News of Wednesday, 8th July 2026
આતંકવાદ વિરુદ્ધ NIA ની મોટી સ્ટ્રાઈક: ISIS અને અલ-કાયદાના ઓનલાઈન બ્રેઈનવોશિંગ નેટવર્કનો પર્દાફાશ, નવી મુંબઈ અને પનવેલમાં દરોડા
એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા યુવાનોને કટ્ટરપંથી બનાવતું આંતરરાજ્ય મોડ્યુલ ઝડપાયું; પનવેલમાંથી એક શંકાસ્પદની અટકાયત, જ્યારે અન્ય એક ફરાર

નવી મુંબઈ : ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ અને ઓનલાઈન કટ્ટરપંથીકરણ (રેડિકલાઈઝેશન) સામે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. બુધવારે કેન્દ્રીય તપાસ એજન્સીએ સ્થાનિક પોલીસની મદદથી નવી મુંબઈ અને પનવેલના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં એકસાથે દરોડા પાડ્યા હતા. આંધ્રપ્રદેશથી ઓપરેટ થતા ઇસ્લામિક સ્ટેટ (ISIS) અને અલ-કાયદા (AQIS) ના ઓનલાઈન કાવતરાના કેસના સંબંધમાં આ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જોકે, એનઆઈએ દ્વારા સત્તાવાર રીતે કોઈ ધરપકડની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ માટે પનવેલમાંથી એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેનો કબજો કેન્દ્રીય એજન્સીએ લીધો છે. આ દરમિયાન અન્ય એક મુખ્ય શંકાસ્પદ ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે, જેને શોધવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.
આ હાઈ-પ્રોફાઈલ કેસના મૂળ આંધ્રપ્રદેશ પોલીસની તપાસ સાથે જોડાયેલા છે. થોડા મહિના પહેલા આંધ્રપ્રદેશ પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે કથિત સંબંધો ધરાવતા ૧૨ લોકોની ધરપકડ કરી હતી. આ આરોપીઓની આકરી પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, પનવેલના રહેવાસી એવા બે અન્ય શખ્સો પણ આ આતંકી નેટવર્ક સાથે સીધા જોડાયેલા છે. આ મજબૂત કડીઓ અને પુરાવાઓના આધારે જ NIA એ બુધવારે પનવેલમાં ધામા નાખીને દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ શંકાસ્પદ સ્થળોએથી અનેક ડિજિટલ ઉપકરણો (મોબાઈલ, લેપટોપ) અને વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે, જેનું હાલ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, આ ખતરનાક મોડ્યુલનું નેતૃત્વ મુખ્ય આરોપી મોહમ્મદ રહેમતુલ્લાહ શરીફ, મોહમ્મદ દાનિશ અને મિર્ઝા સોહેલ કરી રહ્યા હતા. આ ત્રણેય માસ્ટરમાઇન્ડ એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને બંધ ઓનલાઈન ગ્રૂપ્સનો ઉપયોગ કરીને દેશના ભોળા અને નબળા યુવાનોને ટાર્ગેટ કરતા હતા અને તેમને આતંકવાદ તરફ ધકેલવા માટે બ્રેઈનવોશ કરતા હતા. આ આરોપીઓએ કથિત રીતે "અલ મલિક યુથ ઇસ્લામિક કમિટી" (AMYIC) નામના ગુપ્ત ઓનલાઈન ગ્રૂપો બનાવ્યા હતા. આ ગ્રૂપોનો મુખ્ય હેતુ ઉગ્રવાદી પ્રચાર ફેલાવવો, સંગઠન પ્રત્યે સહાનુભૂતિ રાખનારાઓની ઓનલાઈન ભરતી કરવી અને દેશવિરોધી ગતિવિધિઓ માટે ફંડ તથા સમર્થન મેળવવાનો હતો.
NIA ની તપાસમાં અત્યાર સુધીમાં આ કથિત આતંકવાદી મોડ્યુલનું નેટવર્ક માત્ર મહારાષ્ટ્ર પૂરતું સીમિત ન હોવાનું બહાર આવ્યું છે. આ આંતરરાજ્ય નેટવર્ક આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, બિહાર અને રાજસ્થાન સહિત ભારતના આઠથી વધુ રાજ્યોમાં ફેલાયેલું છે. તપાસ એજન્સીનું માનવું છે કે આરોપીઓ ખૂબ જ ચાલાકીથી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશન્સ દ્વારા કટ્ટરપંથી સામગ્રીનો પ્રસાર કરતા હતા જેથી સુરક્ષા એજન્સીઓની નજરમાં ન આવી શકાય. હાલમાં અટકાયત કરાયેલા શંકાસ્પદની આકરી પૂછપરછ ચાલી રહી છે, જેમાં આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
