<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

જમ્મુ-કાશ્મીરમાં NIA ત્રાટકયુ :લશ્કર-એ-તૈયબાના ઘાતક કાવતરાનો પર્દાફાશ કરવા 10 સ્થળોએ વિસ્ફોટક દરોડા

પાકિસ્તાની હેન્ડલર્સ અને સ્થાનિક OGW નેટવર્ક પર તપાસનો સિકંજો: કુપવાડા, કુલગામ, બારામુલ્લા સહિતના વિસ્તારોમાં દરોડા પાડી પુરાવા એકત્ર કરાયા

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય આતંકવાદી નેટવર્ક અને સરહદ પારના કાવતરાઓ સામે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ લાલઆંખ કરી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા ના પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ અને તેમના સ્થાનિક "ઓવરગ્રાઉન્ડ વર્કર્સ"  વચ્ચેના કાવતરાનો પર્દાફાશ કરવાના ભાગરૂપે NIA દ્વારા જમ્મુ અને કાશ્મીરના 10 મહત્વના સ્થળોએ તીવ્ર દરોડા પાડવામાં આવ્યા છે.


 
NIA ની ટીમ દ્વારા કુપવાડા, કુલગામ, બાંદીપોરા, બારામુલ્લા અને સોપોર ખાતે વિવિધ શંકાસ્પદ ઠેકાણાઓ પર એકસાથે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડાનો મુખ્ય હેતુ સરહદ પારથી ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને લોજિસ્ટિકલ, નાણાકીય અને અન્ય સહાય પૂરી પાડનારા સ્થાનિક નેટવર્કની ભૂમિકા નક્કી કરવાનો અને આ કાવતરા સંબંધિત વધુ નક્કર પુરાવાઓ એકત્ર કરવાનો છે.


 
આ સમગ્ર મામલાની શરૂઆત શ્રીનગરના ઝકુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR નંબર 0024/2026 થી થઈ હતી. ત્યારબાદ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NIA એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ 1967 ની કલમ 23, શસ્ત્ર અધિનિયમ, 1959 ની કલમ 7 અને 25 તથા વિસ્ફોટક પદાર્થ અધિનિયમ, 1908 ની કલમ 4 હેઠળ કેસ હાથ ધરીને તપાસ હાથ ધરી છે.

આ તપાસ માર્ચ ૨૦૨૬માં શરૂ થયેલી કાર્યવાહીનું પરિણામ છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ મોડી રાત્રે એક નાકાબંધી પરથી લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા એક સ્થાનિક OGW ની ધરપકડ કરવામાં આવી હતી, જેની પાસેથી એક જીવંત હેન્ડ ગ્રેનેડ અને જીવંત કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ધરપકડ બાદ ઘેરી તપાસ હાથ ધરવામાં આવતા કાવતરામાં સામેલ પાકિસ્તાની નાગરિકોની માહિતી અને સ્થાનિક સપોર્ટ નેટવર્કની શંકાસ્પદ ભૂમિકાઓ ખુલ્લી પડી હતી.

તપાસમાં બહાર આવ્યું છે કે પાકિસ્તાન સ્થિત LeT હેન્ડલર્સ સ્થાનિક સહયોગીઓનો ઉપયોગ ઘૂસણખોરો સાથે સંપર્ક સાધવા, તેમની હિલચાલ સુગમ બનાવવા, તેમને છુપાવવા તથા આશ્રય આપવા માટે કરતા હતા. હાલમાં NIA દ્વારા આતંકીઓના નાણાકીય સ્ત્રોતો , કોમ્યુનિકેશન પેટર્ન, શસ્ત્રો અને વિસ્ફોટકોના સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ દરોડા અને મળેલા પુરાવાઓના આધારે વધુ ધરપકડો અને જપ્તી થવાની શક્યતા છે.

(6:05 PM IST)