તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
રખડતા ઢોરના મુદ્દે NHAI પહોંચ્યું સુપ્રીમ કોર્ટ: "હાઇવે પરથી પશુઓ હટાવવા અને આશ્રય આપવાની પ્રાથમિક જવાબદારી સ્થાનિક તંત્રની"
૧.૪૬ લાખ કિમીના નેટવર્ક પર પશુ આશ્રયસ્થાનો ચલાવવા વ્યવહારુ નથી: સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે નેશનલ હાઇવે ઓથોરિટીએ સ્પષ્ટતા માંગી

નવી દિલ્હી, તા.૨૧: રાષ્ટ્રીય ધોરીમાર્ગો (National Highways) પર રખડતા પ્રાણીઓ અને ઢોરના કારણે સર્જાતા અકસ્માતો અને સુરક્ષાના મુદ્દે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. ૧૯ મે, ૨૦૨૬ ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં NHAI ને હાઇવે પરથી રખડતા પશુઓને હટાવવા, તેમને રાખવા માટે આશ્રયસ્થાનો (ગૌશાળાઓ) બનાવવા અને વિશિષ્ટ ટ્રાન્સપોર્ટ વાહનો તૈનાત કરવા આદેશ આપ્યો હતો. આ નિર્દેશો સામે NHAI એ સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પષ્ટતા અરજી દાખલ કરીને દલીલ કરી છે કે રખડતા પશુઓને દૂર કરવાની, જપ્ત કરવાની અને આશ્રય આપવાની મુખ્ય જવાબદારી રાજ્ય સરકારો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને જિલ્લા વહીવટીતંત્રની છે.
ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ બાબતે ચીફ જસ્ટિસ સમક્ષ તાત્કાલિક સુનાવણી માટે રજૂઆત કરી હતી. NHAI એ કોર્ટને જણાવ્યું છે કે તેનો મુખ્ય વૈધાનિક આદેશ હાઇવેના વિકાસ, જાળવણી અને ટ્રાફિક વ્યવસ્થાપન પૂરતો સીમિત છે. ૧.૪૬ લાખ કિલોમીટર લાંબા નેટવર્ક પર આશ્રયસ્થાનો ઊભા કરવા, પશુચિકિત્સકો તૈનાત કરવા, ઘાસચારો પૂરો પાડવો અને રોગ નિયંત્રણ કરવું એ NHAI ની કાયદાકીય મર્યાદા બહારની બાબત છે, કારણ કે આ માટે અલગથી કોઈ બજેટ જોગવાઈ નથી.
સ્થાનિક તંત્ર સાથે માત્ર સંકલન સાધવા NHAI તૈયાર
NHAI એ ૨૦૦૨ ના 'રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિયંત્રણ (જમીન અને ટ્રાફિક) અધિનિયમ' નો હવાલો આપતાં સ્પષ્ટ કર્યું છે કે ૨૯ ઓક્ટોબર, ૨૦૨૫ ના કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટને હાઇવે એડમિનિસ્ટ્રેશન તરીકે નીમવામાં આવ્યા છે, જેથી રસ્તા પરના અવરોધો દૂર કરવાની જવાબદારી તેમની બને છે. NHAI એ ભારપૂર્વક કહ્યું છે કે તે માર્ગ સુરક્ષાના નિર્દેશોથી પીછેહઠ કરી રહ્યું નથી અને રસ્તાઓ પરથી પશુઓ પકડવા તથા સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવા માટે સ્થાનિક તંત્ર તથા ગૌશાળાઓ સાથે સંપૂર્ણ સંકલન અને મદદ આપવા માટે તૈયાર છે, પરંતુ પશુઓની કસ્ટડી અને આશ્રયનું સંચાલન સ્થાનિક ઓથોરિટીએ જ કરવું જોઈએ.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
