<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

₹૨૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહીને કોર્ટનું સમન્સ: સરકારી સાક્ષી તરીકે ૨ નવેમ્બરે થશે હાજર

ઠગ સુકેશ ચંદ્રશેખર સામે રાઉઝ એવન્યુ કોર્ટમાં જુબાની આપશે બોલિવૂડ અભિનેત્રી : મહામૂલી ભેટ-સોગાદો અને કથિત અફેરના દાવાઓ વચ્ચે પોતાની જાતને પીડિત ગણાવતી નોરા પર સૌની નજર

નવી દિલ્હી :  બોલિવૂડની પ્રખ્યાત ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી માટે કાનૂની મુશ્કેલીઓ વધી રહી હોય તેમ લાગે છે. દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા ₹૨૦૦ કરોડના હાઈ-પ્રોફાઈલ મની લોન્ડરિંગ અને ખંડણી કેસના મુખ્ય આરોપી અને જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મામલામાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નોરા ફતેહીને સમન્સ જારી કર્યું છે. આ સમન્સ મુજબ, અભિનેત્રીએ ૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અદાલતમાં સરકારી સાક્ષી  તરીકે હાજર રહેવું પડશે. ઈડી (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રીજી પૂરક ચાર્જશીટમાં નોરાનું નામ સાક્ષી તરીકે શામેલ કરાયા બાદ કાનૂની ગલીયારામાં ભારે ચર્ચા જાગી છે.

સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહી અને તેના પરિવારજનોને લક્ઝરી કાર, મોંઘી બ્રાન્ડેડ બેગ્સ અને ઝવેરાત જેવી અત્યંત કિંમતી ભેટ-સોગાદો આપી હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. જોકે, નોરા ફતેહી શરૂઆતથી જ આ વિવાદથી અંતર જાળવી રહી છે અને તેણે પોતાની સામેના તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તાજેતરમાં એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુ દરમિયાન ભાવુક થતાં નોરાએ સ્પષ્ટતા કરી હતી કે તે સુકેશની સાચી ગુનાહિત ઓળખથી અજાણ હતી અને તેની પત્ની દ્વારા આ ભેટો આપવામાં આવી હતી. નોરાએ દાવો કર્યો હતો કે તે સુકેશ સાથે કોઈ પ્રેમ સંબંધમાં નહોતી, પરંતુ પોતે આ કૌભાંડની શિકાર બની છે.

આ જ કૌભાંડમાં બોલિવૂડની અન્ય એક મશહૂર અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનું નામ પણ સતત લાઇમલાઇટમાં રહ્યું છે. સુકેશે જેલમાંથી પણ જેકલીનને પ્રેમપત્રો લખ્યા હોવાની વાતો વહેતી થઈ હતી, જોકે જેકલીને પણ આ તમામ સંબંધોનો અસવીકાર કર્યો છે. હવે ૨ નવેમ્બરે રાઉઝ એવન્યુ કોર્ટમાં નોરા ફતેહીની હાજરી અને તેની સત્તાવાર જુબાની આ સમગ્ર કેસમાં કયો નવો વળાંક લાવે છે, તેના પર સમગ્ર દેશ અને ફિલ્મ જગતની મીટ મંડાયેલી છે.

(9:21 PM IST)