News of Thursday, 17th September 2026
પહેલગામ આતંકવાદી હુમલા કેસમાં NIA કોર્ટની મોટી કાર્યવાહી: લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સૈફુલ્લાહ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી
પાકિસ્તાન બેઠો કાશ્મીરમાં આતંક ફેલાવતા 'સાજિદ જાટ'નો પર્દાફાશ: ટેલિગ્રામ આઈડી દ્વારા આપતો હતો હુમલા અને ફંડિંગના આદેશો

જમ્મુ : જમ્મુ સ્થિત NIA ની વિશેષ અદાલતે પહેલગામ આતંકવાદી હુમલા અને કાશ્મીર ખીણમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ ચલાવનાર લશ્કર-એ-તૈયબા (LeT) ના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. પાકિસ્તાનના કસુર જિલ્લામાંથી આતંકી નેટવર્ક ચલાવતો સૈફુલ્લાહ ટેલિગ્રામ આઈડીના માધ્યમથી સ્થાનિક આતંકવાદીઓને હથિયારો, ફંડિંગ અને હુમલા માટેની સૂચનાઓ આપતો હતો. NIA ની રજૂઆત બાદ કોર્ટે આ કડક આદેશ આપ્યો છે.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક પર સિકંજો કસતા જમ્મુ સ્થિત એનઆઈએની વિશેષ અદાલતે એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં લશ્કર-એ-તૈયબા ના કમાન્ડર સૈફુલ્લાહ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. સૈફુલ્લાહ એપ્રિલ 2025 ના પહેલગામ આતંકવાદી હુમલા સહિત દેશ સામેના અનેક આતંકી કાવતરાંઓમાં મુખ્ય સૂત્રધાર રહ્યો છે.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, મૂળ પાકિસ્તાનના કસુર જિલ્લાના ચાંગા મંગા ગામનો રહેવાસી સૈફુલ્લાહ સાજિદ જાટ, અલી ભાઈ, હબીબુલ્લાહ મલિક, લંગરા, નુમી, નુમાન, ઉસ્માન હબીબ અને શાની જેવા અનેક બોગસ નામોથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવે છે. તે છેલ્લા બે દાયકાથી વધુ સમયથી આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઓપરેશન્સમાં સક્રિય અને મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.
ચાલુ વર્ષની શરૂઆતમાં NIA એ લશ્કરના એક મોટા મોડ્યુલનો પર્દાફાશ કરી 16 વર્ષથી ફરાર પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરૈરા, ઉસ્માન ઉર્ફે ખુબૈબ અને અન્ય સ્થાનિક સાગરીતોની ધરપકડ કરી હતી. માર્ચ મહિનામાં શ્રીનગરના પાંડાચ વિસ્તારમાંથી પકડાયેલા આ આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન જપ્ત કરાયેલા સાધનોમાંથી સૈફુલ્લાહનું ટેલિગ્રામ આઈડી મળી આવ્યું હતું. આ આઈડીથી સાબિત થયું હતું કે સૈફુલ્લાહ પાકિસ્તાનથી જ સુરક્ષા દળો, સામાન્ય નાગરિકો અને સરકારી મથકો પર હુમલા કરવા માટે સીધા આદેશો આપતો હતો.
NIA એ અદાલતમાં રજૂઆત કરી હતી કે UAPA ની ચોથી સૂચિ હેઠળ સૂચિબદ્ધ આતંકવાદી સૈફુલ્લાહ 2005 થી 2007 દરમિયાન કુલગામ જિલ્લામાં લશ્કરના કમાન્ડર તરીકે સક્રિય હતો અને બાદમાં પાકિસ્તાન ભાગી ગયો હતો. ત્યાં બેસીને તે કાશ્મીર ખીણમાં આતંકવાદને જીવંત રાખવા શસ્ત્રો અને ભંડોળ પૂરું પાડી રહ્યો હતો. તપાસ એજન્સી દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવાઓ અને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ વિશેષ અદાલતે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
