<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

વોહરા-મહેતા જમીન વિવાદમાં નવો વળાંક: ભિવંડી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની અનિયમિતતા મામલે મંત્રી બાવનકુળેએ તપાસ સમિતિ રચવાનો આપ્યો આદેશ

સંયુક્ત જિલ્લા રજિસ્ટ્રાર વરુણકુમાર સહારેના નેતૃત્વમાં 4 સભ્યોની ઇન્ક્વાયરી સ્ક્વોડ; એક અઠવાડિયામાં અમલ અને ત્યારબાદ 15 દિવસમાં અહેવાલ સોંપવા નિર્દેશ, નવઘર જમીન વિવાદમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરી અને નોંધણી પ્રક્રિયા પર ઉઠ્યા સવાલો

ભિવંડી : મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ ભિવંડી-3ની સંયુક્ત સબ-રજિસ્ટ્રાર કચેરીમાં જમીન સંબંધિત દસ્તાવેજોની નોંધણીમાં થયેલી કથિત અનિયમિતતાઓની તપાસ માટે ખાસ તપાસ સમિતિ (ઇન્ક્વાયરી સ્ક્વોડ)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાળાકાળના મિત્ર અસગર અલી વોહરા દ્વારા કરાયેલી ફરિયાદોના આધારે શરૂ કરવામાં આવી છે, જેઓ મીરા-ભાયંદરના ભાજપ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથેના જમીન વિવાદને લઈને ચર્ચામાં રહ્યા છે.

 

સંયુક્ત જિલ્લા રજિસ્ટ્રાર વરુણકુમાર સહારેના નેતૃત્વ હેઠળની 4 સભ્યોની આ સમિતિમાં સંયુક્ત સબ-રજિસ્ટ્રાર સંજય સુકનવાડ, સબ-રજિસ્ટ્રાર સુશીલ લોકરે અને વરિષ્ઠ કારકુન સુનીલ પરિતનો સમાવેશ થાય છે. સમિતિને આદેશના અમલીકરણ માટે એક સપ્તાહનો સમય અપાયો છે અને ત્યારબાદ 15 દિવસમાં 'ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન'ને અહેવાલ સુપરત કરવાનો રહેશે. 81 વર્ષીય વોહરાએ 8 સપ્ટેમ્બરે મુંબઈમાં વડાપ્રધાન મોદીને મળીને મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન હદના નવઘર વિસ્તારમાં આવેલા પોતાના 2,810 ચોરસ મીટર પ્લોટ પર કબજાના પ્રયાસો સામે તપાસની માંગ કરી હતી, જે બાદ વિવાદ ચગતા મહેતાએ દાવો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.

 

ફરિયાદ મુજબ, 2019માં મહેતાની 'સેવન ઈલેવન' કંપનીએ મર્વિન ફર્નાન્ડિસ, પરિવારજનો, પાવર ઓફ એટર્ની ધારક સંદીપ પરડકર અને મુકેશ પારેખ પાસેથી મિલકત ખરીદી હતી, જ્યારે 7 ઓક્ટોબરે (2026) તે જમીન મુકેશ પારેખને વેચતો દસ્તાવેજ મીરા-ભાયંદરને બદલે ભિવંડી-3 કચેરીમાં નોંધાયો હોવા અંગે આશ્ચર્ય વ્યક્ત કરાયું છે. 2015ના વિકાસ કરાર પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવ્યા વિના અને અન્યત્ર નોંધણી કરાવીને મોટા પાયે સ્ટેમ્પ ડ્યુટીની ચોરી તેમજ અનિયમિતતા થઈ હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.

 

મંત્રીએ તપાસ ટુકડીને દસ્તાવેજો પૂરા પાડવા માટે નોડલ અધિકારી નીમવાનો અને નિષ્પક્ષ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ વિવાદની કડીઓ 1989માં વોહરા દ્વારા નવઘરમાં પ્લોટ ખરીદી, 2013-14માં પાવર ઓફ એટર્ની અને વારસાઈ હુકમ, 2015ના નોટરાઈઝ્ડ કરાર, 2019ના વેચાણ કરાર, ડિસેમ્બર 2025માં ગેરકાયદે પ્રવેશની FIR, 8 સપ્ટેમ્બર 2026ની PM સાથે મુલાકાત અને 7 ઓક્ટોબર 2026ના દસ્તાવેજ નોંધણી સુધી જોડાયેલી છે, જ્યારે આ મામલે નરેન્દ્ર મહેતા તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

(8:56 PM IST)