તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી ગેરકાયદે દબાણો અને આડેધડ પાર્કિંગ હટાવવા માટે NHAI એક્શન મોડમાં: દેશભરમાંથી 595 સંવેદનશીલ સ્થળો શોધી કાઢીને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કડક ઝુંબેશ શરૂ કરાઈ
સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વાહનચાલકોની સુરક્ષા અને હાઇવેને અવરોધમુક્ત બનાવવા રાજ્ય સરકારો તથા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી વ્યાપક ડ્રાઈવ હાથ ધરાશે

નવી દિલ્હી : દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો (National Highways) પર મુસાફરી કરતા વાહનચાલકોની સુરક્ષા વધારવા અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા દેશભરના તમામ હાઇવે કોરિડોર પર થતા અનધિકૃત પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણોને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. વાહનોની સલામતી અને હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ યુઝર-ફ્રેન્ડલી બનાવવાના હેતુથી આ સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે, હાઇવે પરથી દબાણો હટાવવાની આ ખાસ ઝુંબેશ સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) દ્વારા આપવામાં આવેલા કડક દિશાનિર્દેશોના પાલન અંતર્ગત શરૂ કરવામાં આવી છે. NHAI લાંબા સમયથી રાષ્ટ્રીય ધોરીમાર્ગોને સુરક્ષિત, વધુ કાર્યક્ષમ અને સુવિધાજનક બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જે અંતર્ગત આ આકરા પગલાં લેવાઈ રહ્યા છે. હાઇવે પર આડેધડ પાર્ક થતા વાહનો અને ગેરકાયદેસર બાંધકામો મોટાભાગે ગંભીર અકસ્માતોનું કારણ બનતા હોવાથી તેને અટકાવવા અનિવાર્ય બન્યું હતું.
આ વ્યાપક ડ્રાઇવ અંતર્ગત NHAI ની અલગ-અલગ ટીમો દ્વારા દેશભરના વિવિધ રાજ્યોમાં સઘન સરવે હાથ ધરવામાં આવ્યો હતો. આ સરવે દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગ થતું હોય તેવા અતિ જોખમી અને ગંભીર 595 જેટલા ક્રિટિકલ (સંવેદનશીલ) લોકેશનોની ઓળખ કરી લેવામાં આવી છે. આ ચિહ્નિત સ્થળો પરથી કોઈપણ વિલંબ વિના તાત્કાલિક ધોરણે અનધિકૃત વાહનો અને દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.
આ કામગીરીને સફળ અને પરિણામલક્ષી બનાવવા માટે NHAI માત્ર એકલા હાથે નહીં, પરંતુ સ્થાનિક તંત્ર સાથે મળીને વ્યૂહાત્મક રીતે આગળ વધી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત સંબંધિત તમામ રાજ્યોની સરકારો, જિલ્લા વહીવટી તંત્રો (ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન) અને સ્થાનિક પોલીસ સહિતની કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સતત અને ગાઢ સંકલન સાધવામાં આવી રહ્યું છે. સંયુક્ત ટીમો બનાવીને હાઇવેની આજુબાજુથી તમામ નડતરરૂપ તત્વોને હટાવવા માટે આગામી દિવસોમાં કડક કાનૂની અને વહીવટી કાર્યવાહી વધુ વ્યાપક બનાવવામાં આવશે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
