<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ઈરાનના ટોચના નેતા મોજતબા ખામેનીના રહસ્યમય મૃત્યુના સમાચારથી મધ્ય પૂર્વમાં ખળભળાટ: શહીદોના પોસ્ટરમાં તસવીર દેખાતા સસ્પેન્સ ઘેરાયું

અમેરિકી હુમલામાં ગંભીર ઈજાઓ થયાના અહેવાલો વચ્ચે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના કાર્યક્રમમાં ખામેનીની છબી પ્રદર્શિત કરાતા વિશ્વભરમાં અટકળો તેજ: હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ અને યુએસને સખત જવાબ આપવાની ધમકી વચ્ચે ઈરાનનું લશ્કરી મુખ્યાલય હાઈ-એલર્ટ પર

તેહરાન : ઈરાનના સંભવિત ભાવિ સર્વોચ્ચ નેતા ગણાતા મોજતબા ખામેનીના સ્વાસ્થ્ય અને સ્થિતિ અંગે હાલ સમગ્ર વિશ્વમાં ભારે રહસ્ય સર્જાયું છે. તાજેતરમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં શહીદોની યાદીમાં મોજતબા ખામેનીની તસવીરવાળા પોસ્ટરો જોવા મળતા તર્ક-વિતર્ક શરૂ થયા છે. કેટલાક આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ, અમેરિકા દ્વારા કરવામાં આવેલા તાજેતરના હવાઈ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમના મૃત્યુના સમાચારને ઈરાન સરકાર છુપાવી રહી હોવાની આશંકા છે. જોકે, સત્તાવાર રીતે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ તેમની લાંબા સમયની ગેરહાજરી ઘણું બધું કહી જાય છે.

રક્ષણ નિષ્ણાતોના મતે, ઈરાન જે રીતે ધીમે ધીમે આ પોસ્ટરો પ્રદર્શિત કરી રહ્યું છે તે સત્ય સ્વીકારવાની પ્રારંભિક પ્રક્રિયા હોઈ શકે છે. બીજી તરફ, IRGC એ શનિવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારના જોખમનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ છે અને તેમની રક્ષણાત્મક યોજનાઓને અપડેટ કરવામાં આવી છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા ઈરાને મક્કમતા દર્શાવી છે. યુએસ બેઝ પર થયેલા નુકસાન અને પ્રાદેશિક તણાવને જોતા ઈરાની સેનાએ તેની ગુપ્તચર પ્રણાલીઓને વધુ સતર્ક કરી દીધી છે.

ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે અમેરિકાને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો દરિયાઈ નાકાબંધી દ્વારા દબાણ લાવવાનો પ્રયાસ થશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ઈરાની લશ્કરી કમાન્ડરોનો દાવો છે કે તેઓ રાષ્ટ્રીય સાર્વભૌમત્વની રક્ષા માટે પહેલા કરતા વધુ મજબૂત છે અને દુશ્મનની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. મોજતબા ખામેનીની શહાદત અંગેના પોસ્ટરોએ ઈરાનના આંતરિક રાજકારણમાં પણ તોફાન ઉભું કર્યું છે, જેની અસર આગામી દિવસોમાં સમગ્ર મધ્ય પૂર્વના ભૌગોલિક રાજકીય સમીકરણો પર જોવા મળી શકે છે.

(1:43 PM IST)