<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

'આગામી ૨૫૦ વર્ષ સુધી ભારત-અમેરિકાની દોસ્તી દુનિયામાં ધૂમ મચાવશે': યુએસએના ૨૫૦મા સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પાઠવી ઐતિહાસિક શુભેચ્છાઓ

૧.૪ અબજ ભારતીયો વતી વડાપ્રધાને અમેરિકાના સુવર્ણ ભવિષ્યની કરી કામના; મેલાનિયા ટ્રમ્પે પણ બંધારણીય અધિકારો અને સ્વતંત્રતાની લડતને યાદ કરી અમેરિકનોને આપ્યો ખાસ સંદેશ

નવી દિલ્હી : વિશ્વના સૌથી મોટા અને સૌથી જૂના લોકશાહી દેશો વચ્ચેની મિત્રતા હવે એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. અમેરિકા (USA) આજે તેની આઝાદીની ઐતિહાસિક ૨૫૦મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ત્યાંના નાગરિકોને ખાસ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ આ અવસરે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો આગામી અઢી સદીઓ (૨૫૦ વર્ષ) સુધી વૈશ્વિક કલ્યાણ માટે એક અતૂટ શક્તિ તરીકે કામ કરશે તેવો મજબૂત આશાવાદ વ્યક્ત કર્યો છે.

૧૪૦ કરોડ ભારતીયો વતી પીએમ મોદીનો સંદેશ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિશેષ પોસ્ટ શેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, "૧.૪ અબજ ભારતીયો વતી, હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના તમામ લોકોને તમારી સ્વતંત્રતાની આ ઐતિહાસિક ૨૫૦મી વર્ષગાંઠ પર હાર્દિક બધાઈ આપું છું." તેમણે ઉમેર્યું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો માત્ર કોઈ વ્યૂહાત્મક ભાગીદારી પૂરતા મર્યાદિત નથી, પરંતુ બંને દેશો લોકશાહી, કાયદાના શાસન અને માનવ ક્ષમતાઓમાં સહિયારો વિશ્વાસ ધરાવે છે, જે આ દોસ્તીને વિશ્વના ભલા માટે અજોડ બનાવે છે. પીએમ મોદીએ શુભેચ્છા પાઠવતા કહ્યું કે, "આગામી ૨૫૦ વર્ષ અમેરિકા માટે વધુ સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિ લાવે અને ભારત-યુએસ ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જાય."

વડાપ્રધાનની આ શુભેચ્છા પોસ્ટ બદલ ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરેએ પણ 'X' પર પોસ્ટ કરીને પીએમ મોદી અને ભારતનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

મેલાનિયા ટ્રમ્પનો અમેરિકનોને પ્રેરણાદાયી સંદેશ

અમેરિકાના ૨૫૦મા જન્મદિવસના પાવન અવસરે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે પણ દેશવાસીઓને અનોખી રીતે બધાઈ આપી હતી. તેમણે 'X' પર લખ્યું, "સ્વતંત્રતા એ માત્ર બંધારણીય સિદ્ધાંત નથી, પરંતુ વ્યક્તિગત આઝાદી એ પાયો છે જે માણસને ડર્યા વિના નવા વ્યવસાયો શરૂ કરવા, રૂઢિચુસ્ત વિચારોને પડકારવા અને પોતાના સપનાઓને પૂરા કરવાની શક્તિ આપે છે. આ એ જ સ્વતંત્ર ઇચ્છા છે જેના માટે આપણા પૂર્વજોએ વર્ષ ૧૭૭૬માં લડત આપી હતી. અમેરિકા આજે પણ એ કુદરતી અધિકારોનું રક્ષણ કરે છે. ૨૫૦મા જન્મદિવસની મુબારકબાદી, USA!"

આખું વર્ષ ચાલશે આ મહા-ઉજવણી

વ્હાઇટ હાઉસના સત્તાવાર નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા આ ૨૫૦મી વર્ષગાંઠને માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રાખતા આખું વર્ષ ઉજવી રહ્યું છે. આ મહા-ઉજવણીની શરૂઆત મેમોરિયલ ડે, ૨૦૨૫થી થઈ ચૂકી છે અને તે વર્ષ ૨૦૨૬ના અંત સુધી ધામધૂમથી ચાલુ રહેશે. આ ઐતિહાસિક સીમાચિહ્નને યાદગાર બનાવવા માટે વ્હાઇટ હાઉસ દ્વારા સરકારના તમામ સ્તરો, ખાનગી ક્ષેત્રો, શૈક્ષણિક સંસ્થાઓ અને દેશના ખૂણે-ખૂણે રહેતા સામાન્ય નાગરિકોને આ ભવ્ય મહોત્સવમાં સાંકળવામાં આવ્યા છે.

(9:31 PM IST)