<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

હવે ફિનલેન્ડ જવું પણ એટલું સરળ નહીં રહે: આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ભાષા અને કમાણીના નિયમો ભારે કડક કરવા માસ્ટર પ્લાન તૈયાર!

એજન્ટોના નકલી સપનાઓ પર ફિનિશ સરકારનો સપાટો; કૌટુંબિક પુનઃમિલન પર એક વર્ષનો પ્રતિબંધ અને આવકની સત્તાવાર લઘુત્તમ મર્યાદા નક્કી કરવા ડ્રાફ્ટ જાહેર

હેલસિંકી,: યુરોપના સૌથી શાંત અને સુંદર દેશોમાં ગણાતું ફિનલેન્ડ હવે વિદેશી વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારત સહિત એશિયાઈ દેશોમાંથી આવતા સ્ટુડન્ટ્સ માટે વિઝા અને એન્ટ્રીના નિયમો લોખંડી બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ફિનલેન્ડની વર્તમાન સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કડક ભાષા પ્રાવીણ્ય (Language Proficiency), સખત આવક તપાસ અને કૌટુંબિક વિઝા નિયમોમાં મોટો ફેરફાર કરતો એક પ્રસ્તાવિત ઇમિગ્રેશન સુધારાનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે.

ત્યાંના આર્થિક બાબતો અને રોજગાર મંત્રાલય દ્વારા ૧૮ મેના રોજ સત્તાવાર રીતે આ ડ્રાફ્ટ જાહેર જનતાની ટિપ્પણીઓ માટે રજૂ કરાયો છે, જે ૨૯ જૂન સુધી પરામર્શ હેઠળ રહેશે. ત્યારબાદ વર્ષ ૨૦૨૬ ના સંસદીય સત્ર દરમિયાન આ બિલ પસાર કરીને વસંત ૨૦૨૭ અને પાનખર ૨૦૨૭ થી બે તબક્કામાં સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવશે.

'સ્ટુડન્ટ ડિપેન્ડન્ટ વિઝા' પર મોટો આંચકો

આ નવા ડ્રાફ્ટ પ્રસ્તાવનો સૌથી મોટો ફટકો એવા વિદ્યાર્થીઓને લાગશે જેઓ પોતાના પરિવાર કે જીવનસાથી (Spouse) ને સાથે લઈ જવા માંગે છે. અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ, પરિવારના સભ્યો વિદ્યાર્થીની સાથે જ વિઝા માટે અરજી કરી શકતા હતા. પરંતુ નવા નિયમ મુજબ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી ફિનલેન્ડ પહોંચીને ત્યાં ઓછામાં ઓછું એક વર્ષ સફળતાપૂર્વક પૂરું કરી લે, તે પછી જ તેના પરિવારના સભ્યો રેસિડન્સ પરમિટ માટે અરજી કરી શકશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે લઘુત્તમ આવકની જરૂરિયાતો પણ હવે કાયદાકીય રીતે સત્તાવાર રીતે વ્યાખ્યાયિત કરવામાં આવશે, જે અત્યાર સુધી માત્ર ઇમિગ્રેશન વિભાગની ગાઇડલાઇન પર આધારિત હતી.

નકલી એજન્ટોના દેવાની જાળમાંથી વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ

ફિનિશ રોજગાર પ્રધાન મટિયાસ માર્ટીનેને આ મામલે સ્પષ્ટ જણાવ્યું છે કે, "કેટલાક વિદેશી એજન્ટો વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરનારી માહિતી આપીને લાખો રૂપિયાના દેવામાં ડૂબાડી દે છે, જેના કારણે ફિનલેન્ડ પહોંચ્યા પછી વિદ્યાર્થીઓ આર્થિક રીતે ભારે સંઘર્ષ કરે છે અને સંવેદનશીલ સ્થિતિમાં મૂકાય છે. ફિનલેન્ડના શ્રમ બજારને વિદેશી કુશળતાની જરૂર ચોક્કસ છે, પરંતુ વિદ્યાર્થી ઇમિગ્રેશન ટકાઉ હોવું અનિવાર્ય છે."

 

એન્ટ્રી પહેલાં જ આપવી પડશે કડક ભાષાની પરીક્ષા

આ સુધારા અંતર્ગત ફિનલેન્ડમાં પ્રવેશતા પહેલાં જ વિદ્યાર્થીઓની ફરજિયાત ભાષા પ્રાવીણ્યતા (અંગ્રેજી અથવા જે-તે કોર્સની મૂળ ભાષા) ની આકરી તપાસ કરવામાં આવશે. સત્તાવાળાઓના મતે, ઘણા વિદ્યાર્થીઓ પૂરતા ભાષા જ્ઞાન વિના આવી જાય છે, જેના કારણે તેઓ પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દે છે અથવા નાપાસ થાય છે. હવે જો કોઈ અરજદાર નિર્ધારિત ભાષાના માપદંડો પર ખરો નહીં ઉતરે, તો તેની સ્ટુડન્ટ પરમિટ સીધી જ નકારી દેવામાં આવશે. વર્ષ ૨૦૨૩ થી ફિનલેન્ડ દ્વારા નાગરિકતા અને કાયમી વસવાટ (PR) ના નિયમો કડક કરવાની ચાલી રહેલી વ્યાપક ઝુંબેશનો જ આ એક ભાગ છે.

(6:27 PM IST)