<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રણ માટે આજથી નવો વિન્ટર એક્શન પ્લાન લાગુ: ૫ મોટા પ્રતિબંધો સાથે કડક નિયમો અમલી

જીઆરએપી હેઠળ બીએસ-૬ સિવાયના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, પીયુસી વિના ઇંધણ નહીં અને ૫૦% વર્ક ફ્રોમ હોમ ફરજિયાત

નવી દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં શિયાળા દરમિયાન સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવા માટે આજથી કડક 'વિન્ટર એક્શન પ્લાન' અને જીઆરએપી (GRAP) ના નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. દિલ્હી સરકારે પ્રદૂષણ સામે પાંચ મોટા હુમલાઓ રૂપે મહત્વના નિર્ણયો લીધા છે, જેમાં દિલ્હીની બહારથી આવતા અને બીએસ-૬ (BS-VI) ધોરણોને પૂર્ણ ન કરતા વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને નિયમ તોડનારને ૨૦,૦૦ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

આ નવા નિયમો અંતર્ગત દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદના દૈનિક મુસાફરો પર સીધી અસર પડશે, જોકે ઇલેક્ટ્રિક, સીએનજી વાહનો અને ઇમરજન્સી વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, સરકારી અને ખાનગી કચેરીઓમાં ૫૦% કર્મચારીઓ માટે ઘરેથી કામ (WFH) ફરજિયાત કરવામાં આવ્યું છે, ટ્રાફિક ભીડ ઘટાડવા માટે ઓફિસના સમયમાં ફેરફાર કરાયા છે તથા સાર્વજનિક પાર્કિંગ ફી પણ બમણી કરવામાં આવી છે. બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર આગામી ત્રણ મહિના માટે સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.

સૌથી મોટો અને કડક નિયમ પેટ્રોલ પંપો પર લાગુ કરવામાં આવ્યો છે, જ્યાં "પીયુસી નહીં, ઇંધણ નહીં" (PUC No Fuel) ની નીતિ હેઠળ આશરે ૫૦૦ પેટ્રોલ પંપ પર ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા લગાવવામાં આવ્યા છે. માન્ય પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) પ્રમાણપત્ર વગર આવતા વાહનોને પેટ્રોલ, ડીઝલ કે સીએનજી જેવા ઇંધણનો જથ્થો આપવામાં આવશે નહીં. આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે ખાસ અમલીકરણ ટીમો અને એઆઈ-સક્ષમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સક્રિય કરવામાં આવ્યા છે.

આગામી ૩૧ જાન્યુઆરી સુધી ચાલનારા આ કડક વિન્ટર એક્શન પ્લાનથી દિલ્હીની હવામાનની ગુણવત્તામાં સુધારો લાવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. પ્રશાસન અને ટ્રાફિક વિભાગ દ્વારા તમામ નાગરિકો અને વાહનચાલકોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી દૂષિત હવાના જોખમથી નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકે.

(1:32 PM IST)