<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

મધ્ય પૂર્વના યુદ્ધમાં ઉત્તર કોરિયાની એન્ટ્રી! કિમ જોંગ ઉનના વૈજ્ઞાનિકો તેહરાન માટે બનાવશે ગુપ્ત મિસાઈલ લોન્ચ પેડ : CIAનો મોટો ખુલાસો

અમેરિકા સાથેના સંઘર્ષમાં પોતાના 80 ટકા મિસાઈલ લોન્ચ પેડ અને અનેક વૈજ્ઞાનિકો ગુમાવ્યા બાદ ઈરાને હવે ઉત્તર કોરિયાનો હાથ પકડ્યો : તેહરાનના ભૂગર્ભ 'મિસાઈલ શહેરો'માં નવા લોન્ચ પેડ તૈયાર કરીને અમેરિકા અને ઈઝરાયલ સામે નવો મોરચો ખોલવાની તૈયારી કરી રહ્યા હોવાનો CIA ગુપ્તચર અહેવાલમાં ચોંકાવનારો દાવો

તેહરાન. મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયલના સંભવિત હુમલાના ભય વચ્ચે ઈરાન અને ઉત્તર કોરિયાની ગુપ્ત મિલીભગત અંગે અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકી ગુપ્તચર એજન્સી CIA ના અધિકારીઓને ટાંકીને અરામ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ઈરાને પોતાની મિસાઈલોને સુરક્ષિત રાખવા અને નવા લોન્ચ પેડ વિકસાવવા માટે ઉત્તર કોરિયા પાસે મદદ માંગી હતી, જેનો કિમ જોંગ ઉને સ્વીકાર કરી લીધો છે. હાલમાં ઉત્તર કોરિયાના નિષ્ણાતો પ્યોંગયાંગથી જ ટેકનિકલ માર્ગદર્શન આપી રહ્યા છે અને આગામી સમયમાં આ વૈજ્ઞાનિકો તેહરાનની પ્રત્યક્ષ મુલાકાત લઈને ઈરાનના શસ્ત્રાગારને મજબૂત કરવાની કામગીરી હાથ ધરશે.

ઈરાન માટે ઉત્તર કોરિયાની આ મદદ અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે, કારણ કે અમેરિકા સાથેના તાજેતરના યુદ્ધમાં ઈરાનના લગભગ 80 ટકા લોન્ચ પેડ નાશ પામ્યા હતા અને તેના ઘણા મહત્વના વૈજ્ઞાનિકો પણ માર્યા ગયા હતા. લોન્ચ પેડ અને જરૂરી સામગ્રીના અભાવે ઈરાન નવી અને વધુ ખતરનાક મિસાઈલો વિકસાવવામાં અસમર્થ બન્યું હતું, જેથી તે હવે પોતાના અત્યંત સુરક્ષિત ભૂગર્ભ 'મિસાઈલ શહેરો'માં નવા લોન્ચ પેડ તૈયાર કરવા માંગે છે. ઉત્તર કોરિયા હાલમાં સીધી રીતે કોઈ યુદ્ધમાં જોડાયેલું ન હોવાથી, તેના વૈજ્ઞાનિકો ઈરાનને ભવિષ્યમાં અમેરિકા અને ઈઝરાયલ સામે ટક્કર લેવા માટે સજ્જ કરી રહ્યા છે.

વૈશ્વિક રાજનીતિના જાણકારો આ ઘટનાક્રમને એક નવા અને ખતરનાક સૈન્ય મોરચાના સંકેત તરીકે જોઈ રહ્યા છે. પ્યોંગયાંગ પહેલાથી જ રશિયા-યુક્રેન યુદ્ધમાં મોસ્કોની મદદ માટે હજારો સૈનિકો મોકલી ચૂક્યું છે, અને હવે ઈરાનને સમર્થન આપીને તે અમેરિકા વિરોધી ધરીને વધુ મજબૂત બનાવી રહ્યું છે. બીજી તરફ, રશિયા પણ અમેરિકા સામે ઈરાનના પક્ષમાં ઊભું છે અને રાષ્ટ્રપતિ પુતિન સ્પષ્ટ સંકેત આપી ચૂક્યા છે કે યુક્રેન યુદ્ધનો અંત ઈરાનની પરિસ્થિતિ સાથે જોડાયેલો છે, જેનાથી આગામી સમયમાં વૈશ્વિક તણાવ વધુ ઘેરો બનવાની આશંકા સેવાઈ રહી છે...

(8:16 PM IST)