News of Friday, 8th May 2026
ઈરાન જંગમાં આગામી 24 કલાક અત્યંત નિર્ણાયક: ઈરાની જહાજ પર ભીષણ હુમલા બાદ હજારો માઈલ દૂર યુદ્ધની જ્વાળાઓ તેજ, શું શાંતિ પ્રસ્તાવ સ્વીકારાશે?
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકી નૌસેના અને ઈરાની દળો સામસામે: મિસાઈલ અને ડ્રોન હુમલાથી ખાડી દેશોમાં ફફડાટ, ટ્રમ્પે કહ્યું- 'અમે ઉચિત જવાબ આપ્યો'

તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં આગામી ૨૪ કલાક સમગ્ર વિશ્વ માટે ભારે અનિશ્ચિતતા લઈને આવ્યા છે. સત્તાવાર રીતે યુદ્ધવિરામ અમલમાં હોવા છતાં, છેલ્લા કેટલાક કલાકોમાં થયેલા સૈન્ય હુમલાઓએ શાંતિ પ્રક્રિયાને જોખમમાં મૂકી દીધી છે. અમેરિકાને આશા છે કે ઈરાન આજે શુક્રવાર સુધીમાં તેના શાંતિ પ્રસ્તાવ પર જવાબ આપશે, જે બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. જોકે, આ દરમિયાન ઈરાની જહાજ પર થયેલા વિસ્ફોટોએ સ્થિતિ વધુ વણસાવી દીધી છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે આવેલા સીરિક વિસ્તારમાં ઈરાની વેપારી જહાજ પર થયેલા કથિત અમેરિકી હુમલામાં ૧૦ ક્રૂ મેમ્બરો ઘાયલ થયા છે અને ૫ લોકો ગુમ હોવાના અહેવાલ છે. ઈરાની ન્યૂઝ એજન્સી મહેરના જણાવ્યા અનુસાર, અમેરિકા જ્યારે પણ રાજદ્વારી ઉકેલની વાત કરે છે ત્યારે તે લશ્કરી કાર્યવાહીનો આશરો લે છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાના ત્રણ યુદ્ધજહાજો પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં અમેરિકી નૌસેનાએ કડક કાર્યવાહી કરી ઈરાની હુમલાખોરોને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
આ તણાવ માત્ર સમુદ્ર પૂરતો મર્યાદિત રહ્યો નથી. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ દાવો કર્યો છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે ઈરાન તરફથી છોડવામાં આવેલી બે બેલિસ્ટિક મિસાઈલો અને ત્રણ ડ્રોનને તોડી પાડ્યા છે. આ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ રોમમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ ગંભીર મંત્રણા માટે ઈરાનના સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યા છે.
અમેરિકાના પ્રસ્તાવ મુજબ, પ્રથમ યુદ્ધનો સત્તાવાર અંત લાવવામાં આવશે અને ત્યારબાદ ઈરાનના પરમાણુ કાર્યક્રમ જેવા વિવાદિત મુદ્દાઓ પર ટેબલ પર ચર્ચા કરવામાં આવશે. જોકે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીના કડક વલણ અને હાલમાં ચાલી રહેલા છૂટાછવાયા હુમલાઓને જોતા શાંતિ સ્થાપિત થશે કે સંઘર્ષ વધુ ઉગ્ર બનશે, તેનો ફેંસલો આગામી ૨૪ કલાકમાં થઈ જવાની શક્યતા છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
