તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
NIAનું મોટુ ઓપરેશન :3 રાજ્યોમાં 16 સ્થળે દરોડા:JMB મોડ્યુલ સાથે જોડાયેલા 13ની ધરપકડ: 10 આરોપી હજુ ફરાર
એનઆઈએએ 3 રાજ્યોમાં 16 સ્થળે દરોડા પાડી જેએમબી સાથે જોડાયેલા કથિત મોડ્યુલના 13 લોકોની ધરપકડ કરી

નવી દિલ્હી :રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ સાથે જોડાયેલા કથિત મોડ્યુલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આસામ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં એકસાથે 16 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, આરોપીઓ ભારતમાં સંગઠનનું નેટવર્ક ફેલાવવાના કથિત ષડયંત્રમાં સામેલ હતા.
રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમે ત્રણ રાજ્યોમાં એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આસામમાંથી 8, પશ્ચિમ બંગાળમાંથી 4 અને કેરળમાંથી 1 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
દરોડા દરમિયાન મોબાઇલ ફોન, પેન ડ્રાઇવ, મેમરી કાર્ડ સહિત અનેક ડિજિટલ ઉપકરણો મળી આવ્યા હોવાનું તપાસ એજન્સીએ જણાવ્યું છે. જપ્ત કરાયેલા સાધનોમાંથી મળતી માહિતીની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ કેસની શરૂઆત ડિસેમ્બર 2025માં થઈ હતી. તે સમયે આસામ પોલીસે આસામ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરાના અલગ-અલગ વિસ્તારોમાંથી 11 લોકોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ‘પૂર્વ આકાશ’ નામના ટેલિગ્રામ ગ્રુપ મારફતે ઓનલાઈન કટ્ટરપંથીકરણનું અભિયાન ચલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી હતી. આ કેસમાં કુલ 35 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
બાદમાં સમગ્ર તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપવામાં આવી હતી. એજન્સીએ અગાઉ ધરપકડ કરાયેલા 11 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તમામ આરોપીઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં હોવાનું જણાવાયું છે.
તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા લોકો ઈમામ મહમૂદ કાફિલા નામના સંગઠન માટે કામ કરતા હોવાનો આરોપ છે. તપાસમાં આ સંગઠન પ્રતિબંધિત જેએમબીનું એક સ્વરૂપ હોવાનું સામે આવ્યું હોવાનો એજન્સીનો દાવો છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
