તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
હવે અવકાશમાંથી કનેક્ટિવિટીનો ધડાકો: જિયો પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં પોતાનું સેટેલાઇટ નેટવર્ક ઊભું કરશે, આકાશ અંબાણીની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત!
રિલાયન્સની 49મી AGM માં મેગા પ્લાન જાહેર; વિદેશી કંપનીઓ પર નિર્ભર રહેવાને બદલે ભારતનું પોતાનું સ્વાયત્ત સેટેલાઇટ નેટવર્ક અને ગ્રાઉન્ડ સ્ટેશન બનાવશે Jio, એલોન મસ્કની 'સ્ટારલિંક' ને મળશે જોરદાર ટક્કર

મુંબઈ, : ટેલિકોમ સેક્ટરમાં જમીન પર ક્રાંતિ લાવ્યા બાદ હવે રિલાયન્સ જિયો ડિજિટલ દુનિયાને આકાશ સાથે જોડવા માટે અંતરિક્ષમાં સૌથી મોટો સટ્ટો ખેલવા જઈ રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ એક ઐતિહાસિક અને ચોંકાવનારી જાહેરાત કરી છે. જિયો પ્લેટફોર્મ્સ હવે ભારત માટે એક વિશેષ અને સાર્વભૌમ 'લો અર્થ ઓર્બિટ' (LEO) સેટેલાઇટ નક્ષત્ર (ઉપગ્રહ નેટવર્ક) વિકસાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ જિયો દેશના એવા અંતરિયાળ વિસ્તારોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડશે જ્યાં મોબાઇલ ટાવર કે ફાઇબર લાઇન નાખવી અશક્ય છે.
હવે ભારત જોડાશે આકાશથી: આકાશ અંબાણી
આ મેગા પ્રોજેક્ટની વિગતો આપતા આકાશ અંબાણીએ જણાવ્યું કે, "જિયોએ ભારતને જમીન પર ખૂબ જ મજબૂતાઈથી જોડ્યું છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે ભારતને આકાશથી જોડીએ. દેશમાં હજુ પણ એવા કેટલાય નદી-નાળા ઓળંગીને આવેલા દૂરના ગામડાઓ, ટાપુઓ અને દેશની સરહદો પર આવેલી સૈન્ય ચોકીઓ છે જ્યાં પરંપરાગત ટેરેસ્ટ્રીયલ નેટવર્ક પહોંચી શકતું નથી. આવા વિસ્તારોમાં રહેતા નાગરિકો અને સૈનિકો માટે જિયોની આ સેટેલાઇટ કનેક્ટિવિટી બાકીના ભારત સાથે જોડાવા માટે એક મજબૂત ડિજિટલ પુલનું કામ કરશે."
જિયોની ડબલ-ટ્રેક વ્યૂહરચના
સેટેલાઇટ સ્પેસમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જિયોએ બેવડી રણનીતિ અપનાવી છે. એક તરફ કંપની લાંબા ગાળાના આયોજન તરીકે ભારતનું પોતાનું સ્વાયત્ત (સોવરિન) સેટેલાઇટ નેટવર્ક તૈયાર કરી રહી છે, તો બીજી તરફ નજીકના ભવિષ્યમાં સેવાઓ ઝડપથી શરૂ કરવા માટે વૈશ્વિક સ્તરની અગ્રણી સેટેલાઇટ કંપનીઓ સાથે પણ ભાગીદારી કરી રહી છે. આ વ્યૂહરચના પાછળનો મુખ્ય હેતુ એ છે કે સ્પેસ કનેક્ટિવિટી માટે ભારતે લાંબા સમય સુધી વિદેશી પ્લેયર્સ પર નિર્ભર ન રહેવું પડે અને ભારતનું પોતાનું નેટવર્ક ગણતરીના વર્ષોમાં જ સજ્જ થઈ જાય.
દેશમાં જ બનશે અત્યાધુનિક ગ્રાઉન્ડ સ્ટેશન
માત્ર સેટેલાઇટ છોડવા પૂરતું જ નહીં, જિયો ભારતમાં પોતાનું વિશાળ 'ગ્રાઉન્ડ સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર' પણ તૈયાર કરી રહ્યું છે. ગ્રાઉન્ડ સ્ટેશન એ કોઈપણ સેટેલાઇટ બ્રોડબેન્ડ સિસ્ટમનો સૌથી મહત્વનો ભાગ છે, જે અંતરિક્ષમાં ફરતા ઉપગ્રહો અને જમીન પરના ટેલિકોમ નેટવર્ક વચ્ચે કનેક્ટિવિટી લિંક તરીકે કામ કરે છે. ભારતમાં જ આ પાયાનું માળખું ઊભું કરીને જિયો એન્ડ-ટુ-એન્ડ સેટેલાઇટ ઇકોસિસ્ટમ પર પોતાનું નિયંત્રણ રાખશે, જે ભવિષ્યમાં અન્ય સહયોગી ઉપગ્રહોને પણ સપોર્ટ આપી શકશે.
એલોન મસ્ક અને એમેઝોન સાથે સીધી ટક્કર
જિયોના આ આક્રમક પગલાથી વૈશ્વિક સ્પેસ માર્કેટમાં ગરમાવો આવી ગયો છે. હવે જિયો સીધું જ એલોન મસ્કની 'સ્ટારલિંક' (Starlink) અને જેફ બેઝોસની એમેઝોન 'કુઇપર' (Kuiper) જેવી વૈશ્વિક મહાસત્તાઓ સામે ટકરાશે, જેઓ લાંબા સમયથી ભારતીય સેટેલાઇટ માર્કેટ પર કબજો જમાવવા ટાંપીને બેઠી છે. હાલ આ પ્રોજેક્ટ મૂલ્યાંકનના તબક્કામાં છે અને રોકાણ કે લોન્ચિંગની ચોક્કસ તારીખો જાહેર કરાઈ નથી, પરંતુ ગ્રાઉન્ડ સ્ટેશનનું ચાલતું કામ એ સાબિત કરે છે કે જિયો માટે આ કોઈ સાઇડ બિઝનેસ નથી પરંતુ ભવિષ્યનો એક મોટો પાયાનો દાવ છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
