તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
કેવળ ‘કૈંચી ધામ’ જ નહીં, નીમ કરોલી બાબાના આ ૫ દિવ્ય આશ્રમોમાં પણ બિરાજે છે અદ્ભુત શાંતિ: દરેક ભક્તે જીવનમાં એકવાર અવશ્ય લેવી જોઈએ મુલાકાત
વિરાટ કોહલીથી લઈને સ્ટીવ જોબ્સ સુધીના મહાનુભાવો જેના શરણમાં આવ્યા તે સંતના ભારતભરમાં ફેલાયેલા ચમત્કારિક ધામોની ખાસિયત જાણો

નવી દિલ્હી : નીમ કરોલી બાબાના દિવ્ય ચમત્કારો અને કૈંચી ધામની ખ્યાતિ આજે વિશ્વભરમાં ફેલાયેલી છે. અબજોપતિ સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગથી લઈને ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સુધીની અનેક હસ્તીઓ પોતાના જીવનમાં શાંતિ અને માર્ગદર્શન મેળવવા માટે કૈંચી ધામ ખાતે આવી ચૂકી છે. જોકે, મોટાભાગના લોકો નીમ કરોલી બાબાને કેવળ ઉત્તરાખંડના કૈંચી ધામ સાથે જ સાંકળે છે, પરંતુ ભારતમાં અન્ય ૫ એવા પવિત્ર આશ્રમો પણ છે જેનો બાબાજીના તપ અને ચમત્કારો સાથે અત્યંત ઊંડો સંબંધ રહ્યો છે.
- નીબ કરોલી ગામ અને સાધના ગુફા (ફરુખાબાદ, ઉત્તર પ્રદેશ): ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લાનું આ નાનકડું ગામ મહારાજજીનું પ્રારંભિક ધ્યાન સ્થળ રહ્યું છે. અહીં એક પવિત્ર ગુફામાં બાબાએ વર્ષો સુધી કઠોર સાધના કરી હતી. આ જ ગામના નામ પરથી તેમને ‘નીમ કરોલી બાબા’નું નામ મળ્યું હતું. બાબાજીએ આ સ્થળે પોતાના હાથે કોતરેલી હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર પણ સ્થાપિત કર્યું હતું.
- વૃંદાવન આશ્રમ (ઉત્તર પ્રદેશ): વૃંદાવન ધામ એ બાબાના સૌથી પ્રખ્યાત મંદિરો પૈકીનું એક છે. ૧૧ સપ્ટેમ્બર, ૧૯૭૩ના રોજ નીમ કરોલી બાબાએ આ જ પવિત્ર ભૂમિ પર પોતાનો ભૌતિક દેહ ત્યાગીને મહાસમાધિ લીધી હતી. અહીં આવેલી બાબાની સમાધિનું વાતાવરણ આખું વર્ષ અત્યંત ભક્તિમય અને સકારાત્મક ઊર્જાથી સભર રહે છે.
- બાબાનિયા હનુમાન મંદિર (ગુજરાત): ગુજરાતના મોરબી જિલ્લા નજીક આવેલું બાબાનિયા ગામ મહારાજજીના પ્રારંભિક દિવસોના ચમત્કારોનું સાક્ષી રહ્યું છે. અહીં નિવાસ દરમિયાન બાબાજીએ હનુમાન મંદિરની સ્થાપના કરી હતી, જેને સ્થાનિક શ્રદ્ધાળુઓ આજે પણ અત્યંત ચમત્કારિક અને મનોકામના પૂર્ણ કરનારું ધામ માને છે.
- હનુમાનગઢ (નૈનીતાલ, ઉત્તરાખંડ): નૈનીતાલ નજીક મનોરા ટેકરીઓ પર સ્થિત આ મનોરમ્ય મંદિરની સ્થાપના વર્ષ ૧૯૫૨માં બાબાજી દ્વારા કરવામાં આવી હતી. પહાડોની ટોચ પર આવેલા આ મંદિરમાં ભગવાન હનુમાનજીની ૭ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા પ્રસ્થાપિત છે.
- સંકટ મોચન હનુમાન મંદિર (શિમલા, હિમાચલ પ્રદેશ): હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના મનોહર વાતાવરણ વચ્ચે સ્થિત આ પવિત્ર મંદિરનો શિલાન્યાસ ૧૯૬૦ના દાયકામાં નીમ કરોલી બાબાએ કર્યો હતો. પ્રકૃતિના ખોળામાં આવેલું આ સ્થાન આધ્યાત્મિક શાંતિની શોધમાં આવતા ભક્તો માટે સ્વર્ગ સમાન છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
