<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

બુલેટ ટ્રેનમાં ટ્રેક બદલતી વખતે પણ નહીં અનુભવાય આંચકો: મુસાફરોની સુરક્ષા માટે રેલવે તૈયાર કરશે જાપાની ટેકનોલોજી આધારિત 'કેન્ટેડ ટર્નઆઉટ' સિસ્ટમ

૩૨૦ કિમી/કલાકની સુપરફાસ્ટ સ્પીડે પણ ગાયબ થશે ઝટકો અને અવાજ, ભારતની પ્રથમ અંડરસી રેલ ટનલ અને ગેપ-ફ્રી 'મુવેબલ ક્રોસિંગ' ટેકનોલોજીથી પ્રવાસ બનશે અત્યંત આરામદાયક

અમદાવાદ, તા.૨૪: ભારતના સ્વપ્નસમાન મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે દોડનારી આ બુલેટ ટ્રેન માત્ર પોતાની ગતિ માટે જ નહીં, પરંતુ મુસાફરોને મળનારા અદ્ભુત આરામ અને સુરક્ષા માટે પણ ટેકનોલોજીનો અજોડ નમૂનો સાબિત થશે. સામાન્ય રીતે ટ્રેન જ્યારે એક ટ્રેક પરથી બીજા ટ્રેક પર વળે છે ત્યારે મુસાફરોને આંચકો કે ધ્રુજારી અનુભવાય છે, પરંતુ બુલેટ ટ્રેનમાં હાઈ-સ્પીડ હોવા છતાં મુસાફરોને સહેજ પણ ઝટકો લાગશે નહીં. આ માટે રેલવે નેટવર્કમાં જાપાની ટેકનોલોજી આધારિત 'મુવેબલ ક્રોસિંગ' અને 'કેન્ટેડ ટર્નઆઉટ' સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે.

સામાન્ય રેલવે ટ્રેકમાં બે લાઈનો એકબીજાને ક્રોસ કરતી વખતે પૈડાંની મુવમેન્ટ માટે નાનો ગેપ (જગા) રાખવો પડે છે, જેના પરથી ટ્રેન પસાર થતાં આંચકો અને અવાજ ઉત્પન્ન થાય છે. ૩૨૦ કિમીની ઝડપે આ ગેપ અકસ્માતનું કારણ બની શકે છે. આ પડકારને પહોંચી વળવા માટે 'સ્વિંગ-નોઝ ક્રોસિંગ' ટેકનોલોજીનો ઉપયોગ કરાશે, જેમાં પોઈન્ટ મશીનની મદદથી રેલનો આગળનો ભાગ આપોઆપ યોગ્ય સ્થિતિમાં સેટ થઈ જશે, જેથી એક સળંગ અને સપાટ રસ્તો મળશે. આ ઉપરાંત 'કેન્ટેડ ટર્નઆઉટ' મિકેનિઝમ હેઠળ ટ્રેકને ચોક્કસ ઢાળ આપવામાં આવશે, જેથી ટ્રેક બદલતી વખતે ઉત્પન્ન થતાં સેન્ટ્રિફ્યુગલ ફોર્સને સંતુલિત કરી શકાય અને મુસાફરોને બાજુ તરફ ફેંકાવાનો અનુભવ ન થાય.

આ સમગ્ર હાઈ-સ્પીડ રૂટ પર ઓટોમેટિક રેલ આઈડેન્ટિફિકેશન સિસ્ટમ, મોર્ડન પોઈન્ટ મશીન અને ડિજિટલ મોનિટરિંગ દ્વારા સતત ચકાસણી કરવામાં આવશે. કુલ ૫૦૮ કિલોમીટરના આ મુંબઈ-અમદાવાદ રૂટ પર ૧૨ સ્ટેશનો પ્રસ્તાવિત છે, જેમાં મુંબઈ નજીક થાણે ક્રીક હેઠળ ભારતની સૌપ્રથમ ૨૧ કિલોમીટર લાંબી અંડરસી (દરિયાની અંદર) રેલ ટનલ પણ બનાવવામાં આવી રહી છે.

(5:44 PM IST)