<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

બિસ્કિટ નહિ, ‘ઢોરનો ખોરાક’ પીરસાય છે!: ભારતમાં 'પ્રિયગોલ્ડ'નું લાઈસન્સ રદ થતા જ નેપાળ સરકારે મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ

FSSAI ની તપાસમાં સૂર્યા ફૂડ એન્ડ એગ્રોની ગંભીર બેદરકારી ખુલ્લી પડી: પશુઓના ખોરાક માટે વપરાતા થૂલા માંથી બિસ્કિટ બનાવવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ : નેપાળ ફૂડ ડીપાર્ટમેન્ટે બજારમાંથી તમામ જથ્થો તુરંત પાછો ખેંચવા આદેશ આપ્યો

કાઠમંડુ :  ભારતીય બ્રાન્ડ 'પ્રિયગોલ્ડ'  બિસ્કિટનું ઉત્પાદન કરતી કંપની સૂર્યા ફૂડ એન્ડ એગ્રો લિમિટેડ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ હાથ ધરેલી લાલ આંખ બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેના પડઘા પડ્યા છે. FSSAI ની તપાસમાં ખાદ્ય સુરક્ષાના ગંભીર ઉલ્લંઘનો અને પશુ આહારના ઉપયોગની ચોંકાવનારી બાબતો સામે આવ્યા બાદ નેપાળ સરકારે પ્રિયગોલ્ડ બિસ્કિટની આયાત, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે.

દિલ્હી સહિતના પ્લાન્ટ્સમાં ગ્રાહકોની ફરિયાદોના આધારે FSSAI ની ટીમે જ્યારે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું ત્યારે નિરીક્ષણ દરમિયાન સૂર્યા ફૂડ એન્ડ એગ્રોના પરિસરમાંથી પશુઓના આહાર માટે વપરાતા બ્રાન્ડેડ થૂલા  ના કોથળાઓ મળી આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે કંપની ફાઈબરના સ્ત્રોત તરીકે સામાન્ય માનવ આહારના બદલે પશુઓને ખવડાવવામાં આવતા થૂલાનો ઉપયોગ બિસ્કિટ બનાવવામાં કરતી હતી. આ સિવાય ફેક્ટરીમાં પેસ્ટ કંટ્રોલ, ગંદકી, અને કાચા માલના સંગ્રહમાં ભારે અનિયમિતતાઓ મળી આવતા FSSAI દ્વારા કંપનીનું મેન્યુફેક્ચરિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરી તેમની સામે કાનૂની કાર્યવાહી  શરૂ કરવામાં આવી છે.

નેપાળ ફૂડ ડિપાર્ટમેન્ટનું કટોકટીભર્યું કદમ
ભારતમાં FSSAI દ્વારા લેવાયેલા કડક પગલાં અને કંપનીનું લાઈસન્સ રદ કરાયાના અહેવાલો મળતા જ નેપાળના 'ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ ટેકનોલોજી એન્ડ ક્વોલિટી કંટ્રોલ' એ ત્વરિત પગલાં લીધા હતા. વિભાગના ડિરેક્ટર જનરલ સંજીવ કુમાર કર્ણના અધ્યક્ષસ્થાને યોજાયેલી કટોકટીની ઓનલાઈન બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગુણવત્તાના ધોરણોમાં નિષ્ફળ નીવડેલા અને આરોગ્ય માટે જોખમી બનેલા આ બિસ્કિટ નેપાળના બજારમાં વેચવા દેવાશે નહીં.

નેપાળી ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પ્રિયગોલ્ડના બિસ્કિટ સ્થાપિત ગુણવત્તા અને સ્વચ્છતાના ધોરણો કરતા અત્યંત હલકી કક્ષાના છે. તેથી જાહેર જનતાના આરોગ્ય અને ગ્રાહક હિતોનું રક્ષણ કરવા માટે આ નિર્ણય લેવાયો છે. ઓથોરિટીએ નેપાળના તમામ સત્તાવાર આયાતકારો, જથ્થાબંધ વેપારીઓ અને રિટેલરોને નિર્દેશ આપ્યો છે કે તેઓ પ્રિયગોલ્ડ બિસ્કિટનો બાકી રહેલો તમામ સ્ટોક બજારમાંથી તાત્કાલિક પાછો ખેંચી લે. જો કોઈ વેપારી આ આદેશનું ઉલ્લંઘન કરીને છૂપી રીતે વેચાણ કરતો પકડાશે તો તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(7:48 PM IST)