તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
UPI ચાર્જ વિવાદમાં નીતિ આયોગનું મોટું નિવેદન: 'ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને આત્મનિર્ભર બનાવવા માટે થોડો ચાર્જ અનિવાર્ય, પરંતુ ગ્રાહકો પર બોજ ન પડવો જોઈએ!'
નાણા મંત્રાલયના નિર્ણય બાદ ઊભા થયેલા વિવાદ વચ્ચે નીતિ આયોગે યુઝર-પે પ્રિન્સિપલ પર ભાર મૂકતા સ્પષ્ટ કર્યું કે ₹2,000 થી વધુના વેપારી વ્યવહારો પરનો નજીવો ચાર્જ સિસ્ટમ અને ટેકનોલોજીના રક્ષણ માટે જરૂરી છે.

નવી દિલ્હી : દેશભરમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) ના વ્યવહારો પર લાદવામાં આવેલા નવા ચાર્જ અંગે ચાલી રહેલા વિવાદ અને સરકાર-વિપક્ષ વચ્ચેના આરોપ-પ્રત્યારોપ વચ્ચે નીતિ આયોગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. નીતિ આયોગના વાઇસ ચેરમેન અશોક કુમાર લાહિરીએ જણાવ્યું છે કે યુપીઆઈ સેવાઓને લાંબા ગાળે આત્મનિર્ભર અને ટકાઉ બનાવવા માટે વ્યવસાયિક વ્યવહારો પર નાનો ચાર્જ લાદવો જરૂરી છે. જો કે, તેમણે ભાર મૂક્યો હતો કે આ ફી શક્ય તેટલી ન્યૂનતમ રાખવી જોઈએ જેથી સામાન્ય ગ્રાહકો કે નાના વેપારીઓ પર તેનો કોઈ વધારાનો આર્થિક બોજ ન પડે.
લાહિરીએ 'યુઝર-પે સિદ્ધાંત' પર વિચાર કરવાની હાકલ કરતા ઉમેર્યું કે ડિજિટલ પેમેન્ટથી ગ્રાહકો સિવાય વેપારીઓને રોકડ સંભાળવાની ઝંઝટ અને ચેક જમા કરાવવાની અસુવિધામાંથી મુક્તિ મળે છે, જેનાથી વ્યવસાયોને મોટો ફાયદો થાય છે. આ વિષય પર ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ બિલડેસ્કના સહ-સ્થાપક શ્રીનિવાસુ MN એ પણ સ્પષ્ટ કર્યું કે ભારતમાં યુપીઆઈ યુઝર્સની સંખ્યા 500 મિલિયન (50 કરોડ) વટાવી ગઈ છે. બેંકો અને પેમેન્ટ કંપનીઓ દ્વારા સિસ્ટમને સુરક્ષિત રાખવા, છેતરપિંડી રોકવા અને ગ્રાહક જાગૃતિ માટે સતત મોટું રોકાણ કરવું પડે છે. તેથી, ફક્ત ₹2,000 થી વધુના પસંદગીના વેપારી વ્યવહારો પર જ 0.4% સુધીનો દર લાગુ થશે, જ્યારે સામાન્ય P2P ટ્રાન્સફર, યુટિલિટી બિલ, ટેક્સ અને વીમા જેવી ચૂકવણીઓ પર ખાસ મુક્તિ યથાવત રહેશે.
વૈશ્વિક બજારો અને નિકાસ અંગે સલાહ
UPI ચાર્જ ઉપરાંત, નીતિ આયોગના વાઇસ ચેરમેને ભારતીય નિકાસકારો અને વેપારીઓને વૈશ્વિક બજાર અંગે પણ અગત્યની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું કે યુએસ જેવા પરંપરાગત બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે ભારતીય ઉદ્યોગોએ માત્ર સરકાર પર નિર્ભર રહેવાને બદલે આફ્રિકા, લેટિન અમેરિકા, પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા નવા અને સંભવિત વિસ્તારોમાં પોતાના ઉત્પાદનો માટે આપમેળે નવા બજારો શોધવા જોઈએ.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
