<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

પંજાબની તીર્થયાત્રા બસોમાં સુરક્ષા ખામીઓ પર NHRC લાલઘૂમ, કેજરીવાલનો ભાજપ શાસિત રાજ્યો પર પલટવાર

વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટેની યોજનામાં માળખાકીય ફેરફારો અને અગ્નિ સુરક્ષાના ઉલ્લંઘન મુદ્દે નોટિસ પાઠવતા ગરમાયેલું રાજકારણ

ચંદીગઢ : રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ પંજાબ સરકારની ‘મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના’ હેઠળ તૈનાત એર-કન્ડિશન્ડ સ્લીપર બસોમાં સુરક્ષા ખામીઓ અને નિયમોના ભંગ અંગે ગંભીર નોંધ લીધી છે. વરિષ્ઠ નાગરિકો અને આર્થિક રીતે વંચિત મુસાફરોના જીવને જોખમમાં મૂકતી અનધિકૃત માળખાકીય ફેરફારો, કટોકટીના રસ્તાઓમાં અવરોધ અને અપૂરતી અગ્નિ સલામતી વ્યવસ્થાઓ બદલ પંચે પંજાબના મુખ્ય સચિવ તથા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયને નોટિસ ફટકારીને વ્યાપક તપાસ અહેવાલ માંગ્યો છે.
મળતી વિગતો મુજબ, NHRC સભ્ય પ્રિયંક કાનૂનગોએ જણાવ્યું હતું કે બસોમાં ડ્રાઇવરના કેબિન અને પેસેન્જર વિભાગ વચ્ચે અનધિકૃત પાર્ટીશન બનાવવામાં આવ્યા છે તેમજ બસની બોડી ચેસિસની બહાર લંબાવવામાં આવી છે. આ ઉપરાંત અગ્નિશામક ઉપકરણો, ફાયર ડિટેક્શન અને ઈમરજન્સી એક્ઝિટમાં અવરોધ હોવાની ફરિયાદો સામે આવી છે. પંચે પંજાબના મુખ્ય સચિવને તમામ બસોનું તાત્કાલિક વ્યક્તિગત નિરીક્ષણ કરવા, ખામીયુક્ત બસો પાછી ખેંચવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની પગલાં ભરીને વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો કડક આદેશ આપ્યો છે.
બીજી તરફ, આ વિવાદ સામે આવતા જ આમ આદમી પાર્ટી (AAP) ના સુપ્રીમો અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વળતો પ્રહાર કરતા NHRC ની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવ્યા છે. કેજરીવાલે X પર પોસ્ટ કરીને પૂછ્યું કે શું પંચે ઉત્તર પ્રદેશ કે અન્ય ભાજપ શાસિત રાજ્યોની રોડવેઝ બસોનું પણ ક્યારેય નિરીક્ષણ કર્યું છે? તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા આક્ષેપ કર્યો હતો કે વરિષ્ઠ નાગરિકોની પવિત્ર તીર્થયાત્રા રોકવાનો પ્રયાસ કરીને પંજાબીઓના નિસાસા લેવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં બનતી બસ દુર્ઘટનાઓ અને અગ્નિહોનારતો બાદ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટ (CIRT) અને પરિવહન મંત્રાલય દ્વારા બસ નિર્માણ માટેના સુરક્ષા ધોરણો વધુ સખત બનાવવામાં આવ્યા છે. NHRC ના આ કડક વલણ અને પંજાબ સરકાર-કેન્દ્ર વચ્ચે શરૂ થયેલા રાજકીય યુદ્ધ વચ્ચે આગામી દિવસોમાં રાજ્યની તીર્થયાત્રા બસોના સમગ્ર ફ્લીટની સુરક્ષા સમીક્ષા યોજાય અને નવા સેફ્ટી પ્રોટોકોલ અમલી બનાવવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

(12:12 AM IST)