<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

નવવધૂને સાસરીમાંથી તેડવા ‘વર' નહીં પણ પોલીસ સાથે પહોંચી ગર્લફ્રેન્‍ડ!

ઉત્તર પ્રદેશના મેરઠમાં બે યુવતીઓના સંબંધને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચા જગાવી : વીડિયોમાં એક યુવતી પોતાની મિત્રને સાસરીમાંથી પરત લાવ્‍યાનો દાવો કરી રહી છે અને તેની સાથે જ રહેવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરે છે

મેરઠ,તા.૧૪: ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્‍લાના જાની પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી એક અત્‍યંત ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ભારે આકર્ષણ અને ચર્ચાનો વિષય બન્‍યો છે. ઇન્‍ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી પોતાની જ મિત્રને તેની સાસરીમાંથી મુક્‍ત કરાવીને પાછી લાવ્‍યાનો મોટો દાવો કરી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ, આ બંને યુવતીઓ એકબીજાના પ્રેમમાં હોવાનું અને સાથે રહેવા માંગતી હોવાનું કહેવાય રહ્યું છે. જો કે, આ સમગ્ર ઘટનાની હજુ સુધી કોઈ સ્‍વતંત્ર પુષ્ટિ થઈ નથી.

મળતી માહિતી મુજબ, આ બંને યુવતીઓ મેરઠના જાની પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના એક જ ગામની રહેવાસી છે. સ્‍થાનિક સ્‍તરે થતી ચર્ચાઓ અનુસાર, બંને યુવતીઓ લાંબા સમયથી એકબીજાના ગાઢ સંપર્કમાં હતી અને તેઓએ સાથે જીવવા-મરવાના વચનો આપ્‍યા હતા. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બંનેએ પરસ્‍પર સંમતિથી લગ્ન પણ કરી લીધા હતા.

પરંતુ, થોડા સમય પહેલાં એક યુવતીના પરિવારજનોને આ અસામાન્‍ય સંબંધની જાણ થઈ ગઈ હતી. કથિત રીતે, સામાજિક બદનામીના ડરથી પરિવારજનોએ આશરે એક અઠવાડિયા પહેલાં જ યુવતીના લગ્ન દિલ્‍હી ના રહેવાસી એક યુવક સાથે ઉતાવળે કરાવી દીધા હતા. લગ્ન બાદ આ પ્રેમ કહાનીમાં એક નવો વળાંક આવ્‍યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મિત્રના લગ્નથી નારાજ બીજી યુવતી કાયદાકીય મદદ અથવા પોલીસને સાથે રાખીને દિલ્‍હી સ્‍થિત તેની સાસરીમાં પહોંચી ગઈ હતી. ત્‍યાંથી તે પોતાની મિત્રને ગમે તે રીતે પોતાની સાથે પરત લઈ આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાનનો જ એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં દેખાતી યુવતી સ્‍પષ્ટપણે કહેતી સંભળાય છે કે, તે કોઈ છોકરા સાથે લગ્ન કરવા નહોતી માંગતી. તેણે પોતાના પરિવારને આ વાત સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારે તેની એક પણ વાત માની નહીં. વીડિયોમાં તે વધુમાં જણાવે છે કે, તેને તેના પતિ કે સાસરી પક્ષના લોકો સામે કોઈ વ્‍યક્‍તિગત ફરિયાદ નથી, પરંતુ તે પોતાની મિત્ર સાથે જ રહેવા ઈચ્‍છે છે અને આ માટે તે કાયદેસર રીતે છૂટાછેડા લેવાની પણ ઈચ્‍છા વ્‍યક્‍ત કરી રહી છે. તેણે સ્‍પષ્ટ કર્યું કે તે કોઈના પણ બાહ્ય દબાણ વગર પોતાની મરજીથી આ નિવેદન આપી રહી છે.

આ સમગ્ર હાઈવોલ્‍ટેજ ડ્રામા વચ્‍ચે હજુ સુધી પોલીસ કે સ્‍થાનિક પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્‍યું નથી. ઘટનાની સંવેદનશીલતાને જોતા બંને યુવતીઓ વતી પરિવારના સભ્‍યો પણ જાહેરમાં કંઈપણ બોલવાનું ટાળી રહ્યા છે. આથી, વાયરલ વીડિયો અને તેની પાછળના દાવાઓની કોઈ સ્‍વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી. જ્‍યાં સુધી પોલીસ તપાસ પૂરી ન થાય ત્‍યાં સુધી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતોને સત્તાવાર માની શકાય નહીં.

(9:51 AM IST)