તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
નિર્મલા સીતારામનના પતિએ મોદી સરકાર વિરુદ્ધ ફૂંક્યું રણશિગું: અભિજિત દીપકે અને પ્રકાશ રાજ સાથે મંચ પર જોવા મળશે
SIR રદ્દ કરવાની તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરશે

નવી દિલ્હી તા.૨૨: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ અને જાણીતા અર્થશાષી પરકલા પ્રભાકર ફરી એકવાર મોદી સરકાર વિરુદ્ધ મોરચો માંડવા જઈ રહ્યા છે. તેઓ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે અને જાણીતા અભિનેતા-કાર્યકર્તા પ્રકાશ રાજ સાથે આગામી ૨૩ ઓક્ટોબરના રોજ એક જ મંચ પર જોવા મળશે. આ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન પીપલ અગેઇન્સ્ટ SIR ગઠબંધન દ્વારા SIR પ્રક્રિયાના વિરોધમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે, જેમાં સામેલ થઈને નેતાઓ SIR રદ્દ કરવાની તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરશે.
સરકારની નીતિઓના પ્રખર આલોચક રહેલા પરકલા પ્રભાકરે આ દેશવ્યાપી પ્રદર્શનમાં જોડાવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હ્ પર પોસ્ટ કરીને લોકોને અપીલ કરી છે. તેમણે લખ્યું કે, ‘હર ગલી મેં જંતર-મંતર! શુક્રવાર, ૨૩ ઓક્ટોબર-૨૦૨૬. લોકશાહીની પુનઃસ્થાપના માટે જન માર્ચ. આવો, આપણે સૌ આ પડકારનો સામનો કરીએ.'
આ પ્રદર્શનમાં AISA ના અધ્યક્ષ નેહા બોરા, CJP ના સ્થાપક અભિજિત દીપકે સહિત દેશભરના અનેક સામાજિક કાર્યકરો અને જાણીતી હસ્તીઓ જોડાશે. અગાઉ ૮ ઓક્ટોબરે બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં યુટ્યુબર ધ્રુવ રાઠી અને પ્રકાશ રાજ સાથે પણ પ્રભાકરે CJP ના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
આંધ્રપ્રદેશના નરસપુરમમાં જન્મેલા પરકલા પ્રભાકર વ્યવસાયે જાણીતા રાજકીય અર્થશાષાી છે. દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત નિર્મલા સીતારામન સાથે થઈ હતી. બંનેની રાજકીય વિચારધારાઓ એકબીજાથી તદ્દન અલગ હોવા છતાં તેમણે વર્ષ ૧૯૮૬ માં લગ્ન કર્યા હતા. નિર્મલા સીતારામન લાંબા સમયથી ભાજપ સાથે સંકળાયેલા હોવા છતાં, પ્રભાકર સત્તાધારી પક્ષની નીતિઓના કટ્ટર ટીકાકાર રહ્યા છે. તેમણે પોતાના પુસ્તક ધ ક્રૂક્ડ ટિમ્બર ઓફ ન્યૂ ઇન્ડિયામાં નોટબંધી જેવા સરકારી નિર્ણયોની આકરી ટીકા કરી હતી તેમજ દેશમાં વધતી બેરોજગારી અને લોકશાહી સંસ્થાઓના નબળા પડવા અંગે સવાલો ઉઠાવ્યા હતા.
પરકલા પ્રભાકરની ટૂંકી રાજકીય સફર પણ ખૂબ ચર્ચાસ્પદ રહી છે. તેમની રાજકીય ઇનિગ વર્ષ ૨૦૦૯ માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ અભિનેતા ચિરંજીવી દ્વારા રચાયેલી પ્રજા રાજ્યમ પાર્ટી માં જોડાયા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૮ સુધી તેમણે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ હેઠળની આંધ્રપ્રદેશ સરકારમાં કમ્યુનિકેશન એડવાઈઝર તરીકે મહત્વની જવાબદારી સંભાળી હતી. જોકે, એપ્રિલ ૨૦૧૮માં TDPએ NDA સાથે છેડો ફાડ્યો તે પછી વિપક્ષે આક્ષેપો કર્યા કે તેમના પરિવારના સભ્ય (નિર્મલા સીતારામન) કેન્દ્રમાં હોવાથી રાજ્યના હિતો જોખમાઈ શકે છે, જેના પગલે તેમણે અચાનક પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
દેશભરમાં ૧૪ ઓક્ટોબરના રોજ પીપલ અગેઇન્સ્ટ SIR નામના નવા ગઠબંધનની રચના કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, દલિતો, આદિવાસીઓ અને લઘુમતી સમુદાયોના સંગઠનો એકઠા થયા છે. આ ગઠબંધને ગંભીર આક્ષેપ કર્યો છે કે SIR પ્રક્રિયાના કારણે દેશભરમાંથી મોટી સંખ્યામાં યોગ્ય મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે, જેમાં મોટાભાગે વંચિત અને નબળા વર્ગના લોકોનો સમાવેશ થાય છે. હવે પરકલા પ્રભાકર, અભિજિત દીપકે અને પ્રકાશ રાજ જેવા દિગ્ગજોના જોડાવાથી આ આંદોલન રાષ્ટ્રીય સ્તરે વધુ વેગ પકડે તેવી શક્યતા છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
