<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

હવે વિમાન પ્રવાસ થશે સસ્તો: દિલ્હીમાં ઉડ્ડયન ઇંધણ પરના ટેક્સમાં મસમોટો ઘટાડો!

મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો ઐતિહાસિક નિર્ણય: ATF પરનો વેટ 25% થી ઘટાડીને સીધો 7% કરાયો : હવાઈ મુસાફરો અને એરલાઇન્સ કંપનીઓને મળશે કરોડોની રાહત

નવી દિલ્હી:  દિલ્હી સરકારે આસમાને પહોંચેલા ઇંધણના ભાવ વચ્ચે પ્રજાહિતમાં એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર વસૂલવામાં આવતા વેલ્યુ એડેડ ટેક્સ માં સીધો 18% નો જંગી ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી એરલાઇન્સ કંપનીઓએ દિલ્હીમાં ઇંધણ પર 25% ટેક્સ ચૂકવવો પડતો હતો, જે હવે ઘટીને માત્ર 7% થઈ જશે. આ નવા દર આગામી છ મહિના માટે લાગુ રહેશે, જેનાથી વિમાનની ટિકિટના દરોમાં નોંધપાત્ર ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પગલું દેશના પાટનગર અને મુસાફરોના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. જોકે, ટેક્સમાં આટલા મોટા ઘટાડાને કારણે સરકારની તિજોરી પર અંદાજે ₹985 કરોડનું મહેસૂલ ભારણ આવશે, પરંતુ તેની સામે પર્યટન અને પરિવહન ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળશે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધઘટ વચ્ચે એરલાઇન્સ કંપનીઓ માટે આ એક સંજીવની સમાન સાબિત થશે, કારણ કે વિમાન ચલાવવાના કુલ ખર્ચમાં 30 થી 40 ટકા હિસ્સો માત્ર ઇંધણનો જ હોય છે.

દિલ્હી પહેલા મહારાષ્ટ્ર સરકારે પણ ATF પરના વેટમાં 11% નો ઘટાડો કરીને પહેલ કરી હતી, અને હવે દિલ્હીના આ નિર્ણય બાદ દેશના અન્ય રાજ્યો પર પણ ટેક્સ ઘટાડવાનું દબાણ વધશે. ATF એ સામાન્ય કેરોસીન નથી, પણ અતિશય ઊંચાઈએ અને શૂન્યથી નીચેના તાપમાનમાં પણ થીજી ન જાય તેવું ખાસ રિફાઈન્ડ ઇંધણ છે. જ્યારે પણ આવા ઇંધણ પર ટેક્સ ઘટે છે, ત્યારે તેનો સીધો ફાયદો સામાન્ય મુસાફરોને સસ્તી ટિકિટ સ્વરૂપે મળતો હોય છે. આમ, વેકેશનની સીઝન પહેલા મળેલી આ ભેટ મુસાફરો માટે ખુશીના સમાચાર લઈને આવી છે.

(9:50 PM IST)