<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

મોબાઈલની લત નહીં પણ આઝાદીનો અહેસાસ: જાણો કેમ ગેમિંગ અને ડિજિટલ દુનિયા બની રહી છે 'જેન આલ્ફા' માટે નવું સ્ટ્રેસ બસ્ટર!

સ્કૂલ-ટ્યુશનના કડક શેડ્યૂલ અને પેરેન્ટ્સની સતત નજર વચ્ચે બાળકો હવે સ્માર્ટફોનને જ માની રહ્યા છે પોતાનું પર્સનલ સ્પેસ; રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો.

નવી દિલ્હી: તા.૦૧: આજના યુગમાં માતા-પિતાની સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે તેમનું બાળક ચોવીસ કલાક મોબાઈલમાં જ ડૂબેલું રહે છે. આપણે તેને ઘણીવાર 'સ્ક્રીન એડિક્શન' માનીને વઢતા હોઈએ છીએ, પરંતુ 'રુકમ કેપિટલ'ના તાજેતરના અહેવાલ "જેન આલ્ફા ડિકોડેડ" એ એક તદ્દન અલગ જ ચિત્ર રજૂ કર્યું છે. આ રિપોર્ટ મુજબ, બાળકો મોબાઈલના આદિ નથી, પરંતુ તેમની વ્યસ્ત અને શિસ્તબદ્ધ દિનચર્યામાંથી મુક્તિ મેળવવા માટે તેઓ ડિજિટલ દુનિયાનો સહારો લઈ રહ્યા છે.

અભ્યાસમાં સામે આવ્યું છે કે આજની પેઢી (Gen Alpha) પર સ્કૂલ અને ટ્યુશનનો એટલો ભાર છે કે તેમને બહાર જઈને રમવા કે મુક્ત રીતે જીવવા માટે જગ્યા જ મળતી નથી. આ કડક દેખરેખ વચ્ચે ડિજિટલ પ્લેટફોર્મ જ એવી એકમાત્ર જગ્યા છે જ્યાં તેઓ પોતે સ્વતંત્ર હોવાનો અનુભવ કરે છે. રિપોર્ટ મુજબ, આશ્ચર્યજનક રીતે બાળકોના માનસિક તણાવનું મુખ્ય કારણ સ્કૂલ નહીં પણ 'ટ્યુશન' છે, જ્યાં સ્કૂલનું જ ભણતર વારંવાર પુનરાવર્તિત કરવામાં આવે છે, જેનાથી બાળકો કંટાળી જાય છે.

રસપ્રદ વાત એ છે કે, ભલે ૭૩.૫% બાળકો પાસે પર્સનલ સ્માર્ટફોન છે, પણ તેઓ તેના પર સંપૂર્ણ સ્વતંત્ર નથી. લગભગ ૫૪% માતા-પિતા હંમેશા નજર રાખે છે કે બાળક ઓનલાઈન શું કરી રહ્યું છે. ઘણા ઘરોમાં તો 'સ્ક્રીન ટાઈમ' કમાવો પડે છે – એટલે કે કોઈ સારું કામ કરો તો જ ફોન વાપરવા મળે છે! આ જ કારણ છે કે જ્યારે પણ તેમને તક મળે છે, ત્યારે તેઓ ગેમિંગમાં પોતાની અલગ ઓળખ બનાવીને સ્ટ્રેસ દૂર કરવાનો પ્રયાસ કરે છે.

માત્ર ગેમિંગ જ નહીં, આ પેઢી શોપિંગ અને પૈસાની બાબતમાં પણ ઘણી સ્માર્ટ છે. ૮૧% બાળકો ઓનલાઈન શોપિંગ વખતે પોતાના મનપસંદ બ્રાન્ડ્સ જાતે પસંદ કરે છે. એટલું જ નહીં, દર ૧૦ માંથી ૭ બાળકો નાની ઉંમરે જ ડિજિટલ માધ્યમો કે ઘરકામ દ્વારા પૈસા કમાવાની ઈચ્છા ધરાવે છે. ટૂંકમાં, આજનું બાળક 'સ્ક્રીનનો ગુલામ' નથી, પરંતુ તે પોતાના વ્યસ્ત જીવનમાં થોડી આઝાદી અને પોતાનું સ્પેસ શોધી રહ્યું છે. માતા-પિતાએ બાળકોના ઈન્ટરનેટ પ્રત્યેના લગાવને લત સમજવાને બદલે તેમની આ લાગણીને સમજવાની જરૂર છે.

(3:28 PM IST)