<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

નોર્વે: પ્રાઈવસી અને સુરક્ષા સામે મોટો ખતરો: હવે આ દેશ જાહેર સ્થળો, શાળાઓ અને હોસ્પિટલોમાં AI સ્માર્ટ ગ્લાસ પર મૂકશે અસ્થાયી પ્રતિબંધ!

છુપી રીતે ફોટો, વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ થવાની ચિંતા વચ્ચે નોર્વે સરકારનો મોટો નિર્ણય; સંસદમાં ટૂંક સમયમાં બિલ રજૂ કરાશે

ઓસ્લો, તા.૦૬: આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ટેક્નોલોજી ઝડપથી વધી રહી છે, પરંતુ તેની સાથે લોકોની ખાનગી સક્ષમતા એટલે કે પ્રાઈવસી (Privacy) અને રાષ્ટ્રીય સુરક્ષા પર પણ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરા અને માઈક્રોફોનથી સજ્જ એઆઈ સ્માર્ટ ગ્લાસ દ્વારા લોકોની જાણ કે સંમતિ વિના ગુપ્ત રીતે ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કે ઓડિયો રેકોર્ડિંગ થવાની ચિંતા જગતભરમાં ઘેરી બની છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા હવે નોર્વે સરકારે જાહેર અને સંવેદનશીલ સ્થળોએ એઆઈ સ્માર્ટ ગ્લાસના ઉપયોગ પર અસ્થાયી (ટેમ્પરરી) પ્રતિબંધ મૂકવાની દિશામાં તૈયારીઓ આરંભી દીધી છે.

ક્યાં-ક્યાં લાગુ થઈ શકે છે પ્રતિબંધ?

સરકાર દ્વારા તૈયાર કરાઈ રહેલી યોજના મુજબ, જ્યાં લોકો મોટી સંખ્યામાં એકઠા થતા હોય તેવા તમામ જાહેર સ્થળો જેવા કે પાર્ક, બીચ, મ્યુઝિયમ, શોપિંગ મોલ અને જાહેર કાર્યક્રમો પર આ નિયમ લાગુ કરાશે. આ ઉપરાંત બાળકો અને સગીરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને સ્કૂલ, પ્લેગ્રાઉન્ડ અને યુથ ક્લબ જેવા સ્થળોને પણ પ્રતિબંધ હેઠળ આવરી લેવાશે.

અતિ સંવેદનશીલ ગણાતા હોસ્પિટલ, હેલ્થકેર સેન્ટર, ડૉક્ટરના ક્લિનિક, સ્વિમિંગ પુલ, જિમના ચેન્જિંગ રૂમ અને શાવર એરિયામાં પણ ચશ્માથી થતા રેકોર્ડિંગ પર રોક લગાવાશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો યુનિવર્સિટીઓ અને કોલેજો જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પણ આ બાન લાગુ કરવા વિચારણા ચાલી રહી છે.

"લોકો સતત જાસૂસીના ડરમાં જીવે તેવો સમાજ આપણને મંજૂર નથી"

નોર્વેના ડિજિટલાઈઝેશન અને પબ્લિક ગવર્નન્સ પ્રધાન ટોર્ગેઈર મિકેલસને આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "નવી અને અત્યાધુનિક ટેક્નોલોજીના કારણે લોકોની પરવાનગી વિના તેમની હિલચાલ કે અવાજ રેકોર્ડ થવાનું જોખમ અનેકગણું વધી ગયું છે. સરકાર એવો સમાજ ક્યારેય નથી ઈચ્છતી જ્યાં સામાન્ય નાગરિકો જાહેર સ્થળો પર પણ સતત પોતાની ઉપર છૂપી નજર રખાતી હોવાના ડર હેઠળ જીવવા મજબૂર બને."

સંપૂર્ણ પ્રતિબંધ નથી, ચોક્કસ છૂટછાટો મળશે

નોર્વે સરકારનો હેતુ આ ડિવાઈસ પર કાયમી કે સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નથી. અંગત કે ખાનગી ઉપયોગ માટે, અથવા તો જ્યાં અન્ય લોકોની પ્રાઈવસી જોખમાતી ન હોય તેવી જગ્યાઓએ તેનો ઉપયોગ ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત જરૂરિયાતમંદ અથવા સંવેદનશીલ જૂથો માટે અમુક વિશેષ છૂટછાટો અને સામાજિક રીતે ઉપયોગી કાર્યો માટે મર્યાદિત મંજૂરી આપવાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

કાયમી કાયદો બનાવવા માટે એક્સપર્ટ ગ્રુપની રચના કરાશે

નોર્વે સરકાર ટૂંક સમયમાં જ સંસદમાં આ અંગેનું બિલ રજૂ કરશે. તેની સાથે જ એક 'એક્સપર્ટ ગ્રુપ' પણ બનાવવામાં આવશે, જે બોડી-વોર્ન ટેક્નોલોજી (શરીર પર પહેરી શકાતા ઉપકરણો) અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે. આ ગ્રુપની ભલામણોના આધારે ભવિષ્યમાં ટેક્નોલોજી, નાગરિક પ્રાઈવસી અને જાહેર સુરક્ષા વચ્ચે યોગ્ય સંતુલન જાળવતો કાયમી રાષ્ટ્રીય કાયદો બનાવવામાં આવશે.

(3:51 PM IST)