<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

માત્ર પ્રશ્નોના જવાબ જ નહીં, હવે તમારા વતી કામ પણ કરશે AI: મેટાએ લોન્ચ કર્યું ક્રાંતિકારી પર્સનલ એજન્ટ ‘Muse AI’

ઓનલાઈન શોપિંગ, મુવી ટિકિટ બુકિંગથી લઈને ફોર્મ ભરવા સુધીના જટિલ કાર્યો ચપટીમાં કરશે મ્યુઝ AI; વોટ્સએપ પર જ ચેટ કરીને આપી શકાશે આદેશ

ન્યૂ યોર્ક, તા. ૦૯: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે ટેક જાયન્ટ 'મેટા' (Meta)એ એક નવો વિસ્ફોટ કર્યો છે. મેટાએ તેનું અત્યાધુનિક પર્સનલ AI એજન્ટ ‘મ્યુઝ’ (Muse) લોન્ચ કર્યું છે. અત્યાર સુધીના સામાન્ય ચેટબોટ્સ માત્ર યુઝર્સના પ્રશ્નોના જવાબો આપતા હતા, પરંતુ મ્યુઝ AI એનાથી બે કદમ આગળ વધીને યુઝર વતી વાસ્તવિક ડિજિટલ દુનિયામાં જાતે જ બહુવિધ કાર્યો (Tasks) પૂરા કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. યુઝરના ડિજિટલ જીવનને સંપૂર્ણપણે સ્વચાલિત બનાવવાની દિશામાં મેટાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો અને સીધો પ્રયાસ છે.

દિનચર્યાના જટિલ કાર્યો ક્ષણવારમાં પૂરા કરશે:

સામાન્ય AI બોટથી વિપરીત, મ્યુઝ AI યુઝરના રોજિંદા કાર્યો જેમ કે ઓનલાઈન શોપિંગ કરવું, મૂવી ટિકિટો બુક કરવી, ડોક્ટર કે બિઝનેસ એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરવી, અથવા સ્કૂલની પરમિશન સ્લિપ અને જટિલ કાગળિયાં ભરવા જેવા મલ્ટી-સ્ટેપ કાર્યો આપમેળે હેન્ડલ કરી શકે છે. મેટાના જણાવ્યા મુજબ, મ્યુઝ યુઝરના લાંબા ગાળાના લક્ષ્યોને નક્કર કાર્યયોજનામાં બદલી શકે છે અને સમય જતાં યુઝરની પસંદગીઓને સમજીને વધુ સ્માર્ટ બને છે. યુઝર્સ સમર્પિત એપ દ્વારા અથવા પોતાના 'વોટ્સએપ' (WhatsApp) પર સીધો મેસેજ કરીને મ્યુઝ સાથે વાતચીત કરી શકશે.

સુરક્ષા અને ગોપનીયતાનું કડક કવચ:

મ્યુઝ AI 'મ્યુઝ સિક્યોર VM' નામના એક ખાસ વર્ચ્યુઅલ મશીન પર ચાલે છે, જે બિલ્ટ-ઈન બ્રાઉઝર સાથે યુઝરના ડેટાને સંપૂર્ણ સુરક્ષિત રાખે છે. મેટાના ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર જોએલ કેપલાને સ્પષ્ટ કર્યું છે કે યુઝરની પ્રાઈવસી સાથે કોઈ સમજૂતી કરવામાં આવી નથી. યુઝર પોતે નક્કી કરી શકશે કે AI એજન્ટને કેટલો એક્સેસ આપવો અને ઈચ્છે ત્યારે તે રદ પણ કરી શકશે. વધુમાં, મ્યુઝ સાથેની વાતચીતને મેટાના એડવર્ટાઈઝિંગ સિસ્ટમથી સંપૂર્ણપણે અલગ રાખવામાં આવી છે. વર્ષના અંત સુધીમાં તેનું વધુ હેવી એન્ક્રિપ્ટેડ 'કોન્ફિડેન્શિયલ વર્ઝન' પણ લાવવામાં આવશે.

ઓપનએઆઈ અને ગૂગલ સાથે યુદ્ધના એંધાણ:

મેટાના ચીફ AI ઓફિસર એલેક્ઝાન્ડર વાંગના નેતૃત્વ હેઠળ વિકસિત આ મોડેલ હાલમાં યુનાઈટેડ સ્ટેટ્સમાં ૧૮ વર્ષથી વધુ વયના યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ફ્રી ટોકન લિમિટ સાથે રોલઆઉટ થઈ રહ્યું છે. મેટાના આ સુપર-એજન્ટના આગમનથી ઓપનએઆઈ (OpenAI), ગૂગલ (Google) અને માઈક્રોસોફ્ટ (Microsoft) વચ્ચે 'બેસ્ટ AI એજન્ટ' બનવાની દોડ વધુ તીવ્ર બની ગઈ છે. મેટાએ મ્યુઝને સામાન્ય જનતા માટે અત્યંત સરળ, સલામત અને માસ-માર્કેટ પ્રોડક્ટ તરીકે રજૂ કર્યું છે.

(5:15 PM IST)