<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

યુપીના રાજકીય દંગલમાં હવે આઠવલેની એન્ટ્રી: ચિરાગ પાસવાન બાદ રામદાસ આઠવલેએ ૨૫ બેઠકો પર ઠોક્યો દાવો, ભાજપના સાથી પક્ષો વચ્ચે જામશે સોદાબાજીની જંગ

૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ઉત્તર પ્રદેશમાં ગઠબંધનનું ગણિત ગરમાયું, લખનૌમાં 'સંવિધાન દિવસ' પર શક્તિ પ્રદર્શન કરી રામદાસ આઠવલે ભાજપ પાસે માંગશે હિસ્સો અને દલિત મતોના સહારે સત્તાના સમીકરણો બદલવા કમર કસી

લખનૌ:ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને હજુ વાર છે, પરંતુ રાજકીય પારો અત્યારથી જ આસમાને પહોંચ્યો છે. બિહારના દિગ્ગજ નેતા ચિરાગ પાસવાનની તમામ ૪૦૩ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત બાદ હવે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A) એ પણ યુપીના મેદાનમાં ઝંપલાવ્યું છે. આઠવલેએ આગામી ૨૬ નવેમ્બરના રોજ લખનૌમાં એક વિરાટ રેલી યોજીને પોતાની શક્તિ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી ભાજપ સાથેના ગઠબંધન હેઠળ ૨૫ બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છુક છે, જેના માટે તેઓ ટૂંક સમયમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બેઠક વહેંચણી મુદ્દે ચર્ચા વિચારણા કરશે.

લખનૌમાં પત્રકારો સાથે વાતચીત કરતા રામદાસ આઠવલેએ માયાવતીની બસપા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, બહુજન સમાજ પાર્ટીએ હવે જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે અને દલિત મતો હવે તેમની પાર્ટી તરફ વળ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે રિપબ્લિકન પાર્ટી બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો પર ચાલીને ગરીબો અને વંચિતોનો અવાજ બનશે, જેનાથી આખરે ભાજપને જ ફાયદો થશે. લખનૌના ડિફેન્સ એક્સ્પો ગ્રાઉન્ડ ખાતે યોજાનારી આ રેલીમાં અંદાજે ૧ લાખ કાર્યકરોને એકત્રિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે સાથી પક્ષો વચ્ચેની 'બાર્ગેનિંગ પાવર' વધારવા માટેનો એક વ્યૂહાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.

રાજકીય નિષ્ણાતો માને છે કે ચિરાગ પાસવાન અને રામદાસ આઠવલે જેવા સાથી પક્ષોની આ સક્રિયતા ભાજપ માટે પડકાર અને તક બંને સમાન છે. એક તરફ આ પક્ષો દલિત અને પછાત વર્ગના મતો અંકે કરવામાં મદદરૂપ થઈ શકે છે, તો બીજી તરફ બેઠકોની ફાળવણી વખતે ભાજપ પર દબાણ પણ વધશે. અગાઉ લોક જનશક્તિ પાર્ટીએ તમામ બેઠકો પર તૈયારીઓ શરૂ કરી હોવાનું જણાવીને ભાજપ હાઈકમાન્ડને વિચારતા કરી દીધા છે. હવે આઠવલેની એન્ટ્રીથી યુપીનું રાજકારણ ત્રિપાંખિયા જંગ તરફ આગળ વધી રહ્યું હોય તેવું જણાય છે, જેમાં પશ્ચિમ બંગાળ અને આસામ જેવી ચૂંટણીઓના પરિણામો પણ આ નાના પક્ષોની સોદાબાજીની શક્તિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

(11:38 PM IST)