<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

હવે સરકાર કરાવશે તમારા ‘સેટિંગ’! જીવનસાથી શોધવા માટે જાપાન સરકાર આપશે રોકડા રૂપિયા, ડેટિંગ એપ્સ માટે સબસિડીની અનોખી સ્કીમ

પ્રેમમાં પડવા માટે મળશે ૧૨,૦૦૦ રૂપિયાની મદદ: ઘટતા જન્મદર અને લગ્ન પ્રત્યે યુવાનોની ઉદાસીનતા દૂર કરવા કોચી પ્રીફેક્ચરનો માસ્ટરપ્લાન, જાણો આ ‘લવ સબસિડી’ પાછળનું ગંભીર કારણ

ટોક્યો:શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ દેશની સરકાર તમને ડેટિંગ કરવા માટે પૈસા આપે? જાપાનમાં અત્યારે કંઈક આવું જ બની રહ્યું છે. જાપાનના કોચી પ્રીફેક્ચરની સરકારે દેશમાં ઘટતા જન્મદર અને લગ્નની ઓછી સંખ્યા સામે લડવા માટે એક અનોખું હથિયાર અજમાવ્યું છે. સરકાર હવે ૨૦ થી ૩૯ વર્ષના સિંગલ યુવાનોને ડેટિંગ એપ્સનો ઉપયોગ કરવા માટે ૨૦,૦૦૦ યેન (આશરે ૧૨,૦૦૦ રૂપિયા) સુધીની સબસિડી આપી રહી છે.
   જાપાન અત્યારે વસ્તીના ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ફેબ્રુઆરીમાં જાહેર થયેલા આંકડા મુજબ, ૨૦૨૫ માં જાપાનમાં જન્મ દર અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ૧૮૯૯ પછી પહેલીવાર વર્ષ દરમિયાન માત્ર ૭.૦૫ લાખ બાળકોનો જન્મ થયો છે. મોંઘવારી અને જીવનશૈલીમાં ફેરફારને કારણે જાપાની યુવાનો લગ્ન અને બાળકોથી દૂર ભાગી રહ્યા છે, જે દેશના ભવિષ્ય માટે ખતરાની ઘંટડી સમાન છે.
 ૧ એપ્રિલ, ૨૦૨૬ થી શરૂ થયેલા આ કાર્યક્રમ હેઠળ, યુવાનો ડેટિંગ એપ્સની સબસ્ક્રિપ્શન ફી, નોંધણી ફી કે માસિક ચાર્જ માટે આ સબસિડીનો ઉપયોગ કરી શકશે. યુવાનો એક કરતાં વધુ એપ્લિકેશન્સ પર પણ આ રકમ ખર્ચ કરી શકે છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે નાણાકીય બોજ હળવો થવાથી યુવાનો જીવનસાથી શોધવા માટે વધુ પ્રોત્સાહિત થશે.
કોચી પ્રીફેક્ચરની સરકાર માત્ર વ્યક્તિગત સ્તરે જ નહીં, પરંતુ એવી સંસ્થાઓને પણ મદદ કરી રહી છે જે ‘મેચમેકિંગ ઇવેન્ટ્સ’ એટલે કે યુવક-યુવતીઓના મિલન સમારોહનું આયોજન કરે છે. આવી સંસ્થાઓને સરકાર ૧ લાખ યેન (આશરે ૫૯,૦૦૦ રૂપિયા) સુધીની ગ્રાન્ટ આપી રહી છે. સરકાર માને છે કે જો યુવાનો એકબીજાને મળશે, તો લગ્નની શક્યતા વધશે અને વસ્તીના સંકટમાં રાહત મળશે.
જાપાનના આ પગલાને વિશ્વભરના નિષ્ણાતો કુતૂહલથી જોઈ રહ્યા છે. વધતો જીવન ખર્ચ અને કરિયરની દોડધામમાં પ્રેમ પાછળ રહી ગયો છે, ત્યારે હવે જાપાન સરકાર પોતે ‘ક્યુપિડ’ (પ્રેમનો દેવતા) બનીને યુવાનોના ઘર વસાવવામાં મદદ કરી રહી છે.

(8:46 PM IST)