોત પાછળ સિયા સામે પોલીસ પાસે કોઈ પ્રત્યક્ષદર્શી કે સીધા પુરાવા નથી.

હનીમૂન પાસપોર્ટનું રહસ્ય: હત્યાના કાવતરાનો મુખ્ય હિસ્સો

આ કેસની તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા અનુસાર, કેતન અગ્રવાલનો ગુમ થયેલો પાસપોર્ટ આ આખી હત્યાના કાવતરાનું મુખ્ય કેન્દ્રબિંદુ હતો. સાહિલે સ્વીકાર્યું હતું કે પરિવાર અને દંપતીની બાલી (Bali) જવાની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી, પરંતુ કેતનનો પાસપોર્ટ અચાનક ગુમ થઈ જતાં ટ્રીપ કેન્સલ કરવી પડી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ૬ જૂને લગ્ન પહેલાના (Pre-wedding) ફોટોશૂટ માટે બાલી જવાનું હતું તે પહેલાં જ સિયાએ કથિત રીતે કેતનનો પાસપોર્ટ છુપાવી દીધો હતો જેથી યાત્રા રદ થાય. આ કોઈ અકસ્માત નહોતો, પરંતુ ૧૮ જૂને લોહાગઢ કિલ્લા પર કેતનને મોતના ઘાટ ઉતારવાના એક મોટા અને ક્રૂર કાવતરાનો પહેલો ભાગ હતો.

લગ્નના નામે ૧ કરોડની છેતરપિંડી અને ૩ વર્ષનો માસ્ટર પ્લાન

પોલીસ તપાસમાં આર્થિક ઉથલપાથલના પણ મોટા પુરાવા મળ્યા છે. સિયા ગોયલે કેતનની હત્યા કરતા પહેલાં લગ્નના ખર્ચના બહાના હેઠળ તેની પાસેથી કુલ ૧ કરોડ રૂપિયા પડાવ્યા હતા. તપાસકર્તાઓના મતે, આ મોટી રકમ ક્યારેય લગ્નના કામમાં વપરાઈ જ નહોતી, પરંતુ સિયાએ આ પૈસા પોતાના પ્રેમી ચેતન ચૌધરી તરફ ડાયવર્ટ કરી દીધા હતા. ચેતન આ નાણાંનો ઉપયોગ પોતાની કારકિર્દી અને બિઝનેસના રોકાણ માટે કરવાનો હતો.

ચોંકાવનારી વાત એ છે કે, કેતનની હત્યા કરી નાખ્યા બાદ સિયા અને તેના પ્રેમી ચેતને આગામી ત્રણ વર્ષ સુધી એકબીજાથી સંપૂર્ણ અલગ રહેવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓનો હેતુ એવો હતો કે ત્રણ વર્ષના લાંબા સમયગાળામાં કેસ ઠંડો પડી જશે અને લોકોનું ધ્યાન હટી જશે, જ્યારે બીજી તરફ ચેતન આ ચોરીના પૈસાથી આર્થિક રીતે મજબૂત અને સેટલ થઈ જશે. હાલ પુણે પોલીસ આ સમગ્ર કેસના તમામ પાસાઓ પર વધુ ઊંડી તપાસ ચલાવી રહી છે.

(7:23 PM IST)