તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) બંધ કે બદલવાની કોઈ યોજના નથી: નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કેન્દ્રીય કર્મચારીઓની ચિંતા દૂર કરી, ૮મા પગાર પંચ અંગે પણ આપ્યું મોટું અપડેટ
૧.૧૮ લાખથી વધુ કર્મચારીઓએ પસંદ કરી UPS સ્કીમ: નિવૃત્ત અને વર્તમાન કર્મચારીઓને NPS જેવા જ કરમુક્તિ, ગ્રેચ્યુઇટી અને CCS પેન્શન નિયમોના લાભો મળશે.

નવી દિલ્હી : કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે કેન્દ્ર સરકારે એક અત્યંત રાહતજનક અને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં એક લેખિત જવાબ દરમિયાન સ્પષ્ટપણે જણાવ્યું છે કે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) માં ફેરફાર કરવાનો કે તેને બંધ કરવાનો સરકાર પાસે હાલ કોઈ પ્રસ્તાવ નથી. અફવાઓ અને આશંકાઓ વચ્ચે નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે UPS યોજના પહેલાની જેમ જ સતત ચાલુ રહેશે.
સરકારી આંકડા અનુસાર, ૧૯ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં ૧,૧૮,૧૯૫ કર્મચારીઓએ આ યોજનાનો વિકલ્પ પસંદ કરી લીધો છે. ૧ એપ્રિલ, ૨૦૨૫ થી રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ વિકલ્પ તરીકે શરૂ કરાયેલી આ યોજના નિવૃત્તિ બાદ કર્મચારીઓને મોંઘવારી સામે રક્ષણ આપતું નિશ્ચિત માસિક પેન્શન પૂરું પાડે છે. ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં NPS હેઠળ ઓછામાં ઓછી ૧૦ વર્ષની સેવા પૂર્ણ કરી નિવૃત્ત થયેલા કર્મચારીઓ તેમજ તેમના મૃત્યુના કિસ્સામાં તેમના કાનૂની જીવનસાથી પણ આ લાભ મેળવવા પાત્ર છે. UPS ધારકોને NPS ની જેમ જ કર મુક્તિ, ગ્રેચ્યુઇટી અને CCS પેન્શન નિયમોની સુરક્ષા પ્રાપ્ત થાય છે.
બીજી તરફ, કેન્દ્રીય કર્મચારીઓ જેની ચાતક ડોળે રાહ જોઈ રહ્યા છે તે ૮મા પગાર પંચ (8th Pay Commission) અંગે પણ અગત્યના સમાચાર સામે આવ્યા છે. સરકારે ભલામણો રજૂ કરવા માટે આપેલા ૧૮ મહિનાના સમયગાળા અંતર્ગત પગાર પંચે તેની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે. જો બધું યોજના મુજબ રહ્યું, તો આગામી ૨૦૨૭ ના પ્રથમ છ મહિનામાં પગાર પંચ પોતાની ભલામણો સરકારને સુપરત કરી દેશે.
આ સંદર્ભમાં પગાર પંચે ભાગીદારો અને કર્મચારી સંગઠનો સાથે ચર્ચા-વિચારણાની શ્રેણીબદ્ધ બેઠકો શરૂ કરી છે. દિલ્હી, ચેન્નાઈ અને પુડુચેરી બાદ હવે પગાર પંચ ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ચંદીગઢની ત્રણ દિવસીય મુલાકાતે જશે, જ્યાં સ્થાનિક કર્મચારી મંડળો અને પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ સાધીને પગાર સુધારણા અંગેના સૂચનો મેળવવામાં આવશે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
