News of Friday, 1st May 2026
મોગા ખાલિસ્તાની ધ્વજ કેસમાં NIA કોર્ટનો મોટો ફેંસલો: સરકારી બિલ્ડિંગ પર ધ્વજ ફરકાવનાર બે આરોપીઓને સાડા પાંચ વર્ષની જેલની સજા, આતંકી પન્નુના કહેવા પર કર્યું હતું કૃત્ય
રાષ્ટ્રધ્વજનું અપમાન અને આતંકવાદી ગતિવિધિઓ બદલ દંડ ફટકારાયો: ૨૦૨૦માં ડેપ્યુટી કમિશનરની ઓફિસ પર ખાલિસ્તાની ઝંડો ફરકાવી રોકડ ઈનામ મેળવ્યું હતું

મોહાલી : પંજાબના મોગામાં સરકારી બિલ્ડિંગ પર ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાના ચર્ચિત કેસમાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) કોર્ટે બે આરોપીઓને કડક સજા સંભળાવી છે. એસ.એ.એસ. નગર (મોહાલી) સ્થિત સ્પેશિયલ NIA કોર્ટે મોગાના રહેવાસી ઈન્દરજીત સિંઘ અને જસપાલ સિંઘને ૫.૫ વર્ષની જેલની સજા અને પ્રત્યેકને ૧૬,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ બંને આરોપીઓએ આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુના ઉશ્કેરણીજનક આદેશો પર આ દેશવિરોધી કૃત્ય કર્યું હતું.
શું હતી સમગ્ર ઘટના?
એજન્સીના જણાવ્યા અનુસાર, ૧૪ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ઈન્દરજીત અને જસપાલ મોગા સ્થિત ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં પ્રવેશ્યા હતા. તેઓ બિલ્ડિંગની ટોચ પર ચઢી ગયા અને ત્યાં લોખંડના પોલ પર 'ખાલિસ્તાન' લખેલો કેસરી/પીળો ધ્વજ ફરકાવ્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ ભારતીય રાષ્ટ્રધ્વજની દોરી કાપી નાખી હતી, જેના કારણે તિરંગો નીચે પડી ગયો હતો અને ત્યારબાદ તેમણે રાષ્ટ્રધ્વજને ખેંચીને તેનું અપમાન કર્યું હતું.
પન્નુએ આપ્યું હતું રોકડ ઈનામ
તપાસમાં બહાર આવ્યું છે કે 'સિક્ખ ફોર જસ્ટિસ' (SFJ) ના નેતા અને જાહેર કરાયેલા આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને પંજાબ અને હરિયાણાના રહેવાસીઓને ખાલિસ્તાની ધ્વજ ફરકાવવા ઉશ્કેર્યા હતા. પન્નુએ સરકારી કચેરીઓ પર આવા ધ્વજ ફરકાવવા માટે ૨,૫૦૦ યુએસ ડોલરના ઈનામની જાહેરાત કરી હતી. આ કેસમાં પન્નુના સાથી હરપ્રીત સિંઘે આરોપીઓને આ કામગીરી માટે નાણાં ચૂકવ્યા હોવાનું પણ સાબિત થયું છે.
ન્યાયિક પ્રક્રિયા અને સજા
કોર્ટે આ બંને આરોપીઓને આઈપીસી (IPC), ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UA(P) Act) અને રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં ગુરપતવંત સિંઘ પન્નુ અને રાણા સિંઘ ઉર્ફે હરપ્રીત સિંઘને ૨૦૨૧માં જ મોહાલીની વિશેષ અદાલત દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચુકાદો દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ તત્વો માટે એક કડક ચેતવણી સમાન માનવામાં આવે છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
