News of Saturday, 18th April 2026
નોઈડા હિંસાનો માસ્ટરમાઇન્ડ આદિત્ય આનંદ તમિલનાડુથી દબોચાયો: ધરપકડથી બચવા વાળ કાપી અને દાઢી મુંડાવી વેશ પલટો કર્યો, પણ પોલીસની નજરથી બચી ન શક્યો!
માનેસર બાદ નોઈડાને સળગાવવાનું હતું ષડયંત્ર: મધરસન કંપનીના કામદારોને ઉશ્કેરી સોશિયલ મીડિયા પર ફેલાવી હતી ખોટી અફવાઓ, STF અને નોઈડા પોલીસનું સંયુક્ત ઓપરેશન સફળ

નોઈડા : ઉત્તર પ્રદેશના નોઈડામાં મજૂર આંદોલનની આડમાં હિંસા ભડકાવવાના મુખ્ય સૂત્રધાર આદિત્ય આનંદની ધરપકડ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે. નોઈડા પોલીસ અને STFની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને છેક તમિલનાડુથી આદિત્યને ઝડપી પાડ્યો છે. હિંસા બાદ ધરપકડના ડરથી તે પોતાનો દેખાવ બદલીને દક્ષિણ ભારત ભાગી ગયો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તે આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે.
વેશ પલટો કરીને ભાગ્યો હતો દક્ષિણ ભારત
ગૌતમ બુદ્ધ નગરના પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે આ ધરપકડની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, હિંસાના અન્ય સાથીદાર રૂપેશ રાયની ધરપકડ થયા બાદ આદિત્ય આનંદ સતર્ક થઈ ગયો હતો. તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પોતાની દાઢી મુંડાવી નાખી હતી અને વાળ કાપીને સંપૂર્ણ વેશ પલટો કરી લીધો હતો. આ રીતે તે છુપાતો છુપાતો તમિલનાડુ પહોંચી ગયો હતો, જ્યાં તે અન્ય કોઈ મોટા ષડયંત્રની ફિરાકમાં હોય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
માનેસર જેવો જ ખેલ નોઈડામાં ખેલવાનો હતો પ્લાન
તપાસમાં ખુલાસો થયો છે કે આદિત્ય આનંદ અને તેના સાથીઓ રૂપેશ રાય, સૃષ્ટિ, મનીષા અને આકૃતિએ અગાઉ માનેસર હિંસાનું પણ કાવતરું ઘડ્યું હતું. આ જ ટોળકીએ નોઈડામાં મજૂર સંગઠનોને ઉશ્કેર્યા હતા. 13 એપ્રિલના રોજ નોઈડાની મધરસન કંપની સામે કામદારોને એકઠા કરી હિંસા ભડકાવવામાં આદિત્યની મુખ્ય ભૂમિકા હતી.
સોશિયલ મીડિયા દ્વારા અફવાઓનું ઝેર ફેલાવ્યું
પોલીસે વધુમાં વિગત આપતા જણાવ્યું કે, 13 એપ્રિલે જ્યારે કામદારોનો વિરોધ શાંત થઈ રહ્યો હતો, ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર બે શંકાસ્પદ હેન્ડલ્સ દ્વારા ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા. આ પોસ્ટ્સ જોતા જ કામદારો ફરી ઉશ્કેરાયા હતા અને જોતજોતામાં હિંસા ફાટી નીકળી હતી. આદિત્ય આનંદે જ આ ડિજિટલ પ્રોપેગેન્ડાનું સંચાલન કર્યું હોવાના પુરાવા પોલીસને મળ્યા છે.
હાલ પોલીસ આદિત્યને નોઈડા લાવવાની તજવીજ કરી રહી છે, જ્યાં તેની સઘન પૂછપરછમાં હિંસાના ફન્ડિંગ અને આંતરરાજ્ય કનેક્શન અંગે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. આ ધરપકડથી નોઈડાના ઔદ્યોગિક ક્ષેત્રમાં અશાંતિ ફેલાવનારા તત્વોને મોટો ફટકો પડ્યો છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
