તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
નીતીશ-સમ્રાટ સરકારની બિહારને મોટી ભેટ: કેબિનેટે ૨૭ ક્રાંતિકારી પ્રસ્તાવો પર મારી મહોર : બદલાશે જમીન સર્વેક્ષણના નિયમો
જમીનના વિવાદો અને નકશાની ગૂંચવણો ઉકેલવા ૨૦૨૬ ના સુધારેલા નિયમોને મંજૂરી : સરકારી કર્મચારીઓ અને ધારાસભ્યોને મળશે કેશલેસ મેડિકલ સારવારની સુવિધા

પટણા: બિહારના રાજકારણ અને વિકાસના એજન્ડા પર મળેલી હાઈ-પ્રોફાઈલ કેબિનેટ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં ૨૭ જેટલા અતિ મહત્વના પ્રસ્તાવોને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. નીતીશ-સમ્રાટ સરકારના આ માસ્ટરસ્ટ્રોકથી રાજ્યના વહીવટી માળખા, રોજગાર અને ખાસ કરીને વર્ષો જૂના જમીન વિવાદોમાં મોટા પરિવર્તનો આવવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. કેબિનેટે લીધેલા નિર્ણયોમાં સૌથી મોટો નિર્ણય 'બિહાર વિશેષ સર્વેક્ષણ અને સમાધાન (સુધારા) નિયમો ૨૦૨૬' ને મંજૂરી આપવાનો છે, જે અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં જમીનની માપણી, રૈયતી જમીનોના રેકોર્ડ અને નકશા બનાવવાની કામગીરી હવે અદભુત પારદર્શિતા અને રોકેટ ગતિએ પૂર્ણ કરવામાં આવશે, જેથી સામાન્ય જનતાને કાનૂની ગૂંચવણો અને જમીન માફિયાઓથી કાયમી મુક્તિ મળશે.
આરોગ્ય ક્ષેત્રે પણ સરકારે સરકારી કર્મચારીઓથી લઈને સામાન્ય નાગરિકો માટે સરકારી તિજોરીના દ્વાર ખોલી દીધા છે. બિહાર વિધાનસભાના વર્તમાન તેમજ પૂર્વ સભ્યો, અખિલ ભારતીય સેવાના અધિકારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિતો માટે હવે હોસ્પિટલમાં દાખલ થતી વખતે રોકડ ચૂકવવાની ઝંઝટ ખતમ થઈ જશે, કારણ કે સરકાર હવે તેમને સંપૂર્ણ 'કેશલેસ' (રોકડ રહિત) સારવારની સુવિધા આપવા જઈ રહી છે. એટલું જ નહીં, મેડિકલ કોલેજોમાં પ્રોફેસરો અને ટ્યુટર્સની અછત દૂર કરવા માટે નવી ભરતી અને પ્રમોશન નિયમાવલી ૨૦૨૬ ને મંજૂરી અપાઈ છે. આ સાથે જ, અત્યાર સુધી સરકારી નિયમોની બહાર રહેતી ૧ થી ૪૦ પથારી ધરાવતી નાની હોસ્પિટલો, ક્લિનિક્સ અને લેબોરેટરીઝ માટે 'બિહાર સ્મોલ એન્ડ મીડિયમ હેલ્થકેર એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ૨૦૨૬' લાગુ કરીને દર્દીઓની સુરક્ષા માટે જિલ્લા સ્તરે કડક દંડ અને નોંધણીની જોગવાઈ કરવામાં આવી છે.
બિહારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા કેબિનેટે ભંડોળનો મોટો વરસાદ કર્યો છે, જેમાં પાંચ મોટા સ્ટેટ હાઈવે પ્રોજેક્ટ્સ માટે ₹૩,૭૪૪ કરોડની તોતિંગ રકમ મંજૂર કરવામાં આવી છે. ઉત્તર બિહારના ખેડૂતો માટે જીવાદોરી સમાન પશ્ચિમ કોસી સિંચાઈ યોજનાના આધુનિકીકરણ માટે ₹૬૦૬ કરોડ અને ઝાંઝરપુર શાખા નહેરના પુનઃસ્થાપન માટે ₹૨૧૮ કરોડ ફાળવવામાં આવ્યા છે, જેનાથી લાખો હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે. આ ઉપરાંત, પટણા મેડિકલ કોલેજ હોસ્પિટલ (PMCH) ખાતે મધ્ય-પૂર્વ ભારતના સૌથી આધુનિક ગણાતા 'સ્પાઇન સબ-સ્પેશિયાલિટી યુનિટ' ની સ્થાપના માટે તાત્કાલિક ધોરણે ૩૯ નવી જગ્યાઓ ઊભી કરવાની મંજૂરી આપીને સરકારે બિહારને મેડિકલ હબ બનાવવાની દિશામાં મોટું કદમ ઉઠાવ્યું છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
