<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ન્યુઝીલેન્ડના દરવાજા ભારતીયો માટે ખૂલ્યા: FTA કરાર હેઠળ 5,000 પ્રોફેશનલ્સને મળશે વિઝા, વિદ્યાર્થીઓ માટે પણ 'ગોલ્ડન ચાન્સ'!

IT, હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટરમાં નોકરીની સુવર્ણ તક: 20 બિલિયન ડોલરના રોકાણ અને ડ્યુટી-ફ્રી નિકાસથી વેપારમાં આવશે તેજી

નવી દિલ્હી, તા. 28: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. 27 એપ્રિલ, 2026ના રોજ બંને દેશો વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર (Free Trade Agreement - FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર માત્ર વેપાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભારતીય યુવાનો અને પ્રોફેશનલ્સ માટે વિદેશમાં કારકિર્દી બનાવવાની નવી કેડ કંડારશે. આ કરાર હેઠળ ખાસ કરીને 5,000 ભારતીય વ્યાવસાયિકો માટે સમર્પિત વિઝા પાથવે તૈયાર કરવામાં આવ્યો છે.
પ્રોફેશનલ્સ અને યુવાનો માટે શું છે ખાસ?
નવા નિયમો મુજબ, ભારતમાંથી IT નિષ્ણાતો, એન્જિનિયરો, ડોક્ટરો અને શિક્ષકો હવે સરળતાથી ન્યુઝીલેન્ડમાં ત્રણ વર્ષ સુધી કામ કરી શકશે. આટલું જ નહીં, યોગા ઇન્સ્ટ્રક્ટર્સ, શેફ અને મ્યુઝિક ટીચર્સ જેવા વિશિષ્ટ વ્યવસાયો માટે પણ ખાસ ક્વોટા ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત, દર વર્ષે 1,000 'વર્ક એન્ડ હોલીડે' વિઝા પણ આપવામાં આવશે, જેનાથી ભારતીય યુવાનોને ન્યુઝીલેન્ડમાં ફરવા સાથે ટૂંકા ગાળાની નોકરી કરવાનો લ્હાવો મળશે.
વિદ્યાર્થીઓ માટે 'સ્ટડી પછી કમાણી'ની તક
ન્યુઝીલેન્ડમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ કરાર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) ક્ષેત્રના ગ્રેજ્યુએટ અને માસ્ટર્સના વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 3 વર્ષ સુધીના વર્ક રાઈટ્સ મળશે. જ્યારે પીએચડી (PhD) કરનારા સ્કોલર્સ માટે આ મર્યાદા 4 વર્ષ સુધીની રાખવામાં આવી છે. આનાથી ભારતીય વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ મેળવવામાં મોટી મદદ મળશે.
ખેતી અને વેપારમાં નવી ક્રાંતિ
વેપારના મોરચે જોઈએ તો, ભારતની 100% નિકાસ હવે ન્યુઝીલેન્ડમાં ડ્યુટી-ફ્રી એટલે કે કોઈપણ ટેક્સ વગર પહોંચશે. આગામી 15 વર્ષમાં ન્યુઝીલેન્ડ ભારતમાં 20 બિલિયન ડોલરનું રોકાણ કરવા માટે પણ કટિબદ્ધ છે. ખેતી ક્ષેત્રે સફરજન, કીવી અને મધના ઉત્પાદન માટે 'સેન્ટર્સ ઓફ એક્સેલન્સ' સ્થાપવામાં આવશે, જે ભારતીય ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ કરારને ભારતીય ઉદ્યોગસાહસિકો અને યુવાનો માટે ગ્લોબલ સ્ટેજ પર ચમકવાની મોટી તક ગણાવી છે.

(5:59 PM IST)