<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

હાથમાં પર્સ નહીં, ગાજર અને કોથમીર! શાક માર્કેટમાં કેટવોક

ઈન્‍સ્‍ટાગ્રામ પર વીડિયો ધૂમ વાયરલઃ ‘દેસી અંદાજમાં ગ્‍લોબલ ફેશન' : શાકભાજી વેચનારા અને ગ્રાહકો વચ્‍ચે મોડેલ્‍સનો દમદાર કેટવોક

મુંબઇઃતા.૫: સામાન્‍ય રીતે 'ફેશન શો'નું નામ સાંભળતાં જ આંખો સામે ભવ્‍ય લાઈટિગ, લક્‍ઝરી સ્‍ટેજ, ડિઝાઈનર ડ્રેસિસ અને હાથમાં મોંઘી બ્રાન્‍ડેડ બેગ્‍સ સાથે કેટવોક કરતી સ્‍ટાઇલિશ મોડેલ્‍સનું દ્રશ્‍ય ઉપસી આવે છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક સાવ અલગ અને કલ્‍પના બહારનો રેમ્‍પ વોક ધૂમ મચાવી રહ્યો છે. ચાલો જોઈએ આખરે એવું તે શું ખાસ અને અનોખું છે આ રેમ્‍પવોકમાં અને નેટિઝન્‍સને કેમ આ આ ઈવેન્‍ટ ગમી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ અનોખા ફેશન શોનો રેમ્‍પ વોક કોઈ ફાઈવ સ્‍ટાર હોટેલ કે એર-કન્‍ડિશન્‍ડ ઓડિટોરિયમમાં નહીં, પરંતુ મુંબઈ નજીક આવેલા વસઈના ભરચક શાકભાજી માર્કેટની અંધારાવાળી અને સાંકડી ગલીઓમાં યોજાયો હતો. આ રેમ્‍પ વોકમાં મોડલ્‍સ હાથમાં પર્સ કે દાગીનાને બદલે તાજા મૂળા, ગાજર અને કોથમીરની ઝૂડીઓ પકડીને આત્‍મવિશ્વાસ સાથે વોક કરતાં જોવા મળ્‍યા હતા અને આ વાયરલ વીડિયો હાલમાં ઈન્‍ટરનેટ પર ભારે ચર્ચા જગાવી રહ્યો છે.

વસઈ (પヘમિ) સ્‍થિત વ્‍યસ્‍ત અંબાડી રોડ પર આવેલા શાકભાજી માર્કેટની વચ્‍ચે આ અનોખી પહેલ રજૂ કરવામાં આવી હતી. આ શોનું નામ ‘Vision Vogue Fashion Week' રાખવામાં આવ્‍યું હતું. આ અનોખા ફેશન શોના વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે અને નેટિઝન્‍સ તેના પર જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

મુંબઈના જાણીતા ફેશન મેન્‍ટોર અને મોડેલ સાહિલ સિગ દ્વારા આ અનોખો વિચાર રજૂ કરવામાં આવ્‍યો હતો. તેમની સાથે કેરીસા ડી'બ્રિટો, રોહિત ચૌધરી અને જાતિન ગામીએ આ કોન્‍સેપ્‍ટને સાકાર કર્યો હતો. પરંપરાગત ફેશન શોના મોંઘા ચોકઠામાંથી બહાર નીકળીને રોજીંદા જીવનની સાદી વસ્‍તુઓનો પણ ફેશનમાં ક્રિએટિવ ઉપયોગ થઈ શકે છે અને સુંદરતા માટે મોંઘા સ્‍ટેજની જરૂર નથી તે સાબિત કરવાનો હતો.

‘વિઝન વોગ એકેડેમી'ના આશરે ૫૦ જેટલા યુવક અને યુવતી મોડેલ્‍સે આ રેમ્‍પ વોકમાં ભાગ લીધો હતો. માર્કેટની ભીડભાડ, શાકભાજીની લારીઓ, ખરીદી કરતાં ગ્રાહકો અને અવાજ વચ્‍ચે મોડેલ્‍સે અદભુત આત્‍મવિશ્વાસ સાથે કેટવોક કર્યું હતું. કોઈના હાથમાં લાલ ગાજર હતા, તો કોઈ મૂળો અને કોથમીરની જુડી સાથે સ્‍ટાઇલિશ પોઝ આપતાં જોવા મળ્‍યા હતા. કેટલાક મોડેલ્‍સે તો શાકભાજીની સામગ્રીને જ પોતાના પોશાક સાથે ક્રિએટિવ રીતે મેચ કરી હતી.

ફેશન મેન્‍ટોર સાહિલ સિગે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્‍ડલ પર શેર કર્યો હતો, જેમાં બેકગ્રાઉન્‍ડમાં સુંદર પહાડી/લોકગીત વાગતું હોવાથી આખા રેમ્‍પ વોકને અનોખો દેસી રંગ મળ્‍યો હતો. મોંઘા સેટ-અપ વગર માત્ર ઉત્તમ આત્‍મવિશ્વાસ અને નવીન વિચારસરણીના આધારે રજૂ થયેલા આ પ્રયોગને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પ્રભાવિત થયા છે. નેટીઝન્‍સ કહી રહ્યા છે કે શાકભાજી ખરીદવા આવેલા લોકો માટે આ લાઈવ ફેશન શો જોવો એક અવિસ્‍મરણીય અનુભવ બની ગયો હશે!

 

 

(10:06 AM IST)