News of Wednesday, 5th August 2026
હવે નવી કાર ખરીદનારા ગ્રાહકોએ ૪ વર્ષ અને ટુવ્હીલર ખરીદનારાને ૬ વર્ષનો થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ ફરજિયાતપણે લેવો પડશે
નવી કાર કે બાઈક ખરીદતા પહેલા સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વાંચી લેજો, નહીંતર પેટ્રોલ મળવું પણ મુશ્કેલ થઈ જશે

નવી દિલ્હી,તા.૫: જો તમે નવી કાર અથવા બાઈક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર આપના માટે ખૂબ જ મહત્ત્વના છે. સુપ્રીમ કોર્ટે થર્ડ પાર્ટી મોટર ઈંશ્યોરન્સને લઈ મોટો ચુકાદો સંભળાવ્યો છે. હવે નવી કાર ખરીદનારા ગ્રાહકોને ૪ વર્ષ અને નવી ટુવ્હીલર વાહન ખરીદનારાને ૬ વર્ષનો થર્ડ પાર્ટી ઈંશ્યોરન્સ ફરજિયાતપણે લેવો પડશે. કોર્ટે વીમા નિયામક આઈઆરડીએઆઈને આ સંબંધમાં તરત જરૂરી નિર્દેશ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
આ નિર્ણય જસ્ટિસ સંજય કરોલ અને જાસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની પીઠે એક મોટર દુર્ઘટના વળતરના મામલાની સુનાવણી દરમિયાન સંભળાવ્યો છે. કોર્ટે ખાલી આ મામલાનું નિવારણ નથી કર્યું પણ દેશમાં થર્ડ પાર્ટી ઈંશ્યોરન્સના નિયમોને વધારે મજબૂત બનાવવાના મહત્ત્વના નિર્દેશ પણ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં આદેશ આપ્યો હતો કે, નવી ખાનગી કારો માટે ૩ વર્ષ અને નવી બાઈક માટે ૫ વર્ષનો થર્ડ પાર્ટી ઈંશ્યોરન્સ ફરજિયાત રહેશે. હવે આ ગાળાને વધારીને ક્રમશઃ ૪ અને ૬ વર્ષ કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, છેલ્લા ૮ વર્ષમાં મોટી સંખ્યામાં વાહનો માન્ય વીમા વિના રસ્તા પર ચાલી રહ્યા છે. કોર્ટે સંસદની સ્થાયી સમિતિના રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે, દેશમાં લગભગ ૩૦.૪૮ કરોડ રજિસ્ટર્ડ વાહનોમાં લગભગ ૧૬.૫૪ કરોડ વાહનો પાસે માન્ય વીમો નથી. એટલે કે, લગભગ ૫૬ ટકા વાહન ઈંશ્યોરન્સ વિના ચાલે છે. કોર્ટે કહ્યું કે, મોટર વાહન અધિનિયમ અંતર્ગત થર્ડ પાર્ટી ઈંશ્યોરન્સનો ઉદ્દેશ્ય ખાલી દુર્ઘટના પીડિતોને વળતર આપવાનો નથી, પણ તેમને લાંબા કાનૂની વિવાદોથી બચાવવાનો પણ છે.
વીમા નિયામક આઈઆરડીએઆઈ અને જનરલ ઈંશ્યોરન્સ કાઉન્સિલે ઈંશ્યોરન્સના ગાળાને વધારવાનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે તેનાથી વાહન માલિકો પર શરૂઆતી ખર્ચો વધશે અને તેનાથી વીમા વિના વાહનોની સંખ્યામાં બહુ મોટો બદલાવ નહીં આવે. જો કે સુપ્રીમ કોર્ટે કડક સુરક્ષા અને પીડિતોના હિતને પ્રાથમિકતા આપતા આ સમય વધારવાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈવે અને મુખ્ય રસ્તા પર લાગેલા ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન કેમેરાને ઈંશ્યોરન્સ ઈંફોર્મેશન બ્યૂરો અને વાહન પોર્ટલ સાથે જોડવામાં આવે. તેનાથી માન્ય વીમા વિનાના વાહનોની ઓળખ આપોઆપ થઈ શકશે અને ઈ-ચાલાણ જાહેર કરી શકાશે. કોર્ટે રાજ્ય પોલીસને એવી મોબાઈલ એપ અને હેંડહેલ્ડ ડિવાઇસ ઉપલબ્ધ કરાવવાના પણ નિર્દેશ આપ્યા છે, જેનાથી ઘટનાસ્થળ પર કોઈ પણ વાહનના વીમાની સ્થિતિ તપાસી શકાય.
પેટ્રોલ પંપ પર પણ થઈ શકે છે તપાસઃ સુપ્રીમ કોર્ટે આઈઆરડીએઆઈ અને સડક પરિવહન મંત્રાલય પાસે એક પાયલટ પ્રોજેક્ટ તૈયાર કરવા પણ કહ્યું છે. જે અંતર્ગત ભવિષ્યમાં પેટ્રોલ પંપો પર ઈંધણ આપતા પહેલા વાહનોના માન્ય ઈંશ્યોરન્સની તપાસ થશે. જો વાહનનો વીમો ખતમ થઈ ચૂક્યો છે તો તેને ઈંધણ આપતા રોકવા જેવા વિકલ્પો પર વિચાર કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે દેશમાં રોડ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. સત્તાવાર આંકડા અનુસાર, ૨૦૨૪માં ૪,૮૭,૭૦૫ રોડ અકસ્માત થયા, જ્યારે ૨૦૨૩માં આ સંખ્યા ૪,૮૦,૫૮૩ અને ૨૦૨૨માં ૪,૬૧,૩૧૨ હતી. આવા સમયે થર્ડ પાર્ટી ઈંશ્યોરન્સનો દાયરો મજબૂત કરવો સડક સુરક્ષા અને દુર્ઘટના પીડિતોના હિતમાં જરૂરી છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
